<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

રાજકોટમાં રવિવારે બપોરથી રાત સુધીમાં પોણો ઇંચ

અમુક સ્‍થળોએ વરસતા વરસાદમાં પણ ખેલૈયાઓ મન મુકીને રાસે રમ્‍યા : શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજાનો મુકામ : ગઇકાલે બપોરે અંદાજે અડધી કલાક વરસી ગયા બાદ મોડી રાત સુધીમાં વિજળીના પ્રચંડ કડાકા-ભડાકા સાથે ઝરમર વરસ્‍યો : આજે પણ બપોર બાદ ફરી આગમન કરશે ?

રાજકોટ તા. ૧૪ : રાજ્‍યના મોટાભાગના વિસ્‍તારોમાંથી ચોમાસાની વિદાય થઇ ચૂકી છે. અરબી સમુદ્રમાં બનેલી સિસ્‍ટમ્‍સના પગલે છેલ્લા ત્રણ - ચાર દિવસથી છુટાછવાયા વિસ્‍તારોમાં વરસાદ વરસી જાય છે. રાજકોટ શહેરમાં પણ ત્રણ દિવસથી મુકામ છે. હવામાન નિષ્‍ણાંતો દ્વારા આ સપ્‍તાહમાં પણ અમુક સ્‍થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં પણ છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ વરસાદ પડી રહ્યો છે. ગત શુક્રવારે નવમા નોરતે અને શનિવારે દશેરાએ પણ મોડી સાંજથી વરસાદ પડયો હતો. પ્રાચીન ગરબી અને દાંડીયા રાસના આયોજકોએ અમુક જગ્‍યાએ બંધ રાખ્‍યા હતા તો કેટલાક સ્‍થળોએ વરસતા વરસાદમાં પણ રાસ - ગરબાની રમઝટ જામી હતી.

દરમિયાન ગઇકાલે રવિવારે પણ દિવસ દરમિયાન તડકો રહ્યા બાદ અંદાજે ચારેક વાગ્‍યાની આસપાસ એકાએક વરસાદ ચાલુ થઇ ગયો હતો. થોડીવાર તો વરસાદનું જોર એકદમ વધી ગયું હતું. રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્‍યા હતા. અંદાજે ચાલીસેક મિનિટ સુધી એકધારો વરસાદ ચાલુ હતો. ત્‍યારબાદ થંભી ગયો હતો.

તો રાત્રીના ફરીથી શરૂ થયો હતો. આ વખતે મોડીરાત સુધી સતત ઝરમર ચાલુ જોવા મળ્‍યો હતો. વિજળીના પ્રચંડ કડાકા - ભડાકા થતા હતા. વરસાદનું એટલું જોર ન હતું પરંતુ છાંટા સતત ચાલુ હતા. કેટલીક જગ્‍યાએ ગરબાના આયોજનો થયા હતા તો વરસતા વરસાદમાં પણ ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.

દરમિયાન હવામાન ખાતામાં ગઇકાલે ૧૧ મી.મી. વરસાદ નોંધાયો છે. આજે પણ બપોર બાદ વરસાદ એન્‍ટ્રી કરે તેવી પૂરી શક્‍યતા છે.

(11:44 AM IST)