<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

રૂમ ઝુમ રથ આવ્‍યો મા ખોડલનો : આઠમા નોરતે મા ખોડલના વધામણા

મા ખોડલની મહાઆરતી કરવામાં આવી : માતાજીના સ્‍વરૂપમાં સજ્જ થયેલી દીકરીઓ રથમાં બિરાજી : આતશબાજીથી અદ્‌ભૂત દ્રશ્‍યો સર્જાયા

રાજકોટ : શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા ગુજરાતભરમાં કૂલ ૩૭ જગ્‍યાએ અને રાજકોટ શહેરના ચાર અલગ અલગ ઝોનમાં આયોજીત ભવ્‍યાતિભવ્‍ય નવરાત્રિ મહોત્‍સવમાં દરરોજ હજારો ખેલૈયાઓ ગરબે ઘુમીને મા ખોડલની આરાધના કરી રહ્યા છે.  આઠમના નોરતે ચારેય ઝોનના નવરાત્રિ મહોત્‍સવમાં મા ખોડલની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્‍યું હતું અને સાત દીકરીઓ માતાજીના વેશમાં પધારતા અદભુત અને અલૌકિક વાતાવરણ સર્જાયું હતું.

રાજકોટ શહેરમાં આયોજિત શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ- નોર્થ ઝોનમાં આઠમના દિવસે મા ખોડલની મહાઆરતી સાથે આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મા ખોડલ સહિત સાતેય બહેનોના વેશ ધારણ કરીને સાતેય દીકરીઓને રથમાં બેસાડીને ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. માતાજીના સ્‍વાગત માટે ખાસ નાસિક ઢોલની ટીમ દ્વારા ઢોલ અને ત્રાસા વગાડીને માતાજીના વધામણા કરવામાં આવ્‍યા હતા. સાતેય માતાજી રથમાં બિરાજમાન થઈને સ્‍ટેજ સુધી પહોંચ્‍યા હતા અને ત્‍યારબાદ આતશબાજી કરવામાં આવી હતી. આમ સમગ્ર મેદાનમાં ભક્‍તિમય વાતાવરણ ઉભું કરવામાં આવ્‍યું હતું.

શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ- ઈસ્‍ટ ઝોનમાં પણ આઠમા નોરતે માતાજીની મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ શણગારેલા રથમાં માતાજીના સ્‍વરૂપમાં સજ્જ થયેલી સાતેય દીકરીઓ બિરાજી ગ્રાઉન્‍ડમાં સૌને દર્શન આપ્‍યા હતા. ભવ્‍ય આતશબાજી સાથે આ રથ સમગ્ર ગ્રાઉન્‍ડમાં ફર્યો હતો અને ભગવા ધ્‍વજ લહેરાવી ખેલૈયાઓએ માતાજીના વધામણા કર્યા હતા.

શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ- સાઉથ ઝોનમાં પણ આઠમા નોરતે માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી અને ત્‍યારબાદ ખેલૈયાઓ દેશભક્‍તિની થીમ પર ગરબે રમી માતાજીની આરાધનાની સાથે સાથે દેશભક્‍તિ પણ ઉજાગર કરી હતી.

(3:31 PM IST)