તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
ગૂગલના નામે મેસેજ મોકલી સાઇડ ઇન્કમની લાલચ આપી જયમીનભાઇ પરસાણા સાથે અડધા કરોડનું સાયબર ફ્રોડ
મોરબી રોડ પર રહેતાં કોટક સિક્યુરીટીના કર્મચારીને ટાસ્કના નામે પહેલા ૨૦૧, ૧૫૦, ૧૦૦૦ સામે ૧૫૨૦, ૩૬૦૦ સામે ૫૮૫૦નો નફો કરાવ્યો પછી ફસાવીને ૫૦ લાખ ઉસેડી લેવાયાઃ હેડકોન્સ. દિપકભાઇ પંડીતે ગુનો નોંધતા પીઆઇ આર. જી. પઢીયારે તપાસ આરંભી શરૂઆતમાં હોટેલ રીવ્યુ સહિતના ટાસ્ક આપ્યાઃ છેલ્લે બીટ કોઇન અને ક્રિપ્ટો કરન્સીને લગતી લિંક મોકલી જુદા જુદા ૨૩ બેંક ખાતાઓમાં નાણા ટ્રાન્સફર કરાવડાવી લીધા

રાજકોટ. તા.૧૦ રાજકોટ તા. ૧૦: એક જ પ્રકારે સાયબર ગઠીયાઓ લોકોને છેતરી લેતાં હોવા છતાં લોકો જાગૃત થતાં ન હોઇ છેતરાઇ જાય છે. શહેરના મોરબી રોડ પર રહેતાં અને કાલાવડ રોડ બ્રાંચમાં કોટક સિક્યુરીટીમાં નોકરી કરતાં મુળ ખારચીયાના યુવાન જયમીનભાઇ ચમનભાઇ પરસાણા (ઉ.વ.૩૦) સાથે ટાસ્ક પુરા કરી કમાણી કરવાની લાલચ આપી ગઠીયાઓએ રૂા. ૫૦,૮૯,૯૮૪ની ઠગાઇ કરી લીધી છે. વ્હોટ્સએપ પર તેને ગઠીયાઓએ ગૂગલના નામે મેસેજ મોકલી સાઇડ ઇન્કમ કરવાની લાલચ આપતા ટાસ્ક મોકલતાં શરૂઆતમાં રૂા. ૨૦૧નો નફો, પછી ૧૫૦નો અને બાદમાં ૧૦૦૦ સામે ૧૫૨૦નો નફો અને ૩૬૦૦ સામે ૫૮૫૦ રૂપિયા આપ્યા બાદ છેલ્લે વધુ કમાણી કરવાની લાલચ દઇ ક્રિપ્ટો કરન્સી અને બીટ કોઇનના નામે અગ અલગ અલગ ૨૩ એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરાવડાવી છેલ્લે ઠગાઇ કરી લેવામાં આવી હતી.
સાયબર ક્રાઇમ પોલીસે જયમીનભાઇ પરસાણાની ફરિયાદ પરથી મોબાઇલ ફોન નંબર ૮૭૩૪૯ ૦૪૧૨૨ના ધારક અને અલગ અલગ બેંક ખાતા ધારકો વિરૂધ્ધ બીએનએસ એક્ટ ૩૧૬(૨), ૩૧૮(૪), ૫૪, ૬૧ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભોગ બનેલા જયમીનભાઇએ જણાવ્યું છે કે હું હાલ મોરબી રોડ પર રાજલક્ષ્મી એવન્યુ શેરી નં. ૨ હાઉસ નંબર ૫માં રહું છું અને મુળ ખારચીયાનો વતની છું. હું કાલાવાડ રોડ પર આવેલ કોટક સેકયુરીટીમાં નોકરી કરી પરીવારનું ગુજરાન ચલાવુ છું. તેમજ મોબાઈલમાં વ્હોટ્સ એપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ જેવી સોશીયલ એપનો ઉપયોગ કરુ છું. મારા વ્હોટ્સએપમાં અજાણ્યા વ્હોટ્સએપ નંબર ૮૭૩૪ ૯ ૦૪૧૨૨ પરથી મેસેજ આવ્યો હતો અને મેસેજ કરનારે કહેલુ કે હું ગૂગલમાંથી વાત કરુ છું, તમે સાઇડ ઇન્કમ કરવા માંગતા હો તો તમને એક ટેલીગ્રામની લિંક મોકલુ છુંત ેમાં ટાસ્ક પ્રમાણે તમને પૈસા મળશે તેમ કહેતાં મને રેસ પડયો હતો. એ પછી ટેલિગ્રામ લિંક આવતાં મેં ઓપન કરતાં મને એક રીવ્યુ આપવા કહેવાયું હતું.
આ ટાસ્ક મેં પુરો કરતાં મને સોૈ પહેલા રૂા. ૨૦૧ મળ્યા હતાં. એ પછી બીજો ટાસ્ક હોટેલના ફાઇવ સ્ટાર રીવ્યુ આપવા માટેનો હતો. જેના માટે મને એક રીવ્યુ દીઠ રૂા. ૫૦મળશે તેવું કહેવાયું હતું. મને વિશ્વાસ આવતાં હા પાડતાં બે ટાસ્ક પુરા કરતાં મને બે વાર રૂપિયા ૧૫૦ મળ્યા હતાં. એ પછી મોટા ટાસ્ક માટે મને પહેલા ૧૦૦૦ ટ્રાન્સફર કરવાનું કહેવાતાં મેં તેના દ્વારા અપાયેલ યુપીઆઇ આઇડી પર આ રકમ ટ્રાનસફર કરી હતી. એ પછી એક લિંક મોકલાઇ હતી. જેમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની વાત હતી. તેના કહેવા પ્રમાણે આમાં ૧૦૦૦નું રોકાણ કરવાથી સામે મને રૂા. ૧૫૨૦ અપાયા હતાં. ટાસ્ક માટે બીજી ટેલિગ્રામ લિંક આવતાં ટેલિગ્રામના માધ્યમથી વાત કરતાં અન્ય ટાસ્ક અપાયો હતો. જે ઓપન કરતાં એક સાઇટ ખુલી હતી. જેમાં ક્રિપ્ટો કરન્સી વિશે વ્ગિતો હતો. જેમાં મારા નામનું લોગઇન કરાવડાવી બીટકોઇનમાં રોકાણ કરવાનું કહેવાતાં મેં રૂા. ૩૬૦૦નું રોકાણ કરતાં તેની સામે ૫૮૫૦ મને મળ્યા હતાં.
ત્યારબાદ ફરી ટાસ્ક આપી ૫૦૦૦ ટ્રાન્સફર કરવાનું કહેવાતાં મેં આ રકમ મોકલતાં નજીવુ રીટર્ન મળ્યું હતું. આ રીતે મને આ રકમોના રોકાણ પર નફો મળ્યો હોઇ વિશ્વાસમાં આવી બાદમાં અલગ અલગ ૨૩ બેંક ખાતાઓમાં મેં ૧૦૦૦થી માંડી ૨૫ હજાર, ૧ લાખ, ૩ લાખ ૬૦ હજાર, ૪ લાખ, ૧૩ લાખ ૧૯ હજાર, ૯ લાખ ૬૦ હજાર સહિતની અલગ અલગ રકમો ત્રેવીસ ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી હતી. આ રીતે મેં કુલ રૂા. ૫૦,૮૯,૯૮૪ ટ્રાન્સફર કરીદીધા હતાં. પરંતુ મને સામે રીટર્ન મળ્યું નહોતું. મેં વાત કરતાં મને કહેલુ કે હજી વધુ રૂપિયા ટ્રાન્સફર કરો પછી જ તમારી આ ગયેલી રકમ તમને પાછી મળી શકે. આથી મને શંકા ઉપજતાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં હેલ્પલાઇન નં. ૧૯૩૦ પર અરજી કરી હતી. તેના આધારે હવે ફરિયાદ દાખલ કરાવી છે.
સાયબર ક્રાઇમ પોલીસ મથકના હેડકોન્સ. દિપકભાઇ પંડીતે ગુનો દાખલ કરાવતાં પીઆઇ આર. જી. પઢીયારે વિશેષ તપાસ હાથ ધરી છે.
(2:11 PM IST)










