News of Sunday, 6th October 2024
નીલ સીટી ક્લબનાં રાસોત્સવમાં શકીરાનાં ગીતોનો વીડિયો વાઇરલ પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીએ આપી પ્રતિક્રિયા
રાસોત્સવમાં જમાલકુડુ અને શકીરાનાં ગીતોથી સનાતન ધર્મ સમિતિનાં સંત સહિત ખેલૈયાઓ દ્વારા ભારે વિરોધ

રાજકોટના નીલ સિટી ક્લબ ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. નવરાત્રિનાં રસોત્સવમાં નીલ સિટી ક્લબનાં આયોજકો ભૂલ્યા ભાન હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં ગરબાને બદલે શકીરાનાં સોંગ પર લોકો ઠુંમકા લગાવતા નજરે પડી રહ્યા છે. આ મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સનાતન ધર્મ સમિતિનાં સંત સહિત ખેલૈયાઓ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
રાજકોટમાં નીલ સિટી ક્લબનાં વીડિયોએ હાલ ભારે વિવાદ સર્જયો છે. નીલ સિટી ક્લબમાં ગરબોત્સવ દરમિયાન બોલિવૂડ અને હોલિવૂડનાં ગીત જેમ કે જમાલકુડુ અને શકીરાનાં ગીતો પર લોકો ડાન્સ કરતા જોવા મળ્યા હતા. નીલ સિટી ક્લબનાં આયોજનો નવરાત્રિનાં પવિત્ર તહેવાર દરમિયાન જાણે ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે
આ મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, આ બાબતે પ્રશાસન અને સરકારે કાર્યવાહી કરવી જોઈએ. તેમણે આ વાઇરલ વીડિયો સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, આ પર્વ આપણે મા આદ્યશક્તિની આરાધના માટે ઊજવીએ છીએ.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, આયોજકોએ લોકોને રાસ ગરબા પર રમાડવા જોઈએ ના કે શકિરાનાં ગીતો પર ડાન્સ કરાવવો જોઈએ. આયોજકો ભાન ભૂલ્યા છે. નવરાત્રી મહોત્સવમાં હિન્દુ સમાજની લાગણી ફરીવાર ના દુભાય તે માટે સરકાર અને પોલીસ તંત્રે આવી બાબતો પર ચાંપતી નજર રાખવી જોઈએ. બીજી તરફ સનાતન ધર્મ સમિતિના સંત જ્યોર્તિનાથ મહારાજે કહ્યું કે, હિન્દુ સંસ્કૃતિ પર કુઠારાઘાત સમાન કિસ્સાઓ ન બનવા જોઈએ. તહેવારોમાં આવા બેજવાબદારીપૂર્વક આયોજનો ના કરવા જોઈએ. પોલીસે આ બાબતે ગંભીરતા દાખવી કડક કાર્યવાહી કરવી જોઇએ
આ સાથે કેટલાક ખેલૈયાઓએ પણ નીલ સિટી ક્લબનાં આયોજકો સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. ખેલૈયાઓએ કહ્યું કે, આ પ્રકારનાં વીડિયો અને ગીતો પર ગરબા ના થવા જોઈએ. આપણે આપણું કલ્ચર અને સંસ્કૃતિને જાળવવી જોઈએ. 31st ડિસેમ્બરમાં જે રીતે નાચગાન થાય છે તેવા નાચગાન નવરાત્રી પર ન હોવા જોઈએ.
(6:44 PM IST)










