<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

મારવાડી યુનિવર્સિટીને PG અને UG કોર્ષ માટે ઓનલાઇન ડિગ્રી પ્રોગ્રામ શરૂ કરવા યુજીસી દ્વારા મંજૂરી

BCA,BBA,M.A. ઇંગ્‍લીશ, M.Sc. મેથેમેટિકસ કોર્ષને મંજૂરી પ્રાપ્‍ત થઇ

મારવાડી યુનિવર્સિટીમાં પત્રકાર પરિષદમાં ડો.આર.બી.જાડેજા, ધ્રુવ મારવાડી, ડો.સંજીતસિંહ, ડો.રાજેશ પટેલ, ડો.નરેશ જાડેજા નજરે પડે છે (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા.૮: રાજકોટમાં આવેલી નેક માં A+ ગેડ ધરાવતી મારવાડી યુનિવર્સિટીને હાલમાં જ ઓક્‍ટોબર ૨૦૨૪થી લાગુ કરીને ઓનલાઇન ડિગ્રી પ્રોગ્રામ્‍સ શરૂ કરવા માટે યુનિવર્સિટી ગ્રાન્‍ટ્‍સ કમિશન (યુજીસી) પાસેથી UGC Entitled કેટેગરી હેઠળ મંજૂરી મળી ગઈ છે. યુજીસીએ કુલ ચાર ઓનલાઇન કોર્સ શરૂ કરવા માટે યુનિવર્સિટીને મંજૂરી આપી છે.

પત્રકાર પરિષદમાં શ્રી આર.બી. જાડેજાએ જણાવ્‍યું હતું કે, આ અભ્‍યાસક્રમોમાં બે અંડર-ગ્રેજયુએટ કોર્સ - બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્‍ટ્રેશન (બીબીએ) અને બેચલર ઓફ કમ્‍પ્‍યૂટર એપ્‍લિકેશન (બીસીએ) તથા તેની સાથે બે પોસ્‍ટ ગ્રેજયુએટ કોર્સ - એમએ ઇન ઇંગ્‍લિશ લિટ્રેચર અને એમએસસી ઇન મેથેમેટિક્‍સનો સમાવેશ થાય છે. મારવાડી યુનિવર્સિટીને યુજીસી એન્‍ટાઇટલ્‍ડ કેટેગરી હેઠળ આ ચાર ઓનલાઇન કોર્સ શરૂ કરવા માટે મંજૂરી આપી છે જે નેક માં A+ ગ્રેડ ધરાવતી યુનિવર્સિટીઓ ને UGC દ્વારા આપવામાં આવે છે.

આ પહેલ  કેન્‍દ્ર સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અનુસાર છે, જેમાં ઓનલાઇન ઉચ્‍ચ શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્‍યો છે. વધુમાં યુજીસી દ્વારા માન્‍યતા પ્રાપ્ત ઓનલાઇન પ્રોગ્રામો મારફતે મેળવવામાં આવેલી ડિગ્રીઓને પરંપરાગત અભ્‍યાસક્રમો મારફતે મેળવવામાં આવેલી ડિગ્રીઓને સમકક્ષ ગણવામાં આવશે તેવી સ્‍પષ્ટતા કરવામાં આવેલી છે.

પત્રકાર પરિષદમા ડો. રાજેશ પટેલે જણાવ્‍યુ હતું. કે, મારવાડી યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન ડિગ્રી અભ્‍યાસક્રમો શરુ કરવાના લેવામાં આવેલા આ નિર્ણય પાછળનો વિચાર સમગ્ર વિશ્વમાં વિદ્યાર્થીઓને સુલભ  અને ઉચ્‍ચ-ગુણવત્તાનું શિક્ષણ પૂરું પાડવાનો છે. આ અભ્‍યાસક્રમો ખાસ એવા લોકોની જરૂરિયાતોને પૂરી કરે છે, જેઓ સામાજિક, આર્થિક કે અન્‍ય કોઈ વ્‍યક્‍તિગત કારણોસર કોલેજના ફૂલ-ટાઇમ અભ્‍યાસક્રમોને ભણી શકે તેમ નથી અથવાતો એક સાથે બે વિષયો માં અભ્‍યાસ કરવાની ઈચ્‍છા ધરાવે છે.

મારવાડી યુનિવર્સિટીના ટ્રસ્‍ટી શ્રી ધ્રુવ મારવાડીએ પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું કે, ‘વિદ્યાર્થીઓ દુનિયાના કોઈ પણ ખૂણામાંથી અભ્‍યાસ કરી શકે છે, જે આ પહેલને પોતાની અન્‍ય કટિબદ્ધતાઓની સાથે પોતાનું શિક્ષણ ચાલું રાખવા માંગતા લોકો માટે ગેમ-ચેન્‍જર બનાવે છે. આ અભ્‍યાસક્રમો અન્‍ય પરંપરાગત ઓન-કેમ્‍પસ ડિગ્રીઓને સમાન શૈક્ષણિક માન્‍યતા પૂરી પાડે છે. અમે શિક્ષણ મેળવવા માં  આવતાં અવરોધોને દૂર કરવા માટે અને સમાજના દરેક તબક્કાના વિદ્યાર્થીઓને ભણવાની વિશ્વસ્‍તરીય તકો પ્રાપ્ત થાય તેની ખાતરી કરવા માટે તૈયાર છીએ. આ યુજીસી દ્વારા માન્‍ય ઓનલાઇન પ્રોગ્રામોની મદદથી અમે શિક્ષણને સાચા અર્થમાં સુલભ બનાવી શકીશું.'

પત્રકાર પરિષદમાં ડો.સંજીતસિંહે જણાવ્‍યું હતું કે, પ્રત્‍યેક અભ્‍યાસક્રમો મલ્‍ટિમીડિયા કન્‍ટેન્‍ટની સાથે ઇન્‍ટરેક્‍ટિવ લર્નિંગ મોડ્‍યુલ્‍સ ધરાવતા હશે, જે શીખવાના અનુભવને વ્‍યાપક, સરળ અને રસપ્રદ બનાવશે. આ ઉપરાંત, મારવાડી યુનિવર્સિટી ઇન્‍ડસ્‍ટ્રીના પ્રોફેશનલ અને વિષય નિષ્‍ણાતોની સાથે ભેગા મળીને ઉચ્‍ચ-ગુણવત્તાના લર્નિંગ કન્‍ટેન્‍ટનું સર્જન કરવા માટે અત્‍યાધુનિક સ્‍ટુડિયો પણ શરુ કરશે જે દ્વારા વિષય નિષ્‍ણાતો ના સેશન રેકોર્ડ કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ સ્‍માર્ટફોન્‍સથી માંડીને લેપટોપ સુધીના વ્‍યાપક રેન્‍જના ડીવાઇઝનો ઉપયોગ કરીને તેમાં ભાગ લઈ શકે છે.

યુનિવર્સિટીના ઓનલાઇન અભ્‍યાસક્રમો વિદ્યાર્થીઓને બેવડી ડિગ્રીઓ પ્રાપ્ત કરવાની પણ વિશેષ તક પૂરી પાડે છે, જેની મદદથી તેઓ ઓનલાઇન અને રેગ્‍યુલર કોર્સ એમ બંનેમાં એકસાથે પ્રવેશ મેળવી શકે છે. અભ્‍યાસક્રમ પૂરો થયાં બાદ તેમને પ્રાપ્ત થતાં પ્રમાણપત્રો યુનિવર્સિટીના પરંપરાગત પ્રોગ્રામોમાં પ્રાપ્ત થતાં પ્રમાણપત્રો જેટલું જ મૂલ્‍ય ધરાવતા હશે.

(3:34 PM IST)