<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

રાજકોટ નાગરિક બેંકના ડાયરેકટરોની થશે ચૂંટણી : કાર્યક્રમ જાહેર

૧૮ ઓકટોબરે સભ્‍યો - ડેલીગેટ્‍સની યાદી બહાર પડશે : ૨૯ થી ૨ નવેમ્‍બર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે : જો જરૂર પડે તો ૧૧ નવેમ્‍બરે મતદાન : ૧૨ નવેમ્‍બરે મતગણતરી : ૧૫મીએ જાહેરાત : ૩,૩૭,૮૨૦ રેગ્‍યુલર સભ્‍યો : કુલ ૨૧ ડાયરેકટરો પસંદ કરવા થશે ચૂંટણી : નિશ્વાર્થ - પ્રમાણિક લોકો ચૂંટાય તેવો નાગરિક બેંક બચાવો સંઘનો સંકલ્‍પ : બેંકને ડુબવાથી બચાવવા પરિવર્તન જરૂરી

રાજકોટ તા. ૭ : ગુજરાત સહિતના રાજ્‍યોમાં કાર્યક્ષેત્ર ધરાવતી શીડયુલ્‍ડ બેંક રાજકોટ નાગરિક સહકારી બેંક લી.ના ડાયરેકટરોની પસંદગી કરવા માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે. ૩,૩૭,૮૨૦ રેગ્‍યુલર સભ્‍યો ધરાવતી આ બેંકના ૨૧ ડાયરેકટરો ચૂંટવા માટે ચૂંટણી પ્રક્રિયાનો ૧૮મી ઓકટોબરથી પ્રારંભ થશે જે એકાદ મહિના સુધી ચાલશે. આ બેંકમાં નિશ્વાર્થ અને પ્રમાણિક ડાયરેકટરો ચૂંટાય એ નાગરિક બેંક બચાવો સંઘનો સંકલ્‍પ હોવાનું એક યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

યાદી જણાવે છે કે, સેન્‍ટ્રલ રજિસ્‍ટ્રાર મારફત નવા કાયદાઓ પ્રમાણે રાજકોટ નાગરિક સહકારી બેન્‍ક નો ચૂંટણી કાર્યક્રમ આગામી તા.૧૮ ઓક્‍ટોબર થી ૧ મહિના માટેનો જાહેર થયેલ છે. તટસ્‍થ ચૂંટણી થાય તે માટે ક્‍લેક્‍ટર શ્રી ની રાહબરીમાં ચૂંટણી અધિકારી કાર્ય કરશે જે અભૂતપૂર્વ અને આવકારદાયક છે. બેન્‍કમાં ચાલતા સ્‍કેમ, ફ્રોડ, ગેર નીતિઓ સામે જુંબેશ ચલાવનાર નાગરિક બેન્‍ક બચાવો સંઘ એ માટે સંકલ્‍પબદ્ધ છે કે નવા ડિરેક્‍ટરો પ્રમાણિક અને નિઃસ્‍વાર્થ આવવા જોઈએ.

સંઘના અગ્રણિઓ સર્વશ્રી ચંદુભા પરમાર, વિબોધ દોશી,બાલુભાઈ શેઠ, ખેંગા યોગીજી, ઉમેશ દફતરી તેમજ વિશ્વેશ ધોળકિયાએ સંયુક્‍ત નિવેદનમાં જણાવ્‍યું છે કે નાગરિક બેન્‍કમાં કાલબાદેવી, જુનાગઢ સહિતની બ્રાન્‍ચોમાં લોન આપવામાં મોટા પાયે સંગઠિત પ્રકારના આર્થિક અપરાધો થયેલ છે. રિઝર્વ બેન્‍કના ટોપ લેવલના અધિકારી પણ ચોકી ઉઠ્‍યા છે. નાગરિક બેન્‍કને આ અંગે ગંભિર ખુલ્લાસાઓ પૂછતો રિપોર્ટ પણ તાજેતર માં આપી દેવાયો છે. બેંકના ડિરેકટરો સાથેની મિટિંગમાં રિઝર્વ બેન્‍કે પૂનઃઓડિટ કરાવવા, જવાબદાર તમામ સામે પોલિસ કાર્યવાહી તેમજ અન્‍ય પગલાઓ લેવા ગંભિર હુંકમો કર્યા છે. બેન્‍કિંગ રૂલ્‍સનો જયાં જયાં ભંગ થયો છે. તે અને ફ્રોડ અંગેની વિગતો જાહેર કરવા પણ હુકમ કરેલ છે. બેન્‍ક કઇપણ છુપાવવાનો પ્રયત્‍ન કરશે તો ગંભિર પગલાઓ લેવાશે તેવી ચેતવણી પણ રિઝર્વ બેન્‍કે નાગરિક બેન્‍કને આપી દીધેલ છે. ટૂંક સમયમાં મોટા કડાકા - ભડાકા થવાના એંધાણ છે.

બેન્‍કના વર્તમાન ડિરેક્‍ટરોમાંથી ઘણાં લોકો બેંકના જનરલ મેનેજર અને ડેપ્‍યુટી જનરલ મેનેજર આ સ્‍કેમમાં સંડોવાયેલા હોવાથી મિલીભગત દાખવી રહે છે. વર્તમાન ઇન્‍ચાર્જ ચેરમેન, ૨ પૂર્વ ચેરમેન તેમજ કેટલાક ડિરેક્‍ટરો ની ટોળકી પોતાના સ્‍વાર્થ માટે બેન્‍કને દુબાડી રહેલ છે. એટલે નાગરિક બેન્‍ક બચાવો સંઘની સ્‍થાપના થયેલ અને ઝૂંબેશ ચાલી રહેલ છે.

સંઘ જાહેર જનતાને એવી અપિલ કરે છે કે બેન્‍કમાં ચૂંટણી લડવા માટે પ્રમાણિક અને સ્‍વાર્થ વગરના લોકોએ આગળ આવવું જોઇએ. તેઓને વ્‍યાપક જન સમર્થન પણ મળવું જોઈએ. આ બેન્‍કમાં ભૂતકાળમાં સંસ્‍કારી લોકો, RSS અને જનસંઘના કાર્ય કરતાઓના નેતૃત્‍વમાં ચાલતી હતી. પરતું છેલ્લા કેટલાક વર્ષોથી ફ્રોડને ચલાવી લેનાર સ્‍વાર્થી લોકોએ મેલી રમતો રમીને બેન્‍કનો કબજો લઈ લીધેલ છે. બેન્‍કમાં ૧૦ લાખથી વધુ નાગરીકોના ૧૦ હજાર કરોડથી વધુ રૂપિયાનો બિઝનેસ છે. ત્‍યારે બેન્‍કમાં કેન્‍સર કે ઉધઈ પ્રવેશી ગયેલ છે. તે દૂર કરવી પડે તેમ છે. સંઘ મારફત ચૂંટણી કાર્યક્રમની વિગતો પણ આસાથે અખબારીયાદીમાં જાહેર કરેલ છે.

દરમિયાન ચૂંટણી કાર્યક્રમ અનુસાર ૧૮ ઓકટોબરે પાત્ર સભ્‍યો - ડેલીગેટ્‍સની યાદી બહાર પડશે. ૧૯થી ૨૩ સુધી આ સામે વાંધા રજુ કરવાના રહેશે, ૨૪-૨૭ દરમિયાન વાંધા અરજીની તપાસણી થશે, ૨૮મીએ સભ્‍યોની અંતિમ યાદી બહાર પડશે. ૨૯થી ૨ નવે. સુધી ઉમેદવારીપત્ર ભરવાના રહેશે. ૨ નવે. ઉમેદવારીપત્રોની જાહેરાત, ૪ નવેમ્‍બરે પત્રોની ચકાસણી, ૫ નવે. ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત, તે જ દિવસે સાંજે ઉમેદવારી પત્રોની અંતિમ યાદી જાહેર થશે. જરૂર પડયે ૧૧ નવેમ્‍બરે મતદાન, ૧૨મીએ મતગણતરી, ૧૫મીએ પરિણામની જાહેરાત થશે.(

(10:15 AM IST)