<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

નડતર દૂર કરવાની વિધીમાં યુવાન સહિત ત્રણને હાથમાં મીઠુ દીધું, હાથ મસળતાં અડદ-જુવાર બની ગયા!: ગઠીયો પકડાયો

પ્રજાપતિ સોસાયટીમાં રામાપીરના ભગતના નામે આવેલા ગઠીયાઓ ૧.૩૩ લાખની મત્તા ઉસેડી ગયા હતાં તાલુકા પીઆઇ હરીપરા, પીએસઆઇ ભરવાડની ટીમની કામગીરીઃ હરપાલસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડજા, મયુરસિંહ જાડેજાની બાતમી પરથી બેડલાનો રાયધન પકડાયોઃ તેના પિત્રાઇ અને ફઇના દિકરાની શોધઃ સોનાના દાગીના, બાઇક કબ્‍જે

રાજકોટ તા. ૧૪: શહેરમાં ગઠીયાઓ નીતનવા નુસ્‍ખાનો ઉપયોગ કરી લોકોને છેતરતાં હોય છે. દરમિયાન મવડીની પ્રજાપતિ સોસાયટી-૨માં ત્રણ ગઠીયાએ આવી આ વિસ્‍તારમાં રહેતાં અને ફોટોગ્રાફીનું કામ કરતાં અંકિતભાઇ શૈલેષભાઇ જોટાણીયા (ઉ.વ.૩૦) તથા તેમના માતા અને પત્‍નિને ઘરની આર્થિક સ્‍થિતી સુધારવા અને નડતર દૂર કરવાની વિધીના બહાને ઘેની પાણી પીવડાવી બેભાન કરી રૂા. ૧,૩૩,૫૦૦ના રોકડ-દાગીના ઉતારી લીધા હતાં અને ત્રણેય ભાગી ગયા હતાં. આ ત્રણ પૈકી બેડલા ગામે રહેતાં ગઠીયાને પકડી લીધો છે. તેના પિત્રાઇ સહિત બે જણાની શોધ આદરી છે.

શૈલેષભાઇ જોટાણીયા અને તેના માતા સગાને ત્‍યાં હરિહર સોસાયટીમાંથી પોતાના ઘરે જતાં હતાં ત્‍યારે બાઇક પર આવેલા ત્રણ જણાએ તેમને ઉભા રાખી વાછરાદાદાના મંદિરનો રસ્‍તો પુછ્‍યો હતો. એ પછી એક શખ્‍સે પોતે રામાપીરનો ભગત છે તેમ કહી શૈલેષભાઇને જેમ તમે અમને રસ્‍તો બતાવ્‍યો તેમ તમને અમે રસ્‍તો બતાવશું, તમારે ઘરમાં આર્થિક તકલીફો છે...એ સહિતની વાતો કરતાં શૈલેષભાઇને તેના પર વિશ્વાસ બેઠો હતો. આ પછી ત્રણેયએ ચા પાણી પીવાનું કહી અમે બહારનું કઇ ખાતા પીતા નથી, ઘરની ચા પીવી છે તેમ કહેતાં શૈલેષભાઇ ત્રણેયને પોતાની ઘરે લઇ ગયા હતાં.

અહિ આ ત્રણેયએ ઘરમાંથી નડતર દૂર કરવા માતાજીની વિધી કરવી પડશે તેમ કહી શૈલેષભાઇ, તેમના માતા અને પત્‍નિને વિધીમાં બેસાડયા હતાં અને ત્રણેયના હાથમાં મીઠુ (નમક) આપી શ્‍લોક બોલવાનો ઢોંગ કરી બાદમાં ત્રણેય પાસેથી મીઠુ પાછુ લઇ હાથ મસળતાં હાથમાંથી મીઠુ ગુમ થઇ ગયુ હતું અને અડદ તથા જુવારના દાણા થઇ ગયા હતાં!

એ પછી પાણી લઇ આવવાનું કહી મંત્રોચ્‍ચાર કરી ત્રણેયને હથેળીમાં થોડુ થોડુ પાણી આપી પી જવાનું કહેતાં ત્રણેયએ પીધુ હતું જે નારીયેળના પાણી જેવુ લાગ્‍યું હતું. બાદમાં રામાપીરના ભગતની ઓળખ આપનારે

નડતર દૂર કરવા માતાજી નીવેદ માંગે છે કહી બત્રીસ હજાર માંગ્‍યા હતાં. બાદમાં વિધી કરવાના બહાને સોનાના દાગીના માંગી પોતે તેની સાથે અડદ-જુવાર મુકી દે પછી દાગીના સ્‍મશાનમાં સવા મહિનો દાટી રાખવા કહ્યું હતું. આ વિધી ચાલુ હતી એ દરમિયાન જ શૈલેષભાઇ સહિત ત્રણેય બેશુધ્‍ધ થઇ જતાં તેના શરીર પરથી દાગીના ઉતારી તેમજ ઘરમાંથી રોકડ ઉસેડી ત્રણેય ભાગી ગયા હતાં. ગુનાનો ભેદ તાલુકા પોલીસે ઉકેલી  રાજકોટના બેડલા ગામે રામાપીરના મંદિર પાસે રહેતાં રાયધન કાનાભાઇ રાઠોડ (નાથબાવા) (ઉ.વ.૪૫)ને દબોચી મુદ્દામાલ તથા બાઇક કબ્‍જે કર્યુ છે. જ્‍યારે રાયધનના પિત્રાઇ ભાઇ પડધરીના શાયર ભીખાભાઇ રાઠોડ અને તેના ફઇના દિકરા બેડલાના અનિલ જેસુખભાઇ નકુમના નામ ખુલતાં શોધખોળ આદરી છે.

તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ ટીમ આરોપીઓને શોધવા કામે લાગી હતી. એ દરમિયાન હેડકોન્‍સ. હરપાલસિંહ જાડેજા, કોન્‍સ. મયુરસિંહ જાડેજાની બાતમી પરથી મવડી ૪૦ ફુટ રોડ પ્રજપતિ સોસાયટીમાંથી શકદાર શખ્‍સ બાઇક નં. જીજે૦૧ઇઆર-૭૧ લઇને નીકળતાં દબોચી લીધો હતો. પુછતાછમાં તેણે પોતાનું નામ રાયધન રાઠોડ જણાવ્‍યુ઼ હતું. તેમજ પોતાની સાથે અન્‍ય બે શખ્‍સો શાયર અને અનિલ હોવાનું કબુલ્‍યું હતું. રાયધન પાસેથી પોલીસે સોનાનો ચેઇન ૬૦ હજારનો, સોનાના પેન્‍ડન્‍ટ સાથેનો બીજો ચેઇન ૭૦ હજારનો,  તથા બાઇક કબ્‍જે કર્યા હતાં.

ઝડપાયેલો રાયધન અગાઉ ધ્રોલમાં દારૂના ગુનામાં પકડાયો હતો. જ્‍યારે પકડાવાના બાકી છે તેમાં શાયર રાઠોડ પડધરીમાં દારૂ, જૂગાર સહિત ચાર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અનુસાર પીઆઇ ડી. એમ. હરીપરા, પીએસઆઇ બી.આર. ભરવાડ, હેડકોન્‍સ. કોૈશેન્‍દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, અજયભાઇ ભુંડીયા, કોન્‍સ. મયુરસિંહ જાડેજા, સંજયભાઇ માંડાણી, નિકુંજભાઇ મારવીયા, મહાવીરસિંહ જાડેજા અને જુગલભાઇ કથીરીયાએ આ કામગીરી કરી હતી

(3:11 PM IST)