News of Wednesday, 9th October 2024
માતા અને બે પુત્રો પર પડોશી ફૂડ ડિલવીરીમેન છરાથી તૂટી પડયો : હુમલાખોર છરો લઇ હોસ્પિટલે આવતાં બેફામ ધોલાઇ : જુઓ વિડિયો
સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડ પાસે જ બટાઝટી-ફિલ્મી દ્રશ્યોઃ સિક્યુરીટી ગાર્ડ અને પોલીસે છુટા પાડયા : નાના મવા રોડ મારવાડી બિલ્ડીંગ સામે નહેરૂનગરમાં પરેશ દાણીધારીયાએ પડોશી ચેતનાબેન દેવડા અને તેના બે પુત્રો ભાવીન તથા નિરજને છરીના ઘા ઝીંક્યાઃ બાદ પોતાને પણ ઇજા થઇ હોઇ સ્વીગી બોક્સમાં મોટો છરો લઇ સારવાર માટે હોસ્પિટલે પહોંચતા જ ચેતનાબેનના સગાઓ તૂટી પડયા : પડોશી પરેશ દાણીધારીયા છેડતી કરતો હોઇ ઠપકો દેતાં હુમલો કર્યાનું ચેતનાબેનનું કથનઃ તેના દિકરા ભાવીનને ગંભીર ઇજાઃ પરેશે કહ્યું જુના મનદુઃખને લીધે માથાકુટ થઇ હતી

નાના મવા રોડ નહેરૂનગર-૫માં ચેતનાબેન, તેના બે દિકરા ભાવીન અને નિરજ પર હુમલો થયો તેનું સીસીટીવીનું દ્રશ્ય પ્રથમ તસ્વીરમાં, ઘવાયેલા ચેતનાબેન અને તનો પુત્રો, હુમલાખોર પરેશ દાણીધારીયાના સ્વીટીના થેલામાંથી મોટો છરો નીકળ્યો તે તથા નીચેની તસ્વીરમાં હુમલો કર્યા બાદ સિવિલ હોસ્પિટલે પોતાને પણ ઇજા થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલે પહોંચેલા પરેશ પર ચેતનાબેનના સગાઓએ હુમલો કરતાં ફિલ્મી દ્રશ્યો સાર્જાયા હતાં તે જોઇ શકાય છે. સોૈથી છેલ્લે હુમલાખોર પરેશ નજરે પડે છે
રાજકોટ તા. ૮: શહેરના નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગ સામે નહેરૂનગર-૫માં રહેતાં મહિલા અને તેના બે પુત્રો પર પડોશમાં રહેતાં ફુડ ડિલીવરીનું કામ કરતાં શખ્સે છરાથી તૂટી પડી ત્રણેયને લોહીલુહાણ કરી નાખતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. ઝપાઝપીમાં હુમલાખોર પડોશીને પણ થોડી ઇજા પહોંચી હોઇ તે ફૂડ ડિલવરી માટેના બોક્સમાં મોટો કરકરીયાવાળો છરો લઇને સિવિલ હોસ્પિટલે પહોંચતા ઘાયલ માતા-પુત્રોના પરિવારજનો, સગા ઇમર્જન્સી વોર્ડ પાસે જ ઉભા હોઇ તેઓ આ હુમલાખોર પર તૂટી પડતાં અને બેફામ ધોલધપાટ કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. સિક્યુરીટી, એસઆરપી અને પોલીસે તમામને છુટા પાડી છરા સાથેનો થેલો કબ્જે કર્યો હતો. પડોશી છેડતી કરતો હોઇ મહિલાએ તેને ઠપકો આપતાં તેણે મહિલા અને તેના પુત્રો પર હુમલો કર્યાનું જણાવાયું હતું.
બનાવની જાણવા મળેલી માહિતી મુજબ નહેરૂનગર-૫માં રહેતાં ચેતનાબેન બહાદુરસિંહ દેવડા (ઉ.વ.૪૫) બપોરે ઘર પાસે હતાં ત્યારે પડોશમાં જ રહેતાં અને ફૂડ ડિલીવર કરતી કંપનીમાં કામ કરતાં પરેશ દાણીધારીયા નામના શખ્સે ઝઘડો કરી છરાથી હુમલો કરતાં માથામાં ઇજા થઇ હતી. દેકારો થતાં ચેતનાબેનને બચાવવા ઘરમાંથી તેમના બે પુત્રો ભાવીન બહાદુરસિંહ દેવડા (ઉ.વ.૨૫) અને નિરજ બહાદુરસિંહ દેવડા (ઉ.વ.૨૧) દોડી આવતાં પરેશે તેને પણ છરાના ઘા ઝીંકી દેતાં નિરજને હાથમાં અને ભાવીનને ગળા સહિત શરીરના ભાગોમાં ગંભીર ઇજાઓ થઇ હતી. ત્રણેય માતા-પુત્રો લોહીલુહાણ થઇ ગયા હતાં. દેકારો મચી જતાં પડોશીઓ ભેગા થઇ જતાં હુમલાખોર પરેશ દાણીયાધારીયા ભાગી ગયો હતો. તેને પણ ઝપાઝપીમાં હાથના પંજામાં સ્હેજ ઇજા થઇ હતી.
ચેતનાબેન અને તેમના બંને પુત્રોને પરિવારજનો, સગાએ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં અહિ ઇમર્જન્સીમાં સારવાર આપી અલગ અલગ વોર્ડમાં દાખલ કરાયા હતાં. બીજી તરફ ચેતનાબેન અને તેમના પરિવારના બીજા સભ્યો, સગા સંબંધીઓ હજુ ઇમર્જન્સી વોર્ડ પાસે જ હાજર હતાં તે વખતે જ હુમલાખોર પરેશ દાણીધારીયા સ્વીગીના લાલ રંગના ફૂડ ડિલીવરીના બોક્સ સાથે ચાલીને સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડ પાસે પહોંચ્યો હતો. તેણે નહેરૂનગરમાં હુમલો કર્યો ત્યારે બીજો શર્ટ પહેર્યો હતો, અહિ તે શર્ટ બદલીને આવ્યો હતો. જો કે તેને ચેતનાબેનના સગા-સંબંધીઓ જોઇ જતાં ઇમર્જન્સી વોર્ડ પાસે જ દબોચી લઇ તેના પર તૂટી પડી બેફામ ધોલધપાટ ચાલુ કરી દીધી હતી. સિક્યુરીટી ગાર્ડ અને હોસ્પિટલ ચોકીના સ્ટાફ તથા એસઆરપી ગાર્ડએ બધાને છુટા પાડયા હતાં. આ વખતે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં.
આ વખતે તેની પાસેના સ્વીગીના બોક્સમાં કંઇક હોવાની શંકા ઉપજતાં ચેતનાબેનના સગાએ બોક્સ ઝૂંટવી ખોલીને જોતાં અંદરથી મોટો છરો નીકળ્યો હતો. આ છરો અને સ્વીગીનું બોક્સ હોસ્પિટલ ચોકીના સ્ટાફે હસ્તગત કરી પ્ર.નગર પોલીસને જાણ કરતાં પીએસઆઇ બેલીમ અને ડી. સ્ટાફની ટીમ હોસ્પિટલે પહોંચી હતી.
નહેરૂનગરમાં હુમલો કર્યા બાદ સિવિલ હોસ્પિટલે પણ હુમલાખોર ફૂડ ડિલીવરીના બોક્સમાં છરો લઇને પહોંચતા તેની બરાબરની ધોલાઇ થઇ હતી. પરેશે પોતાના પર પણ ભાવીન, નીરજ, ચેતનાબેન સહિતે જુના મનદુઃખમાં હુમલો કર્યાનું રટણ કર્યુ હતું. માલવીયાનગર પોલીસે તેને સકંજામાં લેવા તજવીજ કરી હતી.
હુમલામાં ઘાયલ ચેતનાબેન દેવડાના પતિ બહાદુરસિંહ રિક્ષા હંકારે છે. જ્યારે ભાવીન ડ્રાઇવીંગ કરે છે, નિરજ હાલ કંઇ કામ કરતો નથી. ભાવીનને ગંભીર ઇજા પહોંચી છે. ચેતનાબેને કહ્યું હતું કે પડોશી પરેશ મારી સામે જોઇ છેડતી કરતો હોઇ જેથી તેને ટપારતાં તેણે મારા પર અને વચ્ચે પડેલા મારા દિકરાઓ પર હુમલો કરી છરાના ઘા ઝીંક્યા હતાં. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણાએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
(3:15 PM IST)










