તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
કલોલના ચિરાગ મેવાડાએ અમેરિકાના બિઝનેસમેન નિલ પટેલની ખોટી ઓળખ આપી રાજકોટની યુવતિને ફસાવી!
યુવતિને ઇન્સ્ટાગ્રામ પર પહેલા માનસી પટેલના નામે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, પછી તેણીએ એક શખ્સનો પરિચય નીલ પટેલ તરીકે કરાવ્યો, તેને પોતાનો ભાઇ ગણાવ્યો ચારેક વર્ષ સુધી ખોટા નામે રિલેશનશીપ રાખી અંગત ફોટા મેળવી લીધા'તાઃ એક દિવસ યુવતિએ પાસપોર્ટ જોતાં ખબર પડી કે આ નીલ નહિ ચિરાગ છે અને પરણેલો છેઃ ભાંડો ફુટયા પછી પણ ધરાર રિલેશનશીપ રાખવા દબાણ કરી ફોટા વાયરલ કરવાની ધમકીઓ દીધી

રાજકોટ તા. ૯: સોશિયલ મિડીયા પર અમુક શખ્સો ખોટા આઇડી બનાવી ખોટા નામ ધારણ કરી વિદ્યાર્થીનીઓ, યુવતિઓ, સગીરાઓને મિત્રતા અને પ્રેમજાળમાં ફસાવી બાદમાં બ્લેકમેઇલ કરતાં હોય છે. આવા જ એક બનાવમાં રાજકોટની એક યુવતિનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ પર એક યુવતિના નામની આઇડી સાથે થયો હતો. એ પછી એ યુવતિએ એક શખ્સનો પરિચય પોતાના ભાઇ તરીકે કરાવ્યો હતો. આ શખ્સે પોતે કુંવારો છે, યુએસએમાં બીઝનેસ કરે છે તેવા બણગા ફુંકી પરિચય આગળ ધપાવતાં બંને વચ્ચે પ્રેમ થયો હતો. એ દરમિયાન યુવતિના અંગત ફોટા પણ તેણે લઇ લીધા હતાં. પણ એક દિવસ યુવતિએ પાસપોર્ટ જોતાં પોતાની સાથે નીલ પટેલના નામે જે શખ્સ પ્રેમ કરે છે તે નીલ નહિ પણ ગાંધીનગરનો ચિરાગ મેવાડા હોવાનું જણાતાં પોતાની સાથે છેતરપીંડી થયાની ફરિયાદ તેણીએ કરી છે. આ શખ્સ અંગત ફોટા વાયરલ કરી બદનામ કરી દેવાની ધમકી આપી યુવતિ , તેના માતા-પિતા તેમજ ફ્રેન્ડ સર્કલને પણ સતત પરેશાન કરતો હતો. સાયબર ક્રાઇમ પોલીસે તેને સકંજામાં લીધો છે.
આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે ૨૬ વર્ષિય યુવતિની ફરિયાદ પરથી ગાંધીનગરના કલોલમાં પંચવટી રેસીડેન્સી એ-૨૦૨માં રહેતાં ચિરાગ પ્રહલાદભાઇ મેવાડા (ઉ.વ.૪૩) વિરૂધ્ધ આઇપીસી ૩૫૪ (ડી), ૫૦૬, આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. યુવતિ અને આ યુવાન વચ્ચે ઘણા સમયથી પ્રેમસંબંધ હોઇ અંગત પળોના ફોટા લીધા હોઇ આ ફોટા વાયરલ કરવાની ધમકી દઇ ચિરાગ ધરાર રિલેશનશીપમાં રહેવાની ધમકી આપી દબાણ કરી ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી હેરાન કરતો હોવાનો આરોપ મુકાયો છે.
યુવતિએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મોબાઇલ ફોનમાં વ્હોટ્સએપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મિડીયા એપનો ઉપયોગ કરુ છું. મને ઇન્સ્ટાગ્રામ પર એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જેમાંથી આ રિક્વેસ્ટ આવી હતી તે આઇડીમાં માનસીનું નામ હતું. જેથી મેં નોર્મલ વાતચીત કરી હતી. પરંતુ આગળ જતાં ખબર પડી હતી કે આ યુવતિ નથી અને ફેક આઇડી છે. એ પછી એ યુવતિએ એક શખ્સનો પરિચય કરાવ્યો હતો અને તે પોતાનો ભાઇ હોવાનું કહ્યું હતું તેમજ પોતે માનસી પટેલ જ છે તેવી વાત કરી હતી. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પરથી એક મેસેજ આવ્યો હતો અને તેણે પોતે માનસી પટેલના ભાઇ તરીકે ઓળખ આપી હતી.
ત્યારબાદ અમારી વચ્ચે વાતચીત શરૂ થઇ હતી. તેણે પોતાનું નામ નીલ પટેલ કહ્યું હતું અને પોતે કુંવારો છે તેમજ યુએસએમાં અર્મ બીઝનેસ ચાલુ કર્યો છે અને માતા પિતા હયાત નથી તેમ કહ્યું હતું. તેમજ નાની બહેન પણ હયાત નહિ હોવાની વાત કરી હતી. અમારી વચ્ચે ચારેક વર્ષ આ રીતે રિલેશનમાં વીતી ગયા હતાં. એ પછી મેં તેને લગ્ન કરવાનું કહેતાં તેણે મને ટોર્ચર કરવાનું ચાલુ કર્યુ હતું. મારા માતા પિતા અને મારા ફ્રેન્ડ સર્કલને પણ તે ટોર્ચર કરવા માંડયો હતો. એક વખત અમારી રૂબરૂ મુલાકાત થઇ ત્યારે મેં તેના બેગમાં પાસપોર્ટ જોતાં ખબર પડી હતી કે તે મેરીડ છે અને તેનું નામ પાસપોર્ટ મુજબ નીલ પટેલ નહિ પણ ચિરાગ મેવાડા છે! મને અંધારામાં રાખી ખોટુ નામ જણાવી પોતે યુએસએસમાં બીઝનેસ કરે છે તેવી વાતો કરી વિશ્વાસઘાત કરી ક્લોઝ સંબંધ રાખીમારા ફોટો વિડીયો તેના ઇન્સ્ટાઆઇડીમાં અપલોડ કર્યા કરી દીધા હોઇ મેં તેને લગ્નની વાત કરતાં તેણે મરી જવાની ધમકીઓ આપી હતી. આ ઉપરાંત તે મને વિશ્વાસમાં લઇ મારી પાસેથી ત્રીસથી ચાલીસ હજારની રકમ પણ ઓનલાઇન ટ્રાન્સફરથી તેણે મેળવી લીધી હતી. મારા અંગત ફોટો તેની પાસે હોઇ જે વાયરલ કરવાની તે ધમકીઓ આપી હેરાન કરતોઇ હોઇ મેં ૧૭/૪/૨૪ના રોજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઉપર ફરિયાદ કરી હતી.
સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતાં આઇડી નંબર, મોબાઇલ નંબર બધુ ચિરાગ મેવાડાના નામનું હોઇ ફરિયાદ નોંધાવી હતી. ચિરાગ મેવાડાએ પોતે નીલ પટેલનું નામ ધારણ કરી સાચી ઓળખ છુપાવી મારી સાથે સંબંધ કેળવી અંગત પળોના ફોટા લઇ લીધા હોઇ અને હવે રિલેશનશીપમાં રહેવા દબાણ કરતો હોઇ તેમજ મારી બહેનપણી મારફત ચિરાગને વાત કરી મને હેરાન નહિ કરવા સમજાવવા છતાં તે ફોટા ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી વાયરલ કરવાની અને બદનામ કરવાની ધમકીઓ આપતો હોઇ અંતે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં યુવતિએ કહેતાં પીએસઆઇ કે. પી. જાદવ, સુધીરભાઇ સુતારીયા સહિતે એફઆઇઆર દાખલ કરાવતાં પીઆઇ એમ. એ. ઝણકાતે વધુ તપાસ હાથ ધરી આરોપીઅને સકંજામાં લીધો છે. તે પરણેલો છે અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે.
(2:50 PM IST)










