તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 12th October 2024
અહંકાર છોડી સહજ બનવાનો અવસર એટલે વિજયાદશમી
દશેરાનો મહિમા વર્ણવતા બ્રહ્મપ્રકાશદાસજી સ્વામી

દર વર્ષે આસો સુદ દશમીના રોજ દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે સાંજે રાવણ, કુંભકર્ણના પૂતળા બાળવામાં આવે છે. દશમી વિજયાદશમી તરીકે ઓળખાય છે.
ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કર્યો. ભગવાન શ્રીરામ અને રાવણ વચ્ચે સતત ૧૦ દિવસ સુધી ભયંકર યુદ્ધ થયું. ૧૦મા દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો. આ યુદ્ધનું કારણ ભગવાન શ્રીરામની પત્ની સીતાનું અપહરણ હતું.
દશેરાનો દિવસ એટલે દુર્ગુણો ઉપર સદગુણોનો વિજય..આસુરી શક્તિ ઉપર દેવી શક્તિનો વિજય..અસત્ય ઉપર સત્યનો વિજય..ભોગી ઉપર યોગીઓનો વિજય..આ વિજયનું પ્રતીક એટલે જ દશેરાનો ઉત્સવ છે.
પવિત્ર નવરાત્રીના વ્રત કરી વ્યક્તિ પવિત્ર બને છે. પછી ભગવાન કે દેવી તેનામાં દિવ્ય સદગુણોનું સંચાર કરે છે. ભારતના પી.એમ. શ્રી નરેન્દ્રભાઇ મોદી દર વર્ષે માત્ર જળપાન કરીને નવરાત્રી વ્રત કરે છે. આ સંયમ અને સદાચારને કરણે જ એમાં અનેક શક્તિ આપણને જોવા મળે છે. જે માતાજીના આ વ્રતને દિવસે કામ, લોભ,મોહ,મદ વધારશે, એનો સ્વયં દૈવી જ વિનાશ કરશે.
આપણા હિન્દુ સનાતન ધર્મના પવિત્ર તહેવારોને પવિત્રતા પૂર્વક ઉજવવા એ આપણા સૌની ફરજ છે, કર્તવ્ય છે. જેમ રામસેતુ બાંધતા ત્યારે ખિસકોલીએ એની શક્તિ પ્રમાણે સહાય કરી; એ જ રીતે મારો આ લેખ ભગવાનના થાપેલી મર્યાદામાં રહેવાનો નાનકડો પ્રયાસ છે.
ભગવાન રામ મર્યાદા સ્થાપવા માટે આવ્યા હતા. આપણે ભગવાને સ્થાપેલી મર્યાદા, સદાચાર અને સંયમ કેળવીએ. તો જ સાચા રામભક્ત ગણાઈએ.જેમ મહિસાસુરે દુર્ગુણ ન છોડ્યા, તો દુર્ગુણી અસુરનો દુર્ગામાતાએ નાશ કર્યો. એમ આપણે પણ આપણા દુર્ગુણોનો નાશ કરવો જોઇએ.
માટે આ પવિત્ર વિજયા દસમીના દિવસે આપણે દૂર્ગુણો છોડીએ અને સદ્ગુણો વધારીએ.. નિષ્કામી બનવા પ્રયત્ન કરીએ. આસક્તિથી છોડીએ અને ભક્તિ તથા વિરક્તિ તરફ ચાલવાનો પ્રામાણિક પ્રયાસ કરીએ. તો જ સાચા ભક્ત ગણીએ..
ભાગવતજીમાં જડ ભરતજીની કથા આવે છે. ભોગી લોકો દૈવી આગળ નરબલી ચઢાવવા ભરતજીને લઈ ગયા. તો આ ભક્તના અપરાધી ઉપર દેવી કપાઈમાન થઈ અને પોતાના હાથમાં રહેલા હથિયારથી એ પ્રત્યેક ભોગી લોકોનો વિનાશ કર્યો અને ભરતજીની સંપૂર્ણ રક્ષા કરી. એ જ રીતે આપણે પણ પવિત્ર પર્વના દિવસોમાં દુગુણોમાં ફસાશું તો શક્તિ કે શક્તિમાન પરમાત્મા જ આપણો નાશ કરશે.રાવણ અહંકારનું પ્રતીક છે. કુંભકરણ ભોગનું પ્રતીક છે. જીવનમાં રહેલા અહંકાર, આશક્તિ અને ભોગને સળગાવવા માટે જ આ દિવસે રાવણ અને કુંભકરણના પૂતળાનું દહન થાય છે અને ફટાકડા ફોડવામાં આવે છે. આપણા જીવનમાં રહેલા બુરાઈના ફટાકડા ફૂટે તોજ દિવ્યતાનો સંસાર થાય.
જેમ સૂર્યોદય થતાં જ અંધકાર જાય; એ જ રીતે આપણે સદ્ગુણો કેળવશુ; તો જ દૂર્ગુણો અને દોષો જશે અને જીવન સફળ થશે.
આ વિજયા દશમી એટલે મિથ્યા અહંકાર છોડી સરળ અને સહજ બનવાનો ઉત્સવ..આસક્તિ છોડી અનસક્ત બનવાનો ઉત્સવ..દુર્ગુણ છોડી સદ્ગુણ કેળવવાની પ્રતિજ્ઞા લેવાનો ઉત્સવ..દુરાચાર છોડી, સંયમ અને સદાચાર કેળવવાનો ઉત્સવ..આપણા સૌમાં આવા દિવ્યગુણોનો આવિર્ભાવ થાય અને આપણે પણ હનુમાનજી, લક્ષ્મણજી, સીતાજી અને ગોપીઓ જેવા પરમાત્માના પ્યારા ભક્ત બનીએ એવી શક્તિ ભક્તિ વિરક્તિ અને સમજણ આપણામાં આવે; એવી પરમ કૃપાળુ પરમાત્માના પાવન ચરણોમાં આ પવિત્ર દિવસે પ્રાર્થના.
લંડન સ્વિન્ડનથી સાધુ બ્રહ્મપ્રકાશદાસના હૈયાના હેતથી જય સ્વામિનારાયણ.
(3:10 PM IST)










