<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

તબિબ યુવતિને ઇન્‍સ્‍ટાગ્રામ ફ્રેન્‍ડ કારખાનેદાર હેમીલ પાદરીયાએ બ્‍લેકમેઇલ કરી ૧ લાખ પડાવ્‍યા

યુવતિ વલસાડ એમબીબીએસ કરતી હતી ત્‍યારે હેમિલે ફ્રેન્‍ડ રિકવેસ્‍ટ મોકલીઃ તે સ્‍કૂલમાં પણ સાથે હોઇ રિક્‍વેસ્‍ટ સ્‍વીકારીઃ પછી ધરાર મિત્રતા રાખવા ધમકી આપવા માંડયોઃ એક વખત વલસાડ જઇ યુવતિને ધમકાવી બીચ પર બોલાવી તેની સાથે ફોટા પાડી લીધા : યુવતિ અભ્‍યાસ પુરો કરીને રાજકોટ આવતાં હેમીલે પરાણે મિત્રતા રાખવા દબાણ કર્યુઃ યુવતિના માતા-પિતાએ સમજાવ્‍યો છતાં ન સમજયોઃ મધરાતે ફોન કરી ગાળો ભાંડી અને બીજા દિવસે ફોટા પોતાના ફેસબૂક-ઇન્‍સ્‍ટાગ્રામમાં સ્‍ટેટ્‍સમાં મુકી તેણીના માતા-પિતાને પણ મોકલ્‍યા : નવરાત્રીમાં ગરબા ગ્રાઉન્‍ડમાં પણ સતત પાછળ ફરી હેરાન કરતાં અંતે ફરિયાદ નોંધાવીઃ ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, પીએસઆઇ પી. એસ. ગોહિલ, નિલેષભાઇ મકવાણા સહિતે ગુનો નાના મવા રોડ નહેરૂનગરમાં રહેતાં કારખાનેદારને નોંધી સકંજામાં લીધો

રાજકોટ તા. ૧૬: એક તબિબ યુવતિ અગાઉ રાજ્‍યના બીજા શહેરમાં મેડિકલ કોલેજમાં ભણતી હતી ત્‍યારે સ્‍કૂલમાં સાથે ભણતાં અને હાલ કારખાનુ ચલાવતાં યુવાને તેને ઇન્‍સ્‍ટાગ્રામમાં ફ્રેન્‍ડ રિક્‍વેસ્‍ટ મોકલી મિત્રતા કેળવી બાદમાં યુવતિ જ્‍યાં ભણતી હતી ત્‍યાં જઇ તેને ધમકાવી બીચ પર બોલાવી ફોટા પાડી લઇ પરાણે ફ્રેન્‍ડશીપ રાખવા દબાણ કરી યુવતિ અભ્‍યાસ પુરો કરી રાજકોટ આવ્‍યા બાદ આ શખ્‍સે ફોટા વાયરલ કરવાની ધમકી દઇ તેણીના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી કટકે કટકે ૧ લાખ પડાવી લીધા બાદ બંનેના ફોટા પોતાના ફેસબૂક, ઇન્‍સ્‍ટાગ્રામ સ્‍ટેટ્‍સમાં મુકી તેમજ તેણીના માતા-પિતા સહિતને મોકલી દઇ છેલ્લે તાજેતરમાં નવરાત્રીમાં તેણી ગરબા રમવા ગઇ ત્‍યાં પણ પાછળ પાછળ જઇ હેરાન કરતાં અંતે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેને અટકાયતમાં લીધો છે.

આ બનાવમાં પોલીસે ભોગ બનનાર એમબીબીએસનો અભ્‍યાસ પુરો કરી ચુકેલી યુવતિની ફરિયાદ પરથી નાના મવા રોડ પર ગ્રાન્‍ડ સેન્‍ટ્રલ મોલ સામે નહેરૂનગર-૪માં રહેતાં કારખાનેદાર હેમીલ હસમુખભાઇ પાદરીયા વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૩૦૮ (૫), ૩૫૧ (૩), ૭૮ મુજબ ગુનો નોંધી તેને સકંજામાં લઇ આગળની કાર્યવાહી કરી છે. ભોગ બનનાર મહિલા તબિબે પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું છે કે એમબીબીએસનો અભ્‍યાસ મેં પુરો કરી લીધો છે અને હવે પી.જીની તૈયારી કરી રહી છું. છએક વર્ષ પહેલા હું એમબીબીએસનો અભ્‍યાસ કરવા વલસાડ ગઇ હતી. ત્‍યાં જ હોસ્‍ટેલમાં રહેતી હતી. ત્‍યારે મારા અઢાર વર્ષ પુરા થઇ ગયા હતાં. હું અભ્‍યાસ વખતે સોશિયલ મિડીયા પર ઇન્‍સ્‍ટાગ્રામનો ઉપયોગ કરતી હતી. ત્‍યારે મને હેમિલ નામના ઇન્‍સ્‍ટાગ્રામ આઇડીમાંથી ફ્રેન્‍ડ રિક્‍વેસ્‍ટ આવતાં મેં તપાસ કરતાં સ્‍કૂલ સમયમાં સાથે અભ્‍યાસ કરતો હેમીલ પદરીયા હોઇ મેં ફ્રેન્‍ડ રિક્‍વેસ્‍ટ એક્‍સેપ્‍ટ કરી લીધી હતી.

ત્‍યારબાદ હું અને હેમીલ ઇન્‍સ્‍ટાગ્રામમાં વાતો કરતાં હતાં અને એ રીતે ફ્રેન્‍ડ બની ગયા હતાં. બાદમાં હેમીલે મોબાઇલ નંબર આપતાં અમે ફોનમાં પણ વાતો કરતાં હતાં. ત્‍યારબાદ હેમીલ સાથે મારે ખુબ સારી ફ્રેન્‍ડશીપ થઇ ગઇ હતી.

વર્ષ ૨૦૧૯માં હેમીલ એક દિવસ મને મળવા વલસાડ આવ્‍યો હતો. હેમીલે કહેલુ કે તું મારી સાથે ફ્રેન્‍ડશીપ રાખ નહિતર તારા પપ્‍પાને અને પરિવારના સભ્‍યોને મારી નાખીશ. એ પછી તેણે મને વલસાડના તીથલ બીચે બોલાવી હતી અને મોબાઇલમાં અમારા બંનેને ફોટા પાડી લીધા હતાં. એ પછી હેમીલ સાથે નોર્મલ ફ્રેન્‍ડશીપ થઇ ગયેલી અને નોર્મલ વાતો કરતાં હતાં. ૨૦૨૩માં અભ્‍યાસ પુરો કરીને હું રાજકોટ આવી ત્‍યારે હેમીલે ફરી ધમકી આપી મને ફ્રેન્‍ડશીપ રાખવા દબાણ કર્યુ હતું અને કહ્યું હતું કે તાર મને પુછ્‍યા વગર કોઇ દિવસ ક્‍યાંય બહાર જવું નહિ, હું કહુ એવા કપડા જ પહેરવા. આ પછી એક દિવસ તેણે વ્‍હોટ્‍સએપમાં મેસેજ કરીને કહેલુ કે તારા અગાઉના ફોટોગ્રાફસ મારી પાસે પડયા છે તે વાયરલ કરી દઇશ અને તને તથા તારા પરિવારના સભ્‍યોને મારી નાંખીશ.

આ ધમકી આપી હેમીલે મારી પાસે ૧ લાખ રૂપિયા માંગતા હું ખુબ ડરી ગઇ હોવાથી મેં તેને ગૂગલ પેથી રૂા. ૩૦ હજાર ટ્રાન્‍સફર કર્યા હતાં. ત્‍યારબાદ પણ તેણે ફ્રેન્‍ડશીપ ચાલુ રાખવા દબાણ કર્યુ હતું. એ પછી ફરી ધમકી આપી રૂપિયા માંગતા મેં ફરીથી ૩૦ હજાર આપ્‍યા હતાં. ત્‍યારબાદ ફરી વખત ધમકી આપી મારી પાસેથી ૪૦ હજાર પડાવ્‍યા હતાં. આમ તેણે ધમકીઓ આપી મારી પાસેથી કુલ ૧ લાખ રૂપિયા પડાવી લીધા હતાં. ઓગષ્‍ટ-૨૦૨૪માં હું હેમીલથી કંટાળી ગઇ હોઇ મેં માતા-પિતાને આ અંગે વાત કરતાં તેમણે હેમીલને સમજાવવા પ્રયાસ કર્યો હતો. પણ તે માન્‍યો નહોતો. એ દરમિયાન ૨૯/૮/૨૪ના રોજ રાતે બે વાગ્‍યે તેણે મને મોબાઇલ પર ફોન કરી ફ્રેન્‍ડશીપ રાખવા દબાણ કરી મારી સાથે ખુબ જ ગાળાગાળી કરી હતી.

બીજા દિવસે હેમીલે વલસાડમાં પાડેલા અમારા ફોટા તેના ફેસબૂક અને ઇન્‍સ્‍ટાગ્રામ સ્‍ટેટસમાં મુકી દીધા હતાં. તેમજ બીજા ફોટા મારા માતા, પિતા, ભાઇ સહિતનાને વ્‍હોટ્‍સએપથી મોકલી દીધા હતાં. એ પછી પણ તે અવાર-નવાર ફોન કરતો હતો પરંતુ હું ઉપાડતી નહોતી. દરમિયાન હાલમાં ૮/૧૦ના રોજ નવરાત્રી વખતે ૧૫૦ રીંગ રોડ પર ગરબાના આયોજનમાં હું મારા પરિવારના સભ્‍યો સાથે ગરબા રમવા ગઇ ત્‍યારે ત્‍યાં પણ હેમીલ આવી ગયો હતો અને ગ્રાઉન્‍ડમાં તે મારી પાછળ પાછળ ફરવા માંડયો હતો. ના પાડી છતાં તે સમજ્‍યો નહોતો. અંતે કંટાળીને મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં તબિબ યુવતિએ જણાવતાં ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનના પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ પી. એસ. ગોહિલ, નિલેષભાઇ મકવાણા સહિતે ગુનો નોંધી આરોપી હેમીલ હસમુખભાઇ પાદરીયા (ઉ.વ.૨૩)ને સકંજામાં લઇ વિશેષ તપાસ યથાવત રાખી છે. હેમીલી હાલમાં કારખાનુ ચલાવે છે.

(3:00 PM IST)