<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

બર્થડેની ઉજવણી કરવાની પિતાએ ના પાડતાં જન્‍મદિને જ ઝેર પી લેનારા દર્શક કવાનું મોત

ઉનાના બાવીસ વર્ષના યુવાને બે દિવસની સારવાર બાદ રાજકોટમાં દમ તોડયોઃ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૦: સહનશક્‍તિના અભાવને કારણે કે પછી પરિવારજનોના કોઇ વાતે અપાયેલા ઠપકાને કારણે માઠુ લાગી જતાં યુવક, યુવતિઓ, સગીરો વિચાર્યા વગરનું પગલુ ભરી લેતાં હોય છે. આવા જ એક બનાવમાં ઉનાના બાવીસ વર્ષના યુવાનને તેના પિતાએ બર્થડે ઉજવવાની ના પાડતાં તેણે પોતાના જન્‍મદિને જ ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન તેનું રાજકોટમાં મૃત્‍યુ નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ઉનામાં દેલવાડા રોડ પર વિદ્યાનગર સોસાયટીમાં રહેતો દર્શક બાબુભાઇ કવા (ઉ.વ.૨૨) ૮મીએ પોતાનો જન્‍મદિવસ હોઇ એ દિવસે જ સાંજે ઝેરી પાવડર પી જતાં ઉના સારવાર અપાવી રાજકોટ એઇમ્‍સ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ગત સાંજે દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડે ઉના પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર દર્શક કવા ચાર ભાઇ અને એક બહેનમાં ત્રીજો હતો અને મેડીકલ સ્‍ટોરમાં તથા દૂધની ડેરીમાં કામ કરતો હતો. તેના પિતા લુહારી કામ કરે છે. સગાના કહેવા મુજબ દર્શકનો ૮મીએ જન્‍મદિવસ હોઇ તે ઉજવણી કરવા ઇચ્‍છતો હતો. પણ પિતાજીએ હાલમાં આર્થિક ખેંચ હોઇ આવતા વર્ષે ધામધૂમ કરવા કહ્યું હતું. આ વાતનું માઠુ લાગી જતાં તેણે ઝેરી પાવડર પી લીધો હતો.

(10:56 AM IST)