તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
કટારીયા ચોકડીએ ૧૫૦ કરોડના ખર્ચે થ્રી લેયર બ્રીજ : ટેન્ડર પ્રસિધ્ધ
રાજકોટનું મેટ્રો સીટી તરફ સુવર્ણ પગલું : ટ્રાફિકની સમસ્યા હળવી બનશે : મોટામવા થી કાલાવડ તરફ ઓવર બ્રીજ, ૧૫૦ ફુટ રીંગ રોડ ગોંડલ રોડ થી જામનગર રોડ તરફ અન્ડર બ્રીજ તથા ગોંડલ રોડથી કાલાવડ રોડ અને શહેર માટે નોર્મલ રસ્તો બનાવાશેઃ ૩૦ મહિનાની સમય મર્યાદા

રાજકોટ, તા., ૧૦: સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરનો દિન પ્રતિદિન અવિરતપણે વિકાસ થઈ રહ્યો છે. શહેરની હદ વિસ્તારમાં વર્ષ ૨૦૨૦માં માધાપર, મનહરપુર-૧, મોટા મૌવા, મુંજકા અને ઘંટેશ્વર એમ પાંચ ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થયેલ છે.
રાજકોટ શહેરમાં તથા આસપાસના વિસ્તારમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ હોસ્પિટલ, નવી ડીસ્ટ્રીકટ કોર્ટ, ઝનાના હોસ્પિટલ, ખાનગી યુનિવર્સીટીઓ, જી.આઈ.ડી.સી., નવા બસપોર્ટ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ વગેરેની સુવિધાઓ ઉપલબ્ધ થયેલ છે જેના કારણે આસપાસના નાના શહેરો અને ગામડાઓમાંથી ઘણા પરિવારો ધંધા રોજગાર માટે રાજકોટ શહેરમાં વસવાટ કરવા માટે આવી રહ્યા છે.
શહેરમાં છેવાડાના વિસ્તારોનાં વિકાસ તેમજ શહેરની વસ્તીમાં વધારાના કારણે, શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે, વાહનોની અવર જવરમાં સરળતા રહે તેમજ પ્રદૂષણમાં ઘટાડો કરવાના હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરમાં વધુ ચાર સ્થળોએ રૂ.૧૮૫.૭૯ કરોડના ખર્ચે નવા ચાર ઓવરબ્રિજ/અન્ડરબ્રિજનું નિર્માણ કરવા ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવેલ હતી. આ દરખાસ્તનો રાજ્ય સરકાર દ્વારા ત્વરિત જ નિર્ણય કરી, મંજુરીની મ્હોર આપવામાં આવી છે.
ત્યારે કટારીયા ચોકડીએ થ્રી લેઅર બ્રીજ બનાવવા માટે મનપા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેના પગલે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. આ બ્રીજમાં મોટા મવાથી કાલાવડ તરફ ઓવરબ્રીજ, ૧પ૦ ફૂટ રીંગ રોડથી જામનગર રોડ તરફ અન્ડર બ્રીજ તથા ગોંડલ રોડથી કાલાવડ રોડ અને શહેર માટે સામાન્ય રસ્તો બનાવવામાં આવનાર છે. આ ત્રી લેઅર બ્રીજનુ઼ નિર્માણ ૩૦ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.
કટારીયા ચોક ખાતેના બ્રીજની વિગતોમાં ઓવર બ્રીજની લંબાઇ ૮૦૦ મી. રહેશે. પહોળાઇ ર૪ મી.ની બનાવાશે. જયારે અન્ડર પાસની લંબાઇ ૬૦૦ મી અને પહોળાઇ ૧૮ મીની નકકી કરવામાં આવી છે. જે કાલાવડ રોડ સ્થિત જલારામ ફુડ કોર્ટથી શરૂ થઇ કોસ્મોપ્લેક્ષ સીનેમાએ પૂર્ણ થશે.
જયારે ૧પ૦ ફૂટ રીંગ રોડ સ્થિત અંડર પાસ ઘંટેશ્વર તરફથી શરૂ થઇ રંગોલી આવાસ યોજનાએ પૂર્ણ થશે. જેની લંબાઇ ૧૮ મીટર છે.
રાજ્ય સરકાર દ્વારા શહેરમાં અગાઉ પણ નવા ઓવરબ્રિજ/અન્ડરબ્રિજની દરખાસ્તને ત્વરિત મંજુરી આપવામાં આવેલ હતી જેના કારણે શહેરમાં ટ્રાફિકથી ધમધમતા મુખ્ય ચોક જેવા કે, નાના મૌવા સર્કલ, કે.કે.વી.ચોક ખાતે મલ્ટી લેવલ ફ્લાય ઓવરબ્રિજ (શ્રીરામ બ્રિજ), જડુસ ચોક ખાતે ફ્લાય ઓવરબ્રિજ, રામાપીર ચોક ખાતે ફ્લાયઓવરબ્રિજ તેમજ હોસ્પિટલ ચોક ખાતે થ્રી આર્મ ફ્લાયઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવેલ. સરકારના માર્ગ અને મકાન વિભાગ/નેશનલ હાઈવે દ્વારા શહેરના એન્ટ્રી પોઈન્ટ માધાપર ચોકડી ખાતે તેમજ ગોંડલ ચોકડી ખાતે ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.
શહેરમાં આંતર માળખાકીય સુવિધાઓ ઉપરાંત રામવન (અર્બન ફોરેસ્ટ), મહાત્મા ગાંધી મ્યુઝીયમ, અટલ સરોવર, રાજકોટ ઝૂઓજીકલ પાર્ક (પ્રદ્યુમન પાર્ક), સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, તાાનાગાર, ઓડીટોરીયમ, કોમ્યુનિટી હોલ, લાયબ્રેરી, વિધાર્થી વાંચનાલય, શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં ઇલેક્ટ્રિક અને સી.એન.જી. ફયુઅલ આધારિત બસ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આગામી દિવસોમાં શહેરમાં વધુ એક નવું સિમાચિホ એશિયાટિક લાયન સફારી પાર્કનો પણ ઉમેરો થવા જઈ રહ્યો છે.
મનપાએ ઇતિહાસ રચ્યોઃ શહેરમાં નિર્માણ પામનાર ૯ બ્રિજના એક સાથે ટેન્ડર પ્રસિધ્ધ
રાજકોટ, તા. ૧૦: શહેરની સતત વિકરાળ બની રહેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં રૂ.૨૧૭.૬૪ કરોડના ખર્ચે ૯ બ્રિજ બનાવવા માટે છેલ્લા ત્રણ દિવસમાં ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યા છે.
આ અંગે વધુ માહિતી આપતા વેસ્ટ ઝોન કચેરીના ઇન્ચાર્જ સિટી એન્જીનીંયર કુંતેશભાઇ મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં અલગ-અલગ ૯ સ્થળોએ બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યા છે. શહેરના વોર્ડ નં.૧૧માં કટારિયા ચોકડી ખાતે રૂ.૧૫૦ કરોડના ખર્ચે શહેરનો પ્રથમ સિગ્નેચર કેબલ બ્રિજ બનશે. ટેન્ડર
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે કટારિયા ચોકડીએ સિગ્નેચર કેબલ બ્રિજની સાથે અન્ય આઠ સ્થળોએ હયાત નાલાને પહોળા કરવા કે બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નં.૧૧માં રંગોલી પાર્ક નજીક રૂડાની આવાસ યોજના પાસે ૧૮ મીટર અને ૨૪ મીટર ટીપીના રોડ પર ૭.૨૦ કરોડના ખર્ચે બે બ્રિજ નિર્માણ પામશે. આ ઉપરાંત વોર્ડ નં.૯માં સ્માર્ટ સિટીથી કટારિયા ચોકડી સુધીના વિસ્તારને જોડતા સેકન્ડરિંગ રોડ પર અલગ-અલગ ત્રણ બ્રિજ રૂ.૪૨.૨૬ કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જ્યારે વોર્ડ નં.૯માં જ મુંજકા પોલીસ ચોકીથી આગળ અને આર્સ વિદ્યા મંદિર પાસે રૂ.૫.૫૩ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે વોર્ડ નં.૧માં રૈયા ગામથી સ્માર્ટ સિટીને જોડતા રોડ પર હયાત નાલાના સ્થાને રૂ.૧૨.૬૫ કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે. કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે ૯ બ્રિજ માટેના ટેન્ડર ત્રણ દિવસમાં પ્રસિદ્વ કરવામાં આવ્યા છે. જે માત્ર વેસ્ટ ઝોનમાં જ બનશે. સ્માર્ટ સિટી સાથેનું કનેક્શન વધુ મજબૂત કરવા માટે બ્રિજ બનાવવાના નિર્ણય લેવામાં આવ્યા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. કટારિયા ચોકડી બ્રિજને સિગ્નેચર કેબલ બ્રિજ નામ આપવામાં આવ્યું છે.
(2:53 PM IST)










