<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

ટુવ્‍હીલર અકસ્‍માતમાં ઘવાયેલા ભવાનીનગરના કલ્‍પેશ બાંભણીયાનું મોતઃ મારકુટ થયાનો આક્ષેપ

રામનાથપરા સ્‍મશાનના પૂલ પાસે ૭મીએ રાતે બનાવ બનતાં ત્રણને ઇજા થઇ હતીઃ યુવાનના મોતથી બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્‍યું : પરિવારજનોએ આક્ષેપ કરતાં કહ્યું- કલ્‍પેશ તેના કારીગર સોમનાથ બંગાળીને બેસાડી ઘરે આવી રહ્યો હતો ત્‍યારે ધવલ સેરૈયા સાથે વાહન અથડાતાં કલ્‍પેશ અને કારીગરની ધોલધપાટ થઇ હતીઃ પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું

તસ્‍વીરમાં કલ્‍પેશભાઇનો નિષ્‍પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો, વિગતો જણાવતાં નાના ભાઇ સહિતના પરિવારજનો અને મૃતકના પત્‍નિ કાજલબેન તથા પિતા વિહોણા થઇ ગયેલા દિકરો-દિકરી જોઇ શકાય છે

રાજકોટ તા. ૯: બે દિવસ પહેલા સાતમી તારીખે રાતે રામનાથપરા સ્‍મશાનના પૂલ પાસે બે ટુવ્‍હીલર અથડાતાં ત્રણને ઇજા થઇ હતી. જે પૈકી રામનાથ મંદિર પાસે ભવાનીનગર-૫ના ખુણે રહેતાં કલ્‍પેશભાઇ દેવજીભાઇ બાંભણીયા (ઉ.વ.૨૮) નામના યુવાનનું આજે વહેલી સવારે સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે જેની સાથે વાહન અથડાયું હતું તે સામેના વાહનના ચાલકે કલ્‍પેશભાઇ અને તેના કારીગરને મારકુટ કરી હતી તેના કારણે મૃત્‍યુ થયું છે. પોલીસે આક્ષેપોને પગલે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ ભવાનીનગર-૫માં રહેતો કલ્‍પેશભાઇ બાંભણીયા સોની કામ કરતો હોઇ તે ૭મીએ રાતે કારીગર સોમનાથ બંગાળી (ઉ.વ.૩૫)ને તેડવા માટે ગયો હતો. કારીગરને પોતાના ટુવ્‍હીલરમાં બેસાડી તે ઘર તરફ આવી રહ્યો હતો ત્‍યારે રામનાથપરા સ્‍મશાના પૂલ પાસે સામે બીજુ ટુવ્‍હીલર અથડાતાં કલ્‍પેશભાઇ, કારીગર સોમનાથ અને સામેના વાહનના ચાલક મોરબી રોડ ગીરીરાજ પાર્ટી પ્‍લોટ પાસે રહેતાં ધવલ કિશોરભાઇ સેરૈયા (ઉ.વ.૨૧)ને ઇજાઓ થતાં ત્રણેયને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

દરમિયાન આજે સવારે કલ્‍પેશભાઇનું મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર કલ્‍પેશભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને સોની કામ કરતો હતો. તેને સંતાનમાં નવ વર્ષનો દિકરો અને પાંચ વર્ષની દિકરી છે.

પરિવારજનોએ આક્ષેપો કરતાં કહ્યું હતું કે કલ્‍પેશભાઇ કારીગરને લઇને આવતો હતો ત્‍યારે તેના વાહન સાથે જે બીજુ વાહન અથડાયું તેમાં ત્રણ સવારીમાં ત્રણ જણા હતાં. અકસ્‍માત બાદ એ લોકોએ કલ્‍પેશભાઇ અને કારીગરને મારકુટ કરી હતી. જેના કારણે તેને ઇજાઓ થઇ હતી. સીસીટીવી કેમેરા ચેક કરવાની માંગણી પણ કરતાં પીઆઇ એસ. એસ. રાણે, એએસઆઇ હીરાભાઇ રબારી, એ. વી. બકુતરા, હિતેષભાઇ કોઠીવાલ સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. આક્ષેપોને પગલે પોલીસે મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ ફોરેન્‍સિક નિષ્‍ણાંત પાસે કરાવ્‍યું હતું. (૧૪.૫)

(3:23 PM IST)