News of Monday, 14th October 2024
૫.૮૯ લાખના એમડી સાથે ઝડપાયેલી બ્યુટી પાર્લર સંચાલીકા બાદ મુખ્ય સપ્લાયર મુંબઇની મહિલા હાથવેંતમાં
અમદાવાદની શ્વેતા ઠક્કર રાજકોટમાં કોને માદક પદાર્થ આપવાની હતી? તેની તપાસ : શહેર એસઓજી પીઆઇ એસ. એમ. જાડેજા, પીએસઆઇ માજીરાણા, એએઅસાઇ ડી. બી. ખેર અને ટીમે બામણબોર પાસેથી પકડીઃ ફિરોઝભાઇ રાઠોડ અને હાર્દિકસિંહ પરમારની બાતમીઃ શ્વેતા અગાઉ રાજકોટ રહી ચુકી છેઃ પોતે પણ નશો કરવાની ધરાવે છે આદત : એરપોર્ટ પીઆઇ જે. એસ. ગામીતની ટીમે મુખ્ય સપ્લાયર મહિલાને પકડી લેવા કાર્યવાહી કરી

રાજકોટઃ શહેર એસઓજીની ટીમે વધુ એક વખત માદક પદાર્થ ઝડપી લેવામાં સફળતા મેળવી છે. બામણબોર નજીકથી અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા સતેજ હોમ્સમાં બ્લોક નં. સી-૧૮માં રહેતી અને ઘરમાંથી જ બ્યુટી પાર્લરનું કામ કરતી શ્વેતા શાંતિલાલ ઠક્કર (ઉ.વ.૨૭)ને રૂા. ૫ લાખ ૮૯ હજારના ૫૮.૯૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લઇ એરપોર્ટ પોલીસને સોંપવામાં આવી છે. પ્રાથમિક પુછતાછમાં શ્વેતાએ પોતે અમદાવદાની એક મહિલા પાસેથી આ ડ્રગ્સ લઇ રાજકોટમાં આપવા આવતી હોવાનું રટણ કર્યુ હતું. મુખ્ય સપ્લાયર મુંબઇની મહિલાને પણ અમદાવાદથી સાણસામાં લેવા એરપોર્ટ પોલીસની ટીમે તજવીજ આદરી છે.
જાણવા મળ્યા મુજબ શહેર એસઓજીની ટીમ માદક પદાર્થની હેરાફેરી અટકાવવાની ઝુંબેશ અંતર્ગત પેટ્રોલીંગમાં હતી ત્યારે ફિરોઝભાઇ રાઠોડ અને હાર્દિકસિંહ પરમારને મળેલી બાતમી પરથી રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર ગામ જવાના જૂના રસ્તા પાસે અને એરપોર્ટ પોલીસની ચેકપોસ્ટ નજીક ઉભેલી શ્વેતાને અટકાવી તેની પાસે રહેલા લીલા કલરના પર્સની તલાશી લેતા અંદરથી ૫૮.૯૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. એસઓજીએ રૂા. ૫.૮૯ લાખનું એમડી ડ્રગ્સ, બે મોબાઈલ ફોન, પોકેટ વજન કાંટો, રૂા. ૫૦૦ રોકડા, પાન કાર્ડ વગેરે મળી કુલ રૂા. ૬.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને શ્વેતા વિરૂધ્ધ એરપોર્ટ પોલીસમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ માટે શ્વેતાનો કબ્જો એરપોર્ટ પોલીસને સોંપ્યો હતો.
પોલીસના કહેવા મુજબ શ્વેતા અગાઉ રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર ભાડેથી રહેતી હતી. તેણીના છુટાછેડા થઇ ગયા બાદ એકલી રહી છે. તેનો પુત્ર તેના પતિ સાથે છે. માતા પિતા પણ હયાત નથી. તેના નાનાજી બિમાર હોઇ તેની સારવારનો ખર્ચ કાઢવા તે ડ્રગ્સની હેરાફેરીના રવાડે ચડી હતી. તે પોતે પણ નશોક રવાની આદત ધરાવે છે. આ વખતે તે અમદાવાદથી એક મહિલા પાસેથી આ માદક પદાર્થ મેળવી રાજકોટ સપ્લાય કરવા આવી રહી હતી ત્યાં જ પકડાઇ ગઇ હતી.
તેણી આ ડ્રગ્સ અમદાવાદથી જે મહિલા પાસેથી લાવી હતી તે મહિલાને દબોચી લેવા એરપોર્ટ પોલીસની ટીમ અમદાવાદ રવાના થઇ હતી. સપ્લાયરે ઝડપી લેવામાં સફળતા મળવાની આશા છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એમ. બી. માજીરાણા, એએસઆઇ ધર્મેશભાઈ ખેર, એએસઆઇ વિરેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. ઈન્દ્રસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહીલ, ફિરોજભાઈ રાઠોડ, મૌલીકભાઇ સાવલીયા, અરૂણભાઇ બાંભણીયા કોન્સ. હાર્દીકસિંહ પરમાર, મહીલા કોન્સ. નાઝનીનબેન સોલંકી તથા ડ્રા. એએસઆઇ કળષ્ણસિંહ જાડેજા અને હેડકોન્સ.શ્યામભાઈ સુસરાએ આ કામગીરી કરી હતી. પ્રાથમિક પરિક્ષણ એફએસએલ અધિકારી બી. વી. જોગીયાએ કર્યુ હતું.
એરપોર્ટ પીઆઇ જે. એસ. ગામીત અને ટીમ વધુ તપાસ કરે છે. શ્વેતાની વિશેષ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ કરવામાં આવી રહી છે. બીજી તરફ શ્વેતાએ જેનું નામ આપ્યું તે મુખ્ય સપ્લાયર મહિલાને અમદાવાદથી સકંજામાં લેવા તજવીજ થઇ છે. આ મહિલા મુળ મુંબઇની છે. જો કે તેની અટકાયત બાદ વિશેષ પુછતાછ થશે.
(11:43 AM IST)










