<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

પુજીત રૂપાણીની જન્‍મ જયંતી નિમિત્તે શ્રી પુજીત ટ્રસ્‍ટના ઉપક્રમે યોજાય ગયો બાળસંગમ કાર્યક્રમ

આર્થિક વીટંબણાના કારણે બાળપણ નહિ માણી શકતા શહેરના કચરો વીણતા બાળકોને વોટરપાર્કની રાઇડ્‍સની મોજ કરતા જોઈ તેમનામાં પુજીતના દર્શન કરતું રૂપાણી દંપતીઃ ૨૨૫ જેટલા કચરો વીણતાં બાળકો ચોટીલા ખાતેના જોલી એન્‍જોય રિસોર્ટ વોટરપાર્કની રાઇડ્‍સની મોજ માણી ભાવતા ભોજનીયા કરી આકર્ષક ગિફટ સાથે આનંદનું ભાથું લઇ ઘેર પરત ફર્યા

રાજકોટ :   તા. ૮ ના સ્‍વ.પુજીતની જન્‍મ જયંતી નિમિત્તે કચરો વીણતા અને છેવાડાના વિસ્‍તારમાં વસતા ગરીબ બાળકો કે જેઓ કચરો વીણીને પેટીયુ રળતા અંદાજિત ૨૨૫ જેટલા બાળકોને ચોટીલાથી આગળ આવેલ જોલી એન્‍જોય રિસોર્ટ વોટરપાર્ક ખાતે શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા લઈ જવામાં આવેલ. પાણીને જોઈને જ બાળકો ચીચીયારી કરી આનંદ વ્‍યક્‍ત કર્યો હતો. ટ્રસ્‍ટના ચેરમેન અને પૂર્વ સીએમ શ્રી વિજયભાઈ રૂપાણી અને ટ્રસ્‍ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી પ્રતિવર્ષ શહેરના આવા બાળકોને એકત્ર કરી તેને ભરપૂર આનંદ મળે અને સામાન્‍ય કે તવંગર ઘરના બાળકોની માફક એન્‍જોય કરી શકે તેવો છેલ્લા ૨૯ વર્ષથી અવિરત પ્રયત્‍ન કરી રહ્યા છે અને આ નિસ્‍વાર્થ સેવામાં સમાજનો પૂરેપૂરો સહયોગ મળી રહેલ  હોવાનું ટ્રસ્‍ટની યાદીમાં જણાવાયું છે.

 બાળકોએ વોટર પાર્કમાં એકવા લૂપ હાઈ જમ્‍પ સ્‍લાઈડ, મલ્‍ટી લેન સ્‍લાઈડ, ઓપન ફલોટ સ્‍લાઈડ, ફયુઝન રાઈડ, ચિલ્‍ડ્રન વોટર પ્‍લે એરિયા (૫ ફલોટિંગ રાઈડસ, કોકોનટ વોટર ફલો, ૪ રેમ્‍બો રિંગ્‍સ, ફન આર્ચ, ફન ક્રિસ્‍ટલ એરેના, ૨ વોટર ગન્‍સ, મશરૂમ અમ્‍બ્રેલા વોટર કેજ)  વેવપૂલ, લોન્‍ગેસ્‍ટ લેઝી ક્રેજી રીવર, રેઈન ડાન્‍સ જેવી આધુનિક રાઈડ્‍સ ઉપરાંત બીજી ઘણી બધી રાઇડ્‍સનો સતત ત્રણ કલાક આનંદ લુંટયો હતો  સતત ત્રણ કલાક પાણીનો આનંદ માણતા ભૂખ્‍યા થતાં બધા બાળકોને મનભાવન ભોજન સાથે મીઠાઈ પણ પીરસવામાં આવેલ હતી. સવારે વોટરપાર્કમાં આવતા જ તેમને કેળા, વેફર, બિસ્‍કીટનો નાસ્‍તો આપવામાં આવેલ હતો. વોટરપાર્ક માટે ટ્રસ્‍ટને જોલી એન્‍જોય રિસોર્ટ વોટરપાર્કના શ્રી મુકેશભાઈ શાહ, લાલાભાઇ ઉપાધ્‍યાય, ચોટીલા ભાજપ અગ્રણી શ્રી જયભાઈ શાહ વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

આ પ્રસંગે  શ્રી વિજયભાઈ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, અમીનેશભાઈ રૂપાણી ઉપરાંત નીતિનભાઈ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આજના આ કાર્યક્રમમાં ટ્રસ્‍ટના જુના કાર્યકરો સર્વશ્રી હસુભાઈ ગણાત્રા, જયપ્રકાશભાઈ આચાર્ય, સરોજબેન આચાર્ય, મિત્‍સુબેન વ્‍યાસ, જયસુખભાઈ ડાભી, મુકેશભાઈ મહેતા, કે. બી. ગજેરા, ફુલભાઈ સંઘાણી, હરીશભાઈ શાહ, કેતનભાઇ મેસવાણી, રાજુભાઈ શેઠ, જગદીશભાઈ પંડ્‍યા, જીગ્નેશભાઈ રત્‍નોતર, કિરીટભાઈ પરમાર, હરેશભાઈ ચાંચિયા, કિશોરભાઈ ગમારા, મહેશભાઈ પરમાર, હર્ષદભાઈ સરવૈયા, કિશોરભાઈ ગાંગાણી, રમેશભાઈ ટંકારીયા, જયમીનભાઈ માવાણી વગેરે કાર્યકર્તાઓએ ઉપસ્‍થિત રહી બાળકોની દેખરેખ રાખી હતી.  ટ્રસ્‍ટના વહીવટી અધિકારી શ્રી ભાવેનભાઈ ભટ્ટની તથા સેન્‍ટર કો ઓર્ડીનેટર શ્રી સાગરભાઈ પાટીલની અગ્રેસરતામાં ટ્રસ્‍ટના કર્મચારી શ્રી શીતલબા ઝાલા, પ્રીતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, શિલ્‍પાબેન કુમારખાણીયા, મંજુલાબેન ભાલાળા, વર્ષાબેન મકવાણા, દીપકભાઈ જોષી, અનિલભાઈ ચાવડા પ્રેમભાઈ જોષી, અંજનાબેન રત્‍નોતર, અંજનાબેન સારેસાએ સુંદર વ્‍યવસ્‍થા સંભાળી હતી. વિશેષ માહિતી માટે શ્રી ભાવેનભાઈ ભટ્ટનો શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.૦૨૮૧-૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

(2:54 PM IST)