તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th October 2024
સુરતમાં પણ રાજકોટની જેમ લિકર પરમીટ કઢાવવા યુનિટ દિઠ ભાવ વધારો ઝીંકાયો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતીને એક યુનિટ દિઠ ૫ હજાર ચુકવવા પડેઃ ત્રણ યુનિટ હોય તો ૧૫ હજાર લેખે ત્રણ વર્ષના ૪૫ હજાર ચુકવવા પડે છેઃ સુરતમાં જુનો ભાવ ૨૦ હજાર હતો તેમાં ૧૫ હજારનો વધારો થતાં ચુકવવા પડશે ૩૫ હજાર

રાજકોટ તા. ૧૬: ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ તમારી પાસે હેલ્થ પરમીટ-લીકર પરમીટ હોય તો તમે નિયમોને આધીન દારૂ પી શકો છો. જે તે શહેર કે ગામમાં રહેતાં લોકો કે જેમની ઉમર ચાલીસથી વધુ હોય તો તે નશાબંધી શાખામાંથી ફોર્મ મેળવી બાદમાં સિવિલ હોસ્પિટલમાં આરોગ્યને લગતી તમામ તપાસ, પ્રોસીઝરમાંથી પસાર થઇ હેલ્થ પરમીટ મેળવી શકે છે. જો કે જે તે સિવિલ હોસ્પિટલમાં આ તમામ પ્રક્રિયા થયા બાદ ફોર્મ નશાબંધી શાખામાં મોકલવામાં આવતું હોય છે. પરંતુ સિવિલ હોસ્પિટલ દ્વારા જે તે અરજદાર પાસેથી જો તેની પરમીટ મંજુર થાય તો એક યુનિટ દિઠ અલગ અલગ ફી વસુલવામાં આવે છે. આ રકમ રોગી કલ્યાણ સમિતીના નામે ડોનેશન રૂપે લેવાય છે અને તેની પહોંચ પણ અપાય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧ યુનિટ દિઠ રૂા. ૫૦૦૦ લેવામાં આવે છે. જો કોઇના ૩ યુનિટ મંજુર થયા હોય તો તેને એકના ૫ હજાર લેખે ૧૫૦૦૦ (એક વર્ષ પેટે) અને ૪૫૦૦૦ ત્રણ વર્ષ માટે ચુકવવા પડે છે. રોગી કલ્યાણ સમિતી જે તે પરમીટધારક પાસેથી આ રકમ ડોનેશન રૂપે ધરાર લઇ રહી હોવાનો હોબાળો અગાઉ પરમીટ ધારકોએ મચાવ્યો હતો અને ઉપર સુધી રજુઆતો પણ કરી હતી. જો કે આમ છતાં આ ફી વસુલવાનું ચાલુ જ રખાયું છે.
વર્ષો પહેલા રાજકોટમાં આ પ્રકારની કોઇ ફી વસુલાતી નહોતી. પરમીટધારક ઇચ્છે તો અને તો જ તેને રોગી કલ્યાણ સમિતીમાં ડોનેશન આપવાનું હતું. પરંતુ હવે ફરજીયાત ડોનેશન પેટે નક્કી કરેલી રકમ ચુકવવી જ પડે છે. રાજકોટ સિવિલમાં આ રકમ ડીમાન્ડ ડ્રાફટથી અથવા તો ઓનલાઇન સ્વીકારવામાં આવે છે. હવે સુરતમાં પણ ભાવ વધારો ઝીંકાયો છે. તે મુજબ અગાઉ ત્યાં રૂા. ૨૫ હજાર ફી વસુલાતી હતી, તેમાં સીધો ૧૫ હજારનો વધારો ઝીંકાતા પરમીટધારકોને હવે ૩૫ હજાર ચુકવવા પડશે. આ મામલે હેલ્થ પરમીટધારકો, અરજદારોમાં દેકારો મચી ગયો છે. રાજ્યમાં દરેક સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારે હેલ્થ પરમીટ કઢાવવા પોતપોતાની રીતે અલગ અલગ ભાવતાલ નક્કી કરાયા છે. એ પણ ઉલ્લેખનિય છે કે ૪૦ થી ૫૦ વર્ષની વયની વ્યક્તિને - મહિને ત્રણ યુનિટની પરમીટ અપાય છે. જ્યારે ૫૦ થી ૬૫ વર્ષની વયની વ્યક્તિને મહિને ચાર યુનિટ તથા ૬૫ વર્ષ કરતાં વધુ વયની વ્યક્તિને મહિને પાંચ યુનિટ અપાય છે.
(3:45 PM IST)










