તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th October 2024
રાજકોટ એસટી ડેપો ઉપર ગત રાત્રે ૭ કલાક વીજળી ગુલ થતા દેકારો મચી ગયો : મુસાફરોના જીવ તાળવે : ઉગ્ર રોષ
જનરેટર - ઇમરજન્સી લાઇટની કોઇ વ્યવસ્થા નહોતી : દિવસે પણ ગઠીયા - લુખ્ખાઓનું રાજ હોય રાત્રે તો સ્થિતિ ભારે ખરાબ બની એસટી મુસાફર હિતરક્ષક સમિતિએ તમામને રજૂઆતો કરી પરંતુ કોઇએ કશું ઉકાળ્યું નહિ : ૭ કલાક અંધારપટથી ઘેરા પડઘા

રાજકોટ તા. ૧૪ : ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન મેઘજીભાઈ રાઠોડ, પટેલ, સોની દીપકભાઈ રાણપરા, નાગજીભાઈ વિરાણી, પટેલ લાખાભાઈ ઊંધાડ, ગજુભા જાડેજા, પટેલ જયંતીભાઈ હિરપરા, પટેલ જીગ્નેશ બોરડ, સરલાબેન પાટડીયા, નિશાબેન સોલંકીની યાદી જણાવે છે કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે. ગઈ કાલે દશેરાની રજા હોય શનિ રવિની પણ રજા હોય રાજકોટ શહેરનું ઢેબર રોડ પરનું એસ.ટી બસ સ્ટેશન હકડેઠઠ મુસાફરોથી ઉભરાતું હતું તેવા સમયે રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર અંધારપટ છવાયો હતો. રાત્રે ૮.૩૦ ની આસપાસ બસપોર્ટમાં મોટો વીજ ફોલ્ટ સર્જાતા કલાકો સુધી મુસાફરો અંધકારમય વાતાવરણમાં રહ્યા અને હેરાનગતિ થઈ. ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારકા ખાતે હોય તેઓને જાણ થતા રાજકોટ એસ.ટી બસ ડેપોના ડેપો મેનેજર, સ્ટેન્ડ ઇન્ચાર્જ, પીજીવીસીએલના અધિકારીઓને અંગે ટેલીફોનિક ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. ગજુભા એ વધુમાં જણાવ્યું હતું કે ૧૭૫ કરોડના ખર્ચે બનેલું એસ.ટી બસ પોર્ટમાં લાઈટ જાય તો જનરેટર કે ઈમરજન્સી લાઈટ ચાલુ કરવા અંગે કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા મુસાફરોના સામાન અને બાળકો સાચવવાની અંધારામાં જવાબદારી આવતા મુસાફરોના જીવ ઉચક થઈ ગયા હતા.
એસ.ટી બસ પોર્ટમા દિવસના પણ લુખ્ખાઓનું સામ્રાજ્ય રહે છે. અને પોલીસની ગેરહાજરીમાં એસ.ટી બસ પોર્ટ માં દિવસના પણ ચોર, ગઠીયા, લુખ્ખાઓ અને અસામાજિક તત્વોનું રાજ ચાલતું હોય ત્યારે કલાકો સુધી સમગ્ર એસ.ટી બસ પોર્ટ પર અંધારપટ હોવાથી મુસાફર હિતરક્ષક સમિતિએ રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર લૂંટફાટ ન થાય કે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે શહેર પોલીસ કંટ્રોલ રૂમ પર જાણ કરી અને રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને પણ જાણ કરી જ્યાં સુધી એસ.ટી બસ પોર્ટ પર રોશની ન થાય ત્યાં સુધી પોલીસ, હોમગાર્ડનો બંદોબસ્ત ફાળવી અને પોલીસની પીસીઆર સ્ટેન્ડ ટુ રાખવા રજૂઆતો કરવામાં આવી. અને પીજીવીસીએલના કસ્ટમર કેરમાં સુપરવાઇઝરને ઇમર્જન્સીમાં બસ પોર્ટની લાઈટ શરૂ કરવા રજૂઆત કરી હતી. તેમ છતાં બસ સ્ટેશનમાં સાતેક કલાક સુધી અંધારપટ છવાયેલો રહ્યો હતો.
એસ.ટી બસ પોર્ટ પર ગઈકાલે જે અંધારપટ ની ઘટના બની અને વીજબત્તી ગુલ થતા પાણી ઉપર ન ચડતા બાથરૂમ અને જાજરૂમાં પાણી બંધ થઈ જતા મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો અને ભારે હાલાકી વેઠવી પડી છે. જે અંગે આધુનિક જમાનામાં બેટરી પર કે જનરેટર પર સામાન્ય લાઈટ પણ ચાલુ ન કરવા માટે બેદરકારી દાખવવામાં આવી છે. ત્યારે આ સમગ્ર ઘટના અંગે તટસ્થ અને ન્યાયિક તપાસ કરી જવાબદારો પાસે પેનલ્ટી વસુલ કરવા માંગણી કરાઇ છે.
(4:19 PM IST)










