News of Monday, 14th October 2024
તારાથી મારી ગાડીને લોક કરાય જ કેમ? મને ઓળખતો નથી, સસ્પેન્ડ કરાવી દઇશ...જમાદારને પાટુ મારી ફરજમાં રૂકાવટ
કોટેચા ચોક નજીક ટ્રાફિકને અડચણરૂપ કારને ટ્રાફિક પોલીસે લોક કરતાં કારના ચાલક અભિષેક જાટકીયા અને તેની બહેને કર્યો ડખ્ખોઃ વિડીયો વાયરલ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં હેડકોન્સ. લખનભાઇ સુસરાએ બંને વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૧૪: શહેરમાં અવાર-નવાર ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો વચ્ચે માથાકુટ થતી રહે છે. રવિવારે ટ્રાફિકને અડચણરૂપ કારને લોક કરવામાં આવતાં આ કારના ચાલકે પોતાની બહેન સાથે મળી ટ્રાફિક જમાદાર સાથે માથાકુટ કરી પાટુ મારી તું કેમ નોકરી કરે છે જોઇ લઇશ, સસ્પેન્ડ કરાવી નાંખીશ, તું મને ઓળખતો નથી? કહી ડખ્ખો કરતાં ઘટનાનો વિડીયો વાયરલ થતાં ગાંધીગ્રામ પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ભાઇ-બહેનની ધરપકડ કરી હતી.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ટ્રાફિક શાખાના હેડકોન્સ. લખનભાઇ રાજાભાઇ સુસરાની ફરિયાદ પરથી મવડી બાપા સિતારામ ચોક, અભિષેક ટેનામેનટ નં. ૪૪ અવધ રેસિડેન્સી શેરી નં. ૨માં રહેતાં અભિષેક નટવરલલા જાટકીયા અને તેની બહેની દીક્ષા નટવરલાલ જાટકીયા વિરૂધ્ધ બીએનએસની કલમ ૧૨૧ (૧), ૨૨૧, ૩૫૧ (૨), ૨૯૬ (બી), ૧૧૪ મુજબ ગુનો નોંધી બંનેની ધરપકડની કાર્યવાહી કરી હતી.
લખનભાઇએ જણાવ્યું હતું કે હું ટ્રાફિક શાખામાં નોકરી પર હતો અને અમારી સાથે એજન્સીના હેલ્પરો જય મકવાણા, ડ્રાઇવર વિશાલ લુણસીયા હતાં. સવારે નો-પાર્કિંગમાં તેમજ ટ્રાફિકને અડચણરૂપ પાર્ક થયેલી કારમાં લોક મારવાની અને ટોઇંગ કરવાની કામગીરી કરવા નીકળ્યા ત્યારે કોટેચા ચોક નજીક સપના સોડાની સામેની તરફ રોડ પર હોન્ડા અમેઝ કાર જીજે૦૩એચએ-૪૯૬૯ સર્કલના ખુણા પાસે ટ્રાફિકને નડતરરૂપ પડી હોઇ અમે લોક માર્યો હતો. બીજી ગાડીઓને પણ લોક માર્યા હતાં અને દંડ વસુલવાની કામગીરી ચાલુ કરી હતી. આ દરમિયાન ૪૯૬૯ નંબરની કારના ચાલકે મારી પાસે આવી ‘તે મારી ગાડીને કેમ લોક માર્યો છે? તું મને ઓળખતો નથી, મારુ નામ અભિષેક જાટકીયા છે, તારાથી મારી ગાડીને લોક મરાતો જ નથી' તેમ કહેવા લાગતાં મેં કહેલુ કે તમારી ગાડી સર્કલના ખુણા પાસે છે અને નો-પાર્કિંગ પણ છે, જેથી લોક માર્યો છે, દડ ભરો અને જતાં રહો. આ સાંભળી અભિષેક સાથે તેના બહેન દિક્ષા જાટકીયા હોઇ તે પણ ઉશ્કેરાઇ ગયેલ. અભિષેકે કહેલું કે તું કેમ નોકરી કરે છે? તે હું જોઇ લઉ છું. તેમ કહી બંનેએ બોલાચાલી કરી મને સાથળ પર પાટુ મારી ગાળો દીધી હતી. તેમજ સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી. આથી મેં પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફનોક રતાં પીસીઆર આવી હતી અને બંને ભાઇ બહેનને તેમાં બેસાડી ગાંધીગ્રામ પોલીસ મથકે લાવી ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં પીએસઆઇ પી. બી. પટેલે ગુનો નોંધી બંનેને સકંજામાં લેવા તજવીજ કરી હતી. આ ઘટનાનો વિડીયો ભારે વાયરલ થયો હતો. જેમાં પોતાને પાટુ મારવામાં આવતાં જમાદારે પણ સાઇડમાં પડેલો લાકડાનો ધોકો ઉપાડી લીધો હતો તે દેખાતું હતું.
(3:15 PM IST)










