તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th October 2024
ગાંધી સ્મૃતિ સોસાયટીમાં કારખાનેદાર લલીતભાઇનો ફાંસો ખાઇ આપઘાત
મામાએ ફોન જોડતાં રિસીવ ન થતાં તપાસ કરતાં ઘટનાની જાણ થઇઃ કારણ અકળઃ માસુમ દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ કાકડીયા પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. 11: સામા કાંઠે પેડક રોડ પર ગાંધી સ્મૃતિ સોસાયટીમાં રહેતાં લલીતભાઇ કાનજીભાઇ કાકડીયા (ઉ.વ.31) નામના કારખાનેદાર યુવાને સાંજે ઘરે છતના હુકમાં શાલ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
લલીતભાઇ કોઠારીયા રોડ આજીડેમ ચોકડી નજીક સીએનસીનું કારખાનુ ધરાવતાં હતાં. તેમની સાથે મામા રાજુભાઇ પણ પણ કામ કરતાં હતાં.
સાંજે લલીતભાઇ ઘરે હોઇ અને મામા ફોન જોડતાં હોઇ તેઓ ફોન રિસીવ કરતાં ન હોઇ તપાસ કરાવતાં લલીતભાઇ લટકતાં મળ્યા હતાં.
108ને જાણ થતાં ઇએમટી ગણપતભાઇ અને પાઇલોટે પહોંચી તપાસ કરતાં લલીતભાઇ મૃત્યુ પામ્યા હોઇ બી-ડિવીઝનમાં જાણ કરતાં એએસઆઇ કે. સી. સોઢાએ કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
આપઘાત કરનાર લલીતભાઇ બે ભાઇમાં નાના હતાં. મોટા ભાઇનું નામ વિમલભાઇ છે. લલીતભાઇને સંતાનમાં એક પુત્રી છે.
સાંજે પત્નિ, પુત્રી નજીકમાં સગાના ઘરે ગયા હોઇ અને બીજા સભ્યો પણ હાજર ન હોઇ એકલા હતાં ત્યારે લલીતભાઇએ આ પગલુ ભરી લીધુ હતું. પરિવારજનો કારણ જાણતા ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.
(3:06 PM IST)










