તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
બામણબોર પાસે અને કોઠારીયા સોલવન્ટમાં પીસીબીની ટીમોના દરોડા
બબ્બે લિટરની વ્હીસ્કીના ૩૨ જગ રિક્ષામાં ભરીને નીકળતાં જેનીશ અને રાહુલ પકડાયા :કોઠારીયા સોલવન્ટ ક્વાર્ટરમાંથી સલમા ૧૫ હજારના દેશી દારૂ સાથે પકડાઇઃ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, એએસઆઇ મહિપાલસિંહ, મયુરભાઇ, હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચોહાણ, કોન્સ. નગીનભાઇ ડાગરની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૧૦: શહેરમાં દેશી વિદેશી દારૂની બદ્દી દુર કરવા પોલીસ સક્રિય બની છે. દરમિયાન પીસીબીની ટીમોએ વધુ એક વખત વિદેશી દારૂ અને દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. બામણબોર ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારૂની બબ્બે લિટરની ૩૨ બોટલો રિક્ષામાં લઇ નીકળેલા બે શખસને પકડયા હતાં. જ્યારે કોઠારીયા સોલવન્ટ પાસે ક્વાર્ટરમાંથી એક મહિલાને દેશી દારૂના જથ્થા સાથે પકડી લીધી હતી.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ મયુરભાઇ પાલરીયા અને કોન્સ. નગીનભાઇ ડાંગરને મળેલી બાતમી પરથી રાજકોટ અમદાવાદ હાઇવે પર બામણબોર ચેકપોસ્ટ નજીક આવેલા મંદિર નજીક જીજે૦૩ડબલ્યુ-૬૩૧ નંબરની રિક્ષા આંતરી લેવાઇ હતી. તેમાં રૂા. ૫૮૪૦૦ના રોયલ ચેલેન્જ વ્હીસ્કીના બબ્બે લીટરના ૩૨ જગ મળી આવતાં રિક્ષામાં બેઠેલા બે શખ્સ જેનીશ રાયધનભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૫-રહે. ચુનારાવાડ ૨/૩) અને રાહુલ દેવજીભાઇ ચાવડા (ઉ.વ.૨૨-રહે. રામનાથપરા મેઇન રોડ બાપા સિતારામ મંદિર પાસે)ને પકડી લઇ દારૂ, રિક્ષા મળી રૂા. ૯૮૪૦૦નો મુદ્દામલા કબ્જે કરાયો હતો. દારૂના જગ બંને શખ્સો ચોટીલા તરફથી લાવ્યાનું રટણ કરતાં હોઇ પોલીસે આ જથ્થો આપનારની પણ શોધખોળ શરૂ કરી છે.
જ્યારે કોઠારીયા સોલવન્ટ હાઉસીંગ બોર્ડ ક્વાર્ટર નં. ૧૦૩૧માં એએસઆઇ મહિપાલસિંહ ઝાલા અને હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણની બાતમી પરથી દરોડો પાડી સલમાબેન હનીફ જુણેજાને રૂા. ૧૫૦૦૦ના ૭૫ લિટર દેશી દારૂ સાથે પકડી લેવાઇ હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના અનુસાર પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, હરદેવસિંહ રાઠોડ, મહિપાલસિંહ ઝાલા, હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, કરણભાઇ મારૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, રાહુલગીરી ગોસ્વામી, ગિરીરાજસિંહ જાડેજા, કિરતસિંહ ઝાલા, કોન્સ. નગીનભાઇ ડાંગર, વાલજીભાઇ જાડા, હિરેનભાઇ સોલંકી, વિજયભાઇ મેતા અને કુલદિપસિંહ જાડેજાએ આ બંને કામગીરી કરી હતી
(3:10 PM IST)










