News of Friday, 11th October 2024
શહેરીજનો ખાડામુકત થયા : પેચવર્ક કામનો ધમધમાટ
ત્રણેય ઝોનમાં તબક્કાવાર રસ્તા પર ડામરની કામગીરી અંતીમ તબક્કામાં: એકશન પ્લાનનો દિવાળી બાદ થશે પ્રારંભ

રાજકોટ તા. ૧૧ : ભારે વરસાદને પગલે રસ્તાઓને નુકસાન થયું હતું. તાજેતરનાં દિવસોમાં સતત વરસાદ ચાલુ રહયો હતો જેના કારણે ડામર પેચ વર્ક શકયું બન્યું હતું. અલબત વરસાદ દરમ્યાન મેટલથી રસ્તા પરના ખાડા બુરવામાં આવતા હતાં. જોકે હવે વરસાદ રહી ગયો હોઈ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં તબક્કાવાર દરેક વોર્ડમાં ડામર પેચ વર્ક કામનો ધમધમાટ જોવા મળી રહયો છે.શહેરીજનો હવે ખાડા મુકત થયા છે. દિવાળી બાદ એકશન પ્લાન કામનો પ્રારંભ થશે.
શહેરમાં જનમાષ્ટમીમાં ૪ દિવસ પડેલા ૩૧ ઇંચથી વધુ વરસાદ પડતા મનપા તંત્ર દ્વારા રોડને થયેલા નુકસાનનો સર્વે થતા શહેરના ૩૫ કિલોમીટરના રસ્તાઓ ખરાબ તથા અનેક વિસ્તારોમાં ૧૨૦૦૦થી વધુ ખાડાઓ થયાનું અને આ રિપોર્ટનો અહેવાલ સરકારમાં મોકલ્યો હતો અને સરકાર દ્વારા રોડ - રસ્તા સમારકામના ૬૦ કરોડ ફાળવ્યા છે.
શહેરમાં સતત પડેલા ભારે વરસાદના પગલે રોડ રસ્તાઓનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. મુખ્ય માર્ગો ઉપર ડામર રોડ ધોવાઈ જતાં મોટા ગાબડાઓ પડવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. તેવી જ રીતે સોસાયટીઓમાં રસ્તાઓ તુટી જતાં અમુક લોકોને ઘર સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે. વરાપ નિકળતા જ મનપાએ તમામ વોર્ડમાં ખાડાઓ અને તુટેલા રસ્તાઓનો સર્વે કર્યો હતો. જેનો રિપોર્ટ રજૂ થતાં જાણવા મળેલ કે, મુખ્ય માર્ગો ઉપર ૧૨૦૦૦થી વધુ ખાડાઓ પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેની સામે ૩૫ કિ.મી.ના રસ્તાઓ તુટી ગયા હોવાનું પણ જણાવ્યું છે.
શહેરમાં તુટી ગયેલા રસ્તાઓ અને ધોવાઈ ગયેલા રોડનું મરામતનું કામ હાલ અંતિમ તબક્કામાં ચાલી રહ્યુ છે.
(3:35 PM IST)










