News of Wednesday, 9th October 2024
ચોટીલા શ્રી આપાગીગાના ઓટલે શનિવારે બાળાઓ કરશે માતાજીની આરાધના
ઉત્સવના ભંડારા પ્રસંગ નિમિતે સંતો-મહંતો માટે મહાપ્રસાદ, ભેટપુજા પણ આપવામાં આવશે ૨૦૦થી વધુ ગરબી મંડળની ૧૫ હજાર દીકરીઓને સંતો-મહંતોના હસ્તે લ્હાણી વિતરણ, રોકડ (ભેટપુજ) પ્રસાદીરૂપે અપાશેઃ લોકગાયિકા પૂનમ ગોંડલીયા અને વિશાલ વરૂની ટીમ સંગીત પિરસશેઃ ગરબી મંડળની બાળાઓ-આયોજકોને જાહેર આમંત્રણ આપતા નરેન્દ્રબાપુ

રાજકોટઃ દરેક જ્ઞાતિની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર શ્રી આપાગીગાનો ઓટલો દ્વારા માં ભગતવતીના નવલા નોરતાના પ્રસંગે દિવ્યાતિદિવ્ય તેમજ ભવ્યાતિ ભવ્ય નવરાત્રી અનુષ્ઠાન તેમજ નવરાત્રી મહોત્સવનું દર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આસો સુદ -૧ તા.૩-૧૦, ગુરૂવાર ના પ્રથમ નોરતાથી આસો સુદ-૯ તા. ૧૨-૧૦- શનીવાર સુધી દરરોજ બ્રહ્મ દેવો દ્વારા સવારથી બપોર સુધી હોમાત્મક તેમજ પાઠાત્મક હવન કાર્યો ચાલુ હોય છે. આ ધાર્મિક મહોત્સવની ઉજવણી તા. ૧૨-૧૦-૨૦૨૪, શનીવાર સવારે ૯-૦૦ વાગ્યાથી શરૂ કરવામાં આવશે. તેમજ હવન કાર્યની પુર્ણાહુતી અને બિડુ હોમવાનો સમય તે દિવસે બપોરના ૩-૩૦ કલાકનો રાખવામાં આવેલ છે. દશેરાના દિવસે સવારે ૧૦ કલાકે મા ભગવતીના અન્નકોટ દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ત્યારબાદ સમગ્ર અન્નકોટ પ્રસાદનું આવેલ માં ભગવતીના સ્વરૂપ દરેક દિકરીઓ તેમજ મહેમાનોને અન્નકોટ પ્રસાદ તેમજ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
શ્રી આપાગીગાના ઓટલોના મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુએ આગામી દશેરાના દિવસે યોજાનારા ખાસ વિવિધ ગરબી મંડળની બાળાઓને લ્હણી વિતરણ તેમજ પ્રસાદી સ્વરૂપે રોકડ (ભેટપૂજા) આપવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવેલ છે. આ નવરાત્રી નિમિતે ચોટીલા તાલુકા, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર જીલ્લો તેમજ સૌરાષ્ટ્રની દરેક ગરબી મંડળની બાળાઓ તેમજ કાર્યકર્તાઓને વિશેષ મહાપ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી આપાગીગાના ઓટલે આયોજીત આ દિવ્ય મહોત્સવમાં દરેક ગરબી મંડળની બાળાઓને તા. ૧૨-૧૦, શનીવાર (દશેરા) ના દિવસે સવારે ૯ કલાકે શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ મહંત શ્રી, શ્રી આપાગીગાના ઓટલો ચોટીલા તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી આવેલા સંતો મહંતોના વરદ્ હસ્તે લાહણી વિતરણ તેમજ રોકડ (ભેટ પુજા) પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી આપાગીગાના ઓટલા દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી અવિરત પણે ૨૪ કલાક સંપૂર્ણ વિનામુલ્યે અન્નક્ષેત્ર ધમધમી રહ્યું છે. તથા રોજ ખુબ જ મોટી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લઈ અને અમોને આભારી કરી રહ્યા છે.ભારતીય સંસ્કળતિ મુજબ સમગ્ર દેશની અંદર ધાર્મિક તહેવારોનું વિશેષ મહત્વ હોય તેમાં પણમાં ભગવતીની આરાધના કરવા માટે નવરાત્રી મહોત્સવમાં માતાજીની આરાધના કરવામાં આવે છે. આ દિવ્ય નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ અખબારી યાદીમાં જણાવ્યું છે.
તા. ૧૨-૧૦, શનીવાર (દશેરા) નિમિતે સવારે ૯ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી નામાંકીત લોક ગાયિકા પૂનમ ગોંડલીયા અને લોક ગાયક વિશાલ વરૂ રેખાવાળા વગેરે ઓરકેસ્ટ્રા ગ્રુપ સાથે માતાજીની આરાધના કરાવશે.
શ્રી દિવ્ય નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવના મહાયજ્ઞ બાદ બીડુ હોમવાનો તેમજ પૂર્ણાહુતી ૩-૩૦ કલાકે રાખવામાં આવેલ છે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.
(3:15 PM IST)










