તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th October 2024
સોસાયટીના ગેઇટ પાસે સ્વીમિંગ પૂલની પાણીની કૂંડીમાં પડી જતાં બે વર્ષની પ્રિયાંશીનું મોત
અવધ રોડ પર નિર્વાણ ટાવરમાં બનાવમઃ સિક્યુરીટી રૂમમાં રહેતાં નેપાળી દંપતિએ લાડકવાયી ગુમાવી

રાજકોટ તા. ૧૪: કાલાવડ રોડ પર અવધ રોડની નિર્વાણ ટાવર સોસાયટીમાં સિક્યુરીટીની રૂમમાં રહી ચોકીદારી કરતાં અને સાફ સફાઇનું કામ કરતાં નેપાળી દંપતિની બે વર્ષની દિકરીનું સોસાયટીના ગેઇટ પાસે પાણીની કુંડીમાં પડી જતાં ડુબી જવાથી મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ મુળ નેપાળના શેરસીંગ બુઢા અને તેના પત્નિ અનીલા અવધ રોડ પર નિર્વાણ ટાવર સોસાયટીમાં રહી ચોકીદારી અને સાફસફાઇનું કામ કરે છે. ત્રણેક વર્ષથી અહિ રહેતાં દંપતિને પ્રિયાંશી નામની બે વર્ષની દિકરી હતી. આ દિકરી રવિવારે રમતી રમતી સોસાયટીના ગેઇટ નજીક આવેલા સ્વીમિંગ પૂલની પાણીની કુંડી પાસે જતાં તેમાં પડી જતાં ડૂબી ગઇ હતી.
માતા-પિતા કામમાં વ્યસ્ત હોઇ અચાનક દિકરી નજરે ન ચડતાં શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન ફુલડા જેવી દિકરી ત્રણેક ફુટ ઉંડી પાણીની કુંડીમાંથી મળતાં બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ મારફત થતાં યુનિવર્સિટીના એએઅસાઇ એચ. પી. રવૈયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
(4:49 PM IST)










