તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th October 2024
ફૂટપાથની પાળીએ બેસવાના ડખ્ખામાં મિત્ર કરણને પતાવી દેનાર પ્રવિણે પોલીસ સ્ટેશનમાં પોક મુકી
મુળ ભરૂચના જંબુસરનો વતની આરોપી છએક વર્ષથી રાજકોટ રહે છેઃ આગળ પાછળ કોઇ નથી : સવારે ડખ્ખો કરી કરણે તગેડી મુકતાં પ્રવિણ બપોરે ફરીથી પાળીએ બેસતાં ફરી માથાકુટ થતાં છરીના ઘા ઝીંકી દીધાઃ ફસાયેલી છરી સાથે કરણને હોસ્પિટલે ખસેડાયોઃ આરોપી ભાગી જાય એ પહેલા પ્ર.નગર પોલીસે ગણતરીના સમયમાં પકડી લીધો : હત્યા બાદ પ્રવિણે મેં મર્ડર કર્યુ છે, પોલીસ મોકલો...એવો કન્ટ્રોલ રૂમમાં ફોન પણ કર્યો હતો!

ઉપરની તસ્વીરોમાં ઘટના સ્થળ, લોહીના ધાબા, કરણનો મૃતદેહ અને નીચેની તસ્વીરમાં આરોપી પ્રવિણ વાઘેલા સાથે કોન્સ. રમાબેન, સોૈથી છેલ્લે ડીસીપી જગદીશ બાંગરવા, પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાત, પીએસઆઇ આઇ. એમ. બેલીમ નજરે પડે છે
રાજકોટ તા. ૧૪: શહેરના જંકશન રેલ્વે સ્ટેશનની સામે હોટેલ નજીક ફૂટપાથ પર રવિવારે બપોરે ફૂટપાથ પર જ રહેતાં કરણ શિવજીભાઇ ઠાકોર નામના ૨૫ વર્ષના યુવાનની તેના જ મિત્ર પ્રવિણ રમેશભાઇ વાઘેલાએ છરીના બે ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ પ્રવિણે પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કરી મેં મર્ડર કરી નાંખ્યુ છે, પોલીસ મોકલો તેમ કહેતાં પ્ર.નગર પોલીસની ટીમો કામે લાગી હતી. એ દરમિયાન પીસીઆર ઇન્ચાર્જ મહિલા પોલીસ કર્મચારી રમાબેને તેને સકંજામાં લઇ લીધો હતો. ઝપાઝપમીમાં આરોપી પ્રવિણને પણ ઇજા થઇ હોઇ તેને પણ સારવાર અપાઇ હતી. ફૂટપાથની પાળી પર બેસવા મામલે આ ડખ્ખો થયો હતો. સવારે કરણે મિત્ર પ્રવિણને પોતાની પાસે બેસવાની ના પાડી હતી જેથી ડખ્ખો થયો હતો. બપોરે ફરી પ્રવિણ આવતાં ફરીથી માથાકુટ થઇ હતી. આ વખતે ઉશ્કેરાઇ જઇ પ્રવિણે છરીના બે ઘા મારી દીધા હતાં.
આ બનાવમાં કોન્સ. કનુભાઇ ઘેડની ફરિયાદ પરથી પ્રવિણ રમેશભાઇ વાઘેલા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તેને પકડી લેવાયો છે. કનુભાઇ ઘેડે જણાવ્યું હતું કે બપોરે હું જ઼કશન ચોકી ખાતે નોકરી પર હતો ત્યારે એક રાહદારીએ આવી જાણ કરી હતી કે જંકશન રેલ્વે સ્ટેશન સામે આશાપુરા હોટેલ સામે ફૂટપાથ પર બે જણા ઝઘડો કરે છે અને એક લોહીલુહાણ થઇ ગયો છે. જેથી હું તાત્કાલીક પહોંચ્યો હતો અને તપાસ કરતાં ઘાયલને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયાનું જાણવા મળ્યું હતું.
આ વખતે આશાપુરા હોટેલ પર કામ કરતાં વિરેન્દ્રસિંહ જાડેજાને પુછતાં તેણે કહેલું કે કરણ અને પ્રવિણ અમારી હોટેલ સામે ઝઘડતાં હતાં જેમાં કરણને પ્રવિણે છરી મારી દીધી છે. પ્રવિણ રેલ્વે સ્ટેશન કમ્પાઉન્ડ અંદર દોડીને ભાગી ગયો હતો. પ્રવિણ જયહિન્દ હોટેલમાં જ કામ કરે છે. તેમ વિરેન્દ્રસિંહે કહેતાં હું જયહિન્દ હોટલે ગયો હતો અને તેના માલિક યુનુસભાઇને પુછતાં તેણે કહેલુ કે પ્રવિણ વાઘેલા અહિ કામ કરે છે અને મારા મકાનમાં જ રહે છે. તેણે પ્રવિણના મોબાઇલ નંબર મને આપ્યા હતાં. હું આરોપીની તપાસમાં રેલ્વે સ્ટેશન પાછળના વિસ્તારમાં હતો ત્યાં પીસીઆર ઇન્ચાર્જ રમાબેન મળ્યા હતાં અને કહ્યું હતું કે-મને શહેર પોલીસ કન્ટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો છે, પ્રવિણે કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું છે કે-મેં મર્ડર કરર્યુ છે પોલીસને મોકલો. જેથી હું તપાસમાં છું. એ પછી હું હોસ્પિટલે જતથાં ખબર પડી હતી કે કરણને ડોક્ટરે મૃત જાહેર કર્યો છે.
બીજી તરફ આરોપી પ્રવિણ વાઘેલા મળી આવ્યો હતો. તેને પણ ઇજા પહોંચી હોઇ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાને પગલે ડીસીપી જગદીશ બાંગરવા, પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાત, પીએસઆઇ આઇ. એ. બેલીમ સહિતે પહોંચી આરોપીની પુછતાછ કરતાં તેણે કબુલ્યું હતું કે પોતે અને કરણ મિત્ર હતા. પણ હાલમાં કરણ તેને ફૂટપાથની પાળીએ બેસવા દેતો નહોતો. સવારે આ બાબતે માથાકુટ કરતાં પોતે જતો રહ્યો હતો. બપોરે ફરી ત્યાં જતાં કરણે ફરીથી ડખ્ખો કરતાં પોતાને ગુસ્સો આવતાં છરી પોતાની પાસે હોઇ બે ઘા ઝીંકી દીધા હતાં. ઘટના સ્થળે એવી પણ ચર્ચા હતી કે મૃતક અને મારનાર બંને નશાની ટેવ ધરાવતાં હતાં.
હત્યાનો ભોગ બનનાર લગ્ન વગર ચારેક વર્ષથી અંકિતા નામની મહિલા સાથે રહેતો હતો. તેને એક સંતાન પણ છે. અંકિતા જંકશનની દરગાહે બેસી ભીક્ષાવૃતિ કરે છે. બનાવ વખતે તે હાજર નહોતી. દરમિયાન સવારે પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રવિણે પોક મુકી હતી અને પોતાને કરણ હેરાન કરતો હોવાના ગાણા ગાયા હતાં.
(3:13 PM IST)










