News of Friday, 11th October 2024
આજીડેમ ચોકડી નજીક માધવ વાટીકામાં છોટાહાથીની ઠોકરે બે વર્ષના બાળકનું મોત
ફઇના ઘરે ગોરણી જમાડવામાં આવી રહી હોઇ ધીયાંશ દાદીમા સાથે ત્યાં ગયો હતો

રાજકોટ તા. 11: આજીડેમ ચોકડી નજીક માધવવાટીકા નજીક ફઇના ઘર બહાર રમી રહેલા પોણા બે વર્ષના બાળકનું છોટાહાથીની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. ફઇના ઘરે ગોરણી જમાડવામાં આવી રહી હોઇ બાળકને લઇ દાદીમાં ત્યાં ગયા ત્યારે બનાવ બન્યો હતો.
આ બનાવમાં આજીડેમ પોલીસે મૃત્યુ પામનાર બાળકના પિતા આજીડેમ ચોકડી માન સરોવર પાર્ક રોડ ભવાની કોમ્પલેક્ષ સી વીંગ બ્લોક નં. 103માં રહેતાં ચેતનભાઇ બચુભાઇ વાળા (ઉ.વ.35)ની ફરિયાદ પરથી છોટાહાથી વાહન નં. જીજે03સીડબલ્યુ-6870ના ચાલક બાબુ મારવાડી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ચેતનભાઇ છુટક મજૂરી કામ કરે છે અને તેના પત્નિ કોમલબેન સિક્યુરીટી કંપનીમાં નોકરી કરે છે. તેને સંતાનમાં 1 વર્ષ 10 મહિનાનો પુત્ર ધિયાંશ અને 6 વર્ષની દિકરી છે. ગુરૂવારે પોતે યાર્ડમાં મજૂરીએ ગયેલા અને પત્નિ નોકરી પર ગયા હતાં. ઘરે દિકરી, દિકરો દાદીમાં કાંતાબેન સાથે હતાં. દરમિયાન નજીકમાં માધવવાટીકા શેરી નં. 4માં ચેતનભાઇના બહેન ઋષીતાબેન મકવાણાને ત્યાં આઠમ નિમીતે માતાજીની ગોરણીનો જમણવાર હોઇ બંને બાળકોને લઇ દાદીમાં કાંતાબેન ત્યાં ગયા હતાં. એ વખતે ઘર બહાર ધિયાંશ રમતો હતો ત્યારે બાબુ મારવાડી છોટા હાથી લઇ નીકળતાં તેની ઠોકરે ધિયાંશ ચડી જતાં તેને ગંભીર ઇજા થઇ હતી.
બનાવની જાણ થતાં ચેતનભાઇ ત્યાં પહોંચ્યા હતાં અને દિકરાને સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, તોફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ જાણ કરતાં આજીડેમના હેડકોન્સ. જે. એમ. બોસીયાએ ચેતનભાઇની ફરિયાદ નોંધી હતી. માસુમ દિકરાના મૃત્યુથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(4:50 PM IST)










