તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
જૂડવા ભાઇ કરણ-અર્જુને રાજકોટ-ચોટીલામાં ચોરીઓ કરીઃ તાલુકા પોલીસે પકડી ભેદ ઉકેલ્યો
વાવડીના મકાનમાં ૧.૫૩ લાખની અને ચોટીલામાં દૂકાનમાંથી રોકડ, રમકડા તથા સીસીટીવી કેમેરાઓની ચોરીઓ કરી હતીઃ આર્થિક ભીંસ દૂર કરવા ચોરીના રવાડે ચડયા'તા તાલુકા પીઆઇ ડી.એમ. હરિપરા, પીએસઆઇ બી.આર. ભરવાડ,હરપાલસિંહ જાડેજા, કોૈશેન્દ્રસિંહ ઝાલાની ટીમની કામગીરીઃ મહાવીરસિંહ અને જયપાલસિંહની બાતમી

રાજકોટ તા.૧૦: વાવડીના મકાનમાં થયેલી રૂા.૧.૫૩ લાખના દાગીના અને રોકડ તેમજ ચોટીલામાં દુકાનમાંથી રોકડ, રમકડા અને સીસીટીવીની ચોરીનો તાલુકા પોલીસે ભેદ ઉકેલી જુડવા ભાઇને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
મળતી વિગત મુજબ વાવડી ૫૦ ફુટ રોડ પર આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીમાં સામેલ બે શખ્સો કાળા કલરનું એકસેસ લઇને નીકળ્યા હોવાની તાલુકા પોલીસ મથકના કોન્સ. મહાવિરસિંહ જાડેજા અને જયપાલસિંહ સરવૈયાને બાતમી મળતા પી.આઇ. ડી.એમ. હરીપરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી.આર. ભરવાડ સ્ટાફ સાથે નવા ૧૫૦ ફુટ રોડ પર સાકરીયા ફાર્મ પાસે વોચમાં હતા ત્યારે ત્યાંથી પસાર થતા જીજે.૩ એલ.ડી.૬૬૮૦ નંબરના એકસેસ પર નીકળેલા બે શખ્સોને રોકી બંનેની પુછપરછ કરતા બંનેએ પોતાના નામ અર્જુન અરજણભાઇ ડાભી(ઉ.વ.૨૦) તેનો જુડવા ભાઇ કરણ ઉર્ફે નાનો અરજણભાઇ ડાભી(ઉ.વ.૨૦) (રહે.બંને લોહાનગર મફતીયાપરા ટેલીફોન એકસચેન્જ પાસે ગોંડલ રોડ) જણાવ્યું હતું. બંનેની પુછપરછ કરતા બંનેએ વાવડીમાં વિશ્વકર્મા સોસાયટીના મકાનમાંથી રોકડ તથા દાગીના મળી રૂા.૧.૫૩ લાખ, અને ત્રણ મહિના પહેલા ચોટીલા આણંદપુર રોડ માર્કેટીંગ યાર્ડની બાજુમાં કરીયાણાની દુકાનમાં અને રમકડાની દુકાનના તાળા તોડી રૂા.૧૦ હજાર રોકડ તથા સી.સી.ટી.વી. કેમેરાની ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે બંને જુડવા ભાઇને પકડી લઇ રોકડ તથા દાગીના અને એકસેસ મળી રૂા.૧,૧૩,૦૦૦ની માલમતા કબ્જે કરી હતી. અને એકસેસ અર્જુન ડાભી કેશીયો પાર્ટી અને ભંગારનો તથા તેનો ભાઇ કરણ ઉર્ફે નાનો ભંગારનો ધંધો કરે છે.
આ કામગીરી પી.આઇ. ડી.એમ. હરીપરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી.આર. ભરવાડ, એલ.બી. ડીંડોર તથા હેડકોન્સ. કોૈશેન્દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, અજયભાઇ ભુંડીયા, કોન્સ. મયુરસિંહ જાડેજા, સંજયભાઇ માંડાણી, નિકુંજભાઇ મારવીયા, મહાવીરસિંહ જાડેજા, જુગલભાઇ કથીરીયા, જયપાલસિંહ સરવૈયા અને રાજેશભાઇ ગઢવી દ્વારા કરવામાં આવી હતી.
(3:20 PM IST)










