<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

નેચરલ પ્રોડકટ અને ઔષધીય રસાયણ સંશોધનના પિતામહ સમા પદ્મવિભૂષણ ડો. સુખદેવનો ૧૦૧ વર્ષની વયે ભાવનગરમાં દેહ વિલય

હજુ ૧૭ જૂને સમગ્ર દેશમાં તેમના ૧૦૧માં જન્‍મદિન નિમિત્તે સંખ્‍યાબંધ કાર્યક્રમો થયા : ઔદ્યોગિક તેમજ ઓર્ગેનિક કેમીસ્‍ટ્રીના ક્ષેત્રે વિશ્વમાં અનુપમ સંશોધનો થયા : ડો. સુખદેવ પાસે તૈયાર થનાર રસાયણ વિજ્ઞાનીઓ દેશમાં મોખરાના સ્‍થાને

રાજકોટ તા. ૧૬ : વિશ્વ વિખ્‍યાત રસાયણવિજ્ઞાની, નેચરલ પ્રોડકટ કેમીસ્‍ટ્રીના પિતામહ સમા, સેંકડો રાષ્‍ટ્રીય કક્ષાના રસાયણ સંશોધકોને તૈયાર કરનાર પદ્મભૂષણ ડો. સુખદેવનું ૧૦૧ વર્ષની વયે ભાવનગરમાં તા. ૧૫મીની મધરાત્રે નિધન થતાં સમગ્ર દેશ - દુનિયાના રસાયણવિજ્ઞાની અને વિજ્ઞાન સંશોધકોમાં શોકનું મોજું ફરી વળ્‍યું છે.

હજુ ૧૭મી જૂને સમગ્ર દેશમાં તેમના ૧૦૧મી વર્ષગાંઠે દેશભરની યુનિ.ઓ, સંશોધન સંસ્‍થાઓ અને રસાયણવિજ્ઞાનીઓએ તેમનો જન્‍મદિવસ અનેકવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરી હતી.

ડો. સુખદેવના સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, રાજકોટના રસાયણ ભવન અને પ્રો. અનામિક શાહ સાથે ખૂબ વ્‍યકિતગત સંબંધો હતા. અને ૨૦૧૨માં ઇન્‍ડીયન કાઉન્‍સીલ ઓફ કેમીસ્‍ટ, ઇન્‍ડીયન સોસાયટી ઓફ કેમીસ્‍ટ એન્‍ડ બાયોલોજીસ્‍ટના એનએફડીડી ‘સેન્‍ટર ઓફ એકસલન્‍સ' ખાતે મુખ્‍ય મહેમાન પદે કોન્‍ફરન્‍સનું ઉદ્‌ઘાટન પ્રવચન કર્યું હતું.

ભાવનગર યુનિ.ના સીનીયર પ્રો. એન.સી.દેસાઇ દસકાઓથી તેમની સાથે સંકળાયેલા રહ્યા અને ડો. સુખદેવે પોતાના કિંમતી ગ્રંથોનો સંચય રસાયણ વિભાગને ભેટ કર્યો હતો. આમ સૌરાષ્‍ટ્રમાં ૧૫થી વધુ વર્ષ રહેવા સાથે તેમને અહીંના સંશોધકો પ્રત્‍યે વિશેષ લાગણી હતી.

(3:47 PM IST)