News of Friday, 11th October 2024
આયુર્વેદ એક વિશીષ્ટ ચિકિત્સા વિજ્ઞાન
જિલ્લા પંચાયતમાં નિદાન-ઉપચાર શિબિર પ્રસંગે મહાનુભાવોનું ઉદ્દબોધન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી આ પધ્ધતિ વૈશ્વિક બની

રાજકોટ જિલ્લા પંચાયત કચેરી જૂની કોર્ટ બિલ્ડીંગ ખાતે આયુષ મેળા (આરોગ્ય કેમ્પ) પ્રસંગે રામભાઇ મોકરિયા, પ્રવીણાબેન રંગાણી, નયનાબેન પેઢડિયા, દર્શિતાબેન શાહ, ડો.નવનાથ ગવ્હાણે, રાજુભાઇ ડાંગર, લીલાબેન ઠુંમર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ તા. ૧૧: વિકાસ સપ્તાહ ૨૦૨૪ અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ૨૦૨૪ની થીમ ‘આયુર્વેદ ઇનોવેશન ફોર ગ્લોબલ હેલ્થ'ની ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લાના પ્રજાજનોને આરોગ્યલક્ષી પ્રશ્નોનું નિવારણ મળી રહે તેમ જ આયુષની આરોગ્ય પદ્ધતિઓ વિશે લોકો માર્ગદર્શન મેળવી સુખાકારી પ્રાપ્ત કરે તે હેતુ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા પંચાયત કેમ્પસ ખાતે આયુષ મેળો યોજાયો હતો.
આ પ્રસંગે મેયર શ્રી નયનાબેન પેઢડીયાએ આયુષ મેળાના આયોજનને ઉત્સાહથી આવકારી આયુર્વેદને ભારતીય પ્રાચીન અને વિશ્વની જૂનામાં જૂની સારવાર પદ્ધતિઓમાની એક પદ્ધતિ જણાવી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણીએ કહ્યું હતું કે, આજના ઝડપી યુગમાં આપણી જીવનશૈલી બદલાતી જાય છે.વર્ષો પૂર્વે આયુર્વેદ ચિકિત્સા દ્વારા નિદાન અને સારવાર થતી જે રોગોને જડમૂળમાંથી નાબૂદ કરતી, જયારે આજે આપણે એલોપથી તરફ વળી ગયા છીએ.આયુર્વેદ એ એક જીવન પદ્ધતિ છે જેને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફરી લોકો સુધી પહોંચાડી છે.
સાંસદ શ્રી રામભાઈ મોકરીયાએ વિકાસ સપ્તાહ અને આયુષ દિનની મહત્તા સમજાવી હતી.
ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહે કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ ‘સર્વે સુખીનાઃ સંતો સર્વે સંતુ નિરામયા'ના મંત્રને માને છે, આયુર્વેદ એ ભારતની પરંપરા તો છે જ, પણ એક વિશિષ્ટ ચિકિત્સા વિજ્ઞાન પણ છે જેને પ્રધાનમંત્રીશ્રીએ ડબલ્યુ.એચ.ઓ. થી લઈ ભારતના ગામડે ગામડે પહોંચાડ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણેએ આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિનું મહત્વ દર્શાયું હતું.
રોગપ્રતિકારક હર્બલ ટી અને ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. રાજય સરકારના માહિતી ખાતા હેઠળની રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા આયુષ મેળામાં વિકાસ સપ્તાહ હેઠળ સાહિત્ય વિતરણ કરી સરકારશ્રીની ઉપલબ્ધિઓ અને વિશિષ્ટ યોજનાઓ અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી રાજુભાઈ ડાંગર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઇલાબેન ગોહિલ, જયભાઈ ગૌસ્વામી, આયુર્વેદ સમિતિના ચેરમેન લીલાબેન ઠુંમર, જિલ્લા આયુર્વેદ અધિકારી દિનાબેન સોનાગરા, ડો.ભાનુભાઈ મહેતા તથા બહોળી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. (૨૨.૨૭)
(4:23 PM IST)










