News of Monday, 14th October 2024
તાવ-શરદી-ઉધરસ-ઝાડા-ઉલ્ટીએ માઝા મુકીઃ ૧૯પ૦ થી વધુ દર્દી
આરોગ્ય શાખા દ્વારા ૧.૦ર લાખ ઘરોમાં પોરાનાશક કામગીરીઃ ૬ર૪ર સ્થળોએ ફોગીંગ : મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યોઃ ૩૦ કેસ મનપાના ચોપડે નોંધાયા

રાજકોટ તા. ૧૪ :. શહેરમાં દીવસે ને દીવસે મચ્છરજન્ય ડેન્ગ્યુના કેસમાં વધારો થતો જોવા મળે છે. જયારે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના ૧૯૫૦થી વધુ દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.
શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્છરજન્ય રોગ સાથો સાથ પાણીજન્ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડ અને કોલેરાના પણ દર્દી નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૭ થી ૧૩ ઓકટોબર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના ૨૯ કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ૨૪, મેલેરીયાના ૨ તથા ચિકનગુનીયાના ૩ કેસ નોંધાયા છે. સીઝનનાં મેલેરીયાના ૩૦, ડેન્ગ્યુના ૨૭૨ તથા ચિકનગુનિયાના ૩૦ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતા હોવાથી વધુ લોકો હોય તેવા સ્થળોએ આવા રોગ ફેલાવવાનું જોખમ વધુ રહે છે.
શરદી-તાવના ૧૯૫૧ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૧૧૨ તેમજ સામાન્ય તાવના ૬૭૩ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૬૬ તથા ટાઇફોડનો ૩ સહિત કુલ ૧૯૫૦ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૪૦૦૮૮ તેમજ સામાન્ય તાવના ૧૫૭૦૬ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૦૭૮૪ તથા ટાઇફોડનાં ૭૯ તથા કમળાના ૭, મરડાનાં ૧ તથા કોલેરાના ૬ કેસ નોંધાયા છે. ં
મચ્છર ઉત્પતિ સબબ ૮૧૨ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧,૦૨,૩૧૬ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૬૨૪૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૩૩૫ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૮૧૨ લોકોને નોટીસ પાઠવી હતી. જયારે રૂા. ૩૦,૧૦૦ નો વહીવટી ચાર્જ પણ વસુલાયો હતો.
(4:48 PM IST)










