News of Monday, 7th October 2024
નવરાત્રીમાં મચ્છરના રાસડા : ડેન્ગ્યુ - મેલેરિયાના ૨૮ કેસ
ઝાડા - ઉલ્ટીના ૧૮૩, શરદી-ઉધરસના ૧૦૦૬ તથા ટાઇફોઇડના ૫ દર્દી નોંધાયા : મચ્છર ઉત્પતિ સબબ ૪૯૩ને નોટીસ

રાજકોટ તા. ૭: શહેરમાં દીવસે ને દીવસે મચ્છરજન્ય ડેન્ગ્યુના કેસમાં વધારો થતો જોવા મળે છે. હાલ નવરાત્રીના તહેવારમાં પણ મચ્છરજન્ય રોગનો કહેર જોવા મળતા ડેન્ગ્યુ અને મેલેરીયાના ૨૮ કેસ મનપા તંત્રના ચોપડે નોંધાયા છે. જયારે શરદી,તાવ, ઝાડા,ઉલ્ટીના ૧૮૦૦થી દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.
શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્છરજન્ય રોગ સાથો સાથ પાણીજન્ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડ અને કોલેરાના પણ દર્દી નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૩૦ સપ્ટે.થી ૦૬ ઓકટોબર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય
રોગચાળાના ૨૮ કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ૨૬, મેલેરીયાના ૨ કેસ નોંધાયા છે. સીઝનનાં મેલેરીયાના ૨૮, ડેન્ગ્યુના ૨૪૮ તથા ચિકનગુનિયાના ૨૭ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતા હોવાથી વધુ લોકો હોય તેવા સ્થળોએ આવા રોગ ફેલાવવાનું જોખમ વધુ રહે છે.
શરદી - તાવના
૧૮૨૫થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૦૦૬ તેમજ સામાન્ય તાવના ૬૩૧ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૮૩ તથા ટાઇફોડનો ૫ સહિત કુલ ૧૮૦૦થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૩૮,૯૭૬ તેમજ સામાન્ય તાવના ૧૫,૦૩૩ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૦,૬૧૮તથા ટાઇફોડનાં ૭૬ તથા કમળાના ૭, મરડાનાં૧ તથા કોલેરાના ૫ કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ
સબબ ૪૯૩ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૯૩,૯૬૨ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૬૫૭૮ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૭૦૦ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૪૯૩ લોકોને નોટીસ પાઠવી હતી. જયારે ૬૨,૩૫૦ હજારનો વહીવટી ચાર્જ પણ વસુલાયો હતો.
(2:54 PM IST)










