News of Saturday, 12th October 2024
જંકશન પ્લોટની વિવિધ શેરીઓમાં નિયમિત સફાઇ કામગીરી નહિ થતી હોવાની ફરીયાદો
તંત્ર અને પ્રજાના પ્રતિનિધિઓને રજુઆત છતાં પરિણામ શુન્ય રોગચાળો મોઢુ ફાડે તે પહેલા સફાઇ અભિયાન હાથ ધરવાની જરૂર

રાજકોટ, તા.૧૨: ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ વિચારધારા રહી છે કે, જયાં સ્વચ્છતા છે ત્યાં શુધ્ધતા છે અને જયાં શુધ્ધતા છે ત્યાં પવિત્રતા છે અને જયાં પવિત્રતા છે ત્યાં પ્રભુતા છે આપણા વડાપ્રધાન પણ ‘સ્વચ્છતા' મિશનના આગ્રહી છે પણ આપણા નિંભર શાસકો અને આળસુ તંત્રને કારણે ‘સ્વચ્છતા અભિયાન'નો ઉલાળીયો કરી દેવામાં આવતો હોય છે આવું જ ઉદાહરણ હાલ શહેરના જંકશન પ્લોટ વિસ્તારની કેટલીક શેરીઓમાં જોવા મળી રહ્યું છે જયાં સ્વચ્છતાના નામે શરમજનક દ્રશ્યો જોવા મળી રહયા છે. આમ વિસ્તારના લોકોની ફરીયાદ છે કે નિયમિત સાફ-સફાઇ થતી નહિ હોવાના કારણે અનેક શેરીઓમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. આ અંગે તંત્ર અને કોર્પોરેટરોનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં ‘આંખ આડા કાન' કરી ખો આપવામાં આવ રહી છે.
આ અંગે આજે સવારે આ વિસ્તારના કેટલાક લોકોએ ‘અકિલા' સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવતા કહ્યું હતુ કે, નવરાત્રીને કારણે ગરબી યોજાતી હોય છે અને તેના કારણે કચરો થાય તે સ્વાભાવિક છે પણ બીજા દિવસે જે નક્કર સફાઇ થવી જોઇએ તે થતી નથી અને બાજુ કચરાના ઢગલા અને ગંદકીના થર જોવા મળી રહ્યા છે. આ અંગે રોગચાળો ફાટી નીકળે તે પહેલા રાજકોટ મ્યુ.કોર્પો.ના (સંલગ્ન) અધિકારી અને આ વિસ્તારના કોર્પોરેટરોનું ધ્યાન દોરવામાં આવતા તેઓએ ‘હિંચકો' નાખી દીધો હતો. આજની તારીખે હજુ કચરાના ઢગલાનો નિકાલ થયો નથી. ફરીયાદોનો ઉકેલ નહિ આવતા આ વિસ્તારના લોકોમાં જબરો રોષ ફાટી નીકળ્યો છે.
રાજકોટ મ્યુ.કોર્પોરેશને જંકશનપ્લોટમાં વધુ ટીમો મોકલી તત્કાલ સફાઇ કરવામાં આવે તે ઇચ્છનીય છે.
(4:08 PM IST)










