<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

નગર પ્રાથમિક શિક્ષણ હસ્‍તકની શાળા નં.૭૬ અદ્યતન થશેઃ કામનો પ્રારંભ

ર.૬૮ કરોડના ખર્ચે થશે નિર્માણઃ ૧૭ વર્ગખંડ બનાવાશે

રાજકોટ તા. ૧૧: આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  હસ્‍તકની શ્રી માં ખોડીયાર પ્રાથમિક શાળા નં. ૭૬ નું ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષા અભિયાનની ગ્રાન્‍ટમાંથી આઘુનિક સુવિઘાથી સજજ નવા બિલ્‍ડીંગનું ખાતમુર્હુત વિઘાનસભા-૬૮ ના  ઘારાસભ્‍યશ્રી ઉદયભાઈ કાનગડ ના  હસ્‍તે રાખવામાં આવેલ હતું. જેમાં રાજકોટ શહેરના વિવિધ મહાનુભાવો પણ સાથે જોડાઈ અને વિધાર્થીઓને ઉતમ પ્રકારની સુવિઘાઓ મળી રહે તે માટે અનુરોઘ કરેલ.

ઉપરોકત કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, મહાનગરપાલિકા નેતા શાસક પક્ષ  લીલુબેન જાદવ,  શહેર ભાજપ મહામંત્રી  વિરેન્‍દ્રસિંહ ઝાલા,  અશ્વીનભાઈ મોલીયા, પ્રમુખશ્રી સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળ શ્રી ડી.વી.મહેતા, શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી વિક્રમ પુજારા, વાઈસ ચેરમેનશ્રી ડો. પ્રવિણકુમાર નિમાવત અને સાથો સાથ શિક્ષણ સમિતીના તમામ સદસ્‍યશ્રી અજયભાઈ પરમાર, મનસુખભાઈ વેકરીયા, રસીકભાઈ બદ્રકિયા, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઈ સાંબડ, હિતેશભાઈ રાવલ, જગદીશભાઈ ભોજાણી, સુરેશભાઈ રાધવાણી ખાસ ઉપસ્‍થિત રહેલ.

શાળાનું જુનું મકાન સને ૧૯૯૧ માં બાંઘકામ કરી આપવામાં આવેલ જે મકાન જર્જરીત થતા નવી શાળાનું મકાન તૈયાર કરવામાં આવશે જેમાં કુલ ૧૭  વર્ગખંડોનું બાંધકામ કરવવામાં આવશે. શાળામાં કુલ ૫૩૭ બાળકો અભ્‍યાસ કરે છે. અને હાલ ૧૬ શિક્ષકો કાર્યરત છે. અંદાજિત ૨ કરોડ ૬૮ લાખ ના ખર્ચે શાળાનુ બાંઘકામ થશે. કુલ ૧૭ વર્ગખંડો કોમ્‍પ્‍યુટર લેબની આઘુનિક સુવિદ્યા સાથે ઉપલબ્‍ધ કરવામાં આવશે.

શાળામાં ગ્રીન બોર્ડ, ઈલેકટ્રીક ફીટીંગ, પંખા, ટયુબ લાઈટ, કુમાર-કન્‍યા માટે અલાયદી ટોયલેટ વ્‍યવસ્‍થા, શાળાના મેદાનમાં પેવર બ્‍લોક, મધ્‍યાહન ભોજન શેડ, વિધાર્થીઓના પીવાના પાણીની સુવિઘા તેમજ હાથ ઘોવાની સુવિઘા વિકસાવવામાં આવશે. ફાયર સેફટી માટેની તમામ સુવિઘાઓ સાથેનુ અધતન બિલ્‍ડીંગ તૈયાર કરી સોંપવામાં આવશે.

કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેનશ્રી વિક્રમ પુજારા, વા.ચેરમેન ડો.પ્રવીણકુમાર નિમાવત, શાસનાધિકારી કિરીટસિંહ પરમારના માર્ગદશન હેઠળ શિક્ષણ સમિતિ પરીવાર, યુ.આર.સી., સી.આર.સી., શાળાના આચાર્યઓ દ્વારા કામગીરી કરેલ.

(3:25 PM IST)