<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

અગ્નિકાંડ કેસના મુખ્‍ય આરોપી પૂર્વ ટી.પી.ઓ. મનસુખ સાગઠીયાની જામીન અરજીની સોમવારે સુનાવણી થશે

ડેપ્‍યુટી ફાયર ઓફીસર ઠેબાની માતાના ચહેલુમ અંગે અરજન્‍ટ વચગાળાની જામીન અરજીનો બપોરે ચુકાદો

રાજકોટ તા.૧૦: રાજકોટ સહિત રાજ્‍યભરમાં ચકચાર જાગવાનારા ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના ચાર આરોપીની જામીન અરજી નામંજૂર થયા બાદ પૂર્વ ટીપીઓ સાગઠિયા રેગ્‍યુલર અને ડેપ્‍યુટી ફાયર ઓફીસર ઠેબાએ માતાની ૪૦માની ક્રિયા માટે ઠેબાએ બે દિવસ માનવતાના ધોરણે વચગાળાની જામીન અરજી કરી છે. જે જામીન અરજીની આજે તારીખ હતી પરંતુ ન્‍યાયાધીશ રજા ઉપર હોવાથી ટીપીઓ સાગઠિયાની જામીન અરજીમાં તા.૧૩ ઓક્‍ટોમ્‍બરની મુદત પડી છે. જ્‍યારે ડેપ્‍યુટી ફાયર ઓફીસર ઠેબાની વચગાળાની જામીન અરજી પર બંને પક્ષે દલીલો પૂર્ણ થઈ છે અને બપોર બાદ કોર્ટ ચુકાદો સંભળાવશે.

આ કેસની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્‍તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં  ગઇ તારીખ ૨૮/૫/૨૦૨૪ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું  થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્‍યાનું  ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોવા છતાં તંત્ર દ્વારા ગેમ ઝોનના  ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુઃખદ ઘટના બની હોવાનું બહાર આવ્‍યું હતું. આ બનાવને  ગંભીરતાથી લઇ રાજ્‍ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગર  સહિતના જવાબદાર અધિકારીઓ સહિત ૧૫ શખ્‍સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા આ કેસ સેશન્‍સ કમિટ થયો હતો. અગ્નિ કાંડ કેસમાં જેલ હવાલે રહેલા જમીન મલિક અશોકસિંહ જાડેજા, કીરીટસિંહ જાડેજા, આસિ.ફાયર ઓફિસર ઇલેશ ખેર, આસિસ્‍ટન્‍ટ ટાઉન પ્‍લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ કરેલી જામીન અરજી અદાલતે રદ કર્યા બાદ પૂર્વ ટીપીઓ સાગઠિયા રેગ્‍યુલર અને ડેપ્‍યુટી ફાયર ઓફીસર ઠેબાએ માતાની ૪૦માની ક્રિયા માટે ઠેબાએ તા.૧૧/૧૦/૨૦૨૪ થી તા.૧૨/૧૦/૨૦૨૪ સુધી બે દિવસ માનવતાના ધોરણે વચગાળાના જામીન મેળવવા જામીન અરજી કરી છે. જે બંને જામીન અરજી આજે સુનાવણી હતી. પરંતુ ન્‍યાયાધીશ રજા ઉપર હોવાથી ટીપીઓ સાગઠિયાની જામીન અરજીમાં તા.૧૩ ઓક્‍ટોમ્‍બરની મુદત પડી છે. જ્‍યારે ડેપ્‍યુટી ફાયર ઓફીસર ઠેબાની વચગાળાની જામીન અરજી પર બંને પક્ષે દલીલો પૂર્ણ થઈ છે અને બપોર બાદ કોર્ટ ચુકાદો સંભળાવશે.

 આ કેસમાં સરકાર પક્ષે સ્‍પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપપ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને ડિસ્‍ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્‍દ્રસિંહ જાડેજા રોકાયા છે.

(3:53 PM IST)