News of Wednesday, 9th October 2024
સોમવારે વર્લ્ડ સ્ટાન્ડર્ડ દિવસ નિમિતે ‘માનક મહોત્સવ ૨૦૨૪'

રાજકોટ તા. ૯ : કોઇપણ વસ્તુની કવોલીટીના ધારાધોરણના માનાંક જળવાઇ રહે તે માટે કામ કરતા ભારતીય માનક બ્યુરો દ્વારા તા. ૧૪ ઓકટોબરના ‘વર્લ્ડ સ્ટાન્ડર્ડ દિવસ' નિમિતે રાજકોટ ખાતે ‘માનક મહોત્સવ-૨૦૨૪'નું આયોજન કરાયુ છે.
પત્રકાર પરિષદમાં વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે ભારતીય માનક બ્યુરોની મુખ્ય કચેરી નવી દિલ્હીમાં આવેલ છે. આ ઉપરાંત પાંચ ક્ષેત્રિય કાર્યાલયો ધરાવે છે. ગ્રાહકોને શુધ્ધ વસ્તુ મળી રહે તે માટે ઉત્પાદકો દ્વારા ઉત્પાદીત થતી વસ્તુઓની કવોલીટી અને ધારાધોરણોની ચકાસણીનું કાર્ય આ સંસ્થા કરે છે. જેમ કે માનક નિર્ધારણ, આંતિરાષ્ટ્રીય ગતિવિધિ, ઉત્પાદન પ્રમાણપત્ર, હોલમાર્કીંગ, પ્રયોગશાળા, પ્રશિક્ષણ જેવા કાર્ય આ સંસ્થા કરે છે.
સમયાંતરે ઉત્પાદન એકમોની મુલાકાત લઇ ઉત્પાદીત વસ્તુઓની ગુણવતાની ચકાસણી કરવામાં આવે છે. જો તેમા કસુરવાન જણાય તો જે તે ઉત્પાદકનું લાયસન્સ રદ અને દંડ કરવા સહીતના પગલા ભરવામાં આવે છે.
ત્યારે આગામી તા. ૧૪ ના વર્લ્ડ સ્ટાડર્ન્ડ દિવસ નિમિતે રાજકોટમાં રીજન્સી લગુન, કાલાવડ, ન્યારી ડેમ પાસે સવારે ૧૦ થી ૪ સુધી ‘માનક મહોત્સવ-૨૦૨૪'નું આયોજન કરાયુ છે. આ સમારોહના મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય રાજય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા તેમજ વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે.
લોકો જે વસ્તુ ખરીદે છે તેની કવોલીટી અંગે જાગૃતતા લાવવા માર્ગદર્શન પુરૂ પડાશે. ઉપરાંત લોકોમાં અવેરનેશ આવે તે હેતુથી તા. ૨૦ ના કવોલીટી મેરેથોનનું પણ આયોજન કરાયુ છે. જેમાં ૫૦૦ લોકો દોડ લગાવશે.
તસ્વીરમાં પત્રકાર પરિષદમાં માહીતી વર્ણવતા માનક બ્યુરો રાજકોટ શાખાના ડીરેકટર પારિજાત શુકલા, સત્યેન્દ્ર પાંડે, ગાંધીધામ શાખાના વેદપ્રકાશજી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:21 PM IST)










