<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

કાલથી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્‍સવનો શુભારંભઃ ૩૨ સ્‍પર્ધામાં કૌશલ્‍ય ઝળકાવવા સ્‍પર્ધકોમાં થનગનાટ

‘રાષ્‍ટ્રભકિતની સાચી ઓળખ' વકતૃત્‍વ સ્‍પર્ધાનો વિષય : તૈયારીઓને આખરી ઓપ

રાજકોટ તા. ૧૬ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૨ મા યુવક મહોત્‍સવ ‘ઉદેતી' નું ઉદઘાટન આવતીકાલે સવારે શિક્ષણમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્‍તે થશે. કાર્યક્રમમાં અધ્‍યક્ષસ્‍થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે.  કમલસિંહ ડોડીયા તથા ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ચેતનભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્‍થિત રહેશે.

કુલપતિશ્રી પ્રોફે. કમલસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ યુવક મહોત્‍સવની તૈયારીઓ પુરજોશમાં, તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્‍યો.

આ ત્રિદીવસીય યુવક મહોત્‍સવમાં સાહિત્‍ય, કલા અને સાંસ્‍કૃતિક વિભાગમાં કુલ ૩૨ સ્‍પર્ધાઓ યોજાશે. વિદ્યાર્થીઓમાં યુવક મહોત્‍સવમાં ભાગ લેવા અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

યુવક મહોત્‍સવમાં ‘રાષ્ટ્રભકિતની સાચી ઓળખ'એ વકૃત્‍વ સ્‍પર્ધાનો વિષય  રહેશે. દરેક સ્‍પર્ધામાં કુલ ૩ તજજ્ઞો નિર્ણાયક તરીકે સેવા આપશે. આવતીકાલે પ્રથમ દિવસે સાહિત્‍ય, કલા અને સાંસ્‍કૃતિક વિભાગ મળીને કુલ ૧૦ સ્‍પર્ધાઓ યોજાશે. યુવક મહોત્‍સવમાં પ્રથમ દિવસે ૧૦ સ્‍પર્ધાઓમાં કુલ ૫૦૭ વિદ્યાર્થીઓ પોતાની કલા રજૂ કરશે અને પ્રથમ દિવસે કુલ ૩૦ તજજ્ઞો નિર્ણાયક તરીકે સેવાઓ આપશે.

કાલે પ્રથમ દિવસે સાહિત્‍ય વિભાગમાં વકૃત્‍વ સ્‍પર્ધા, ગઝલ શાયરી અને કાવ્‍યલેખન તથા કિવઝ સ્‍પર્ધાઓ યોજાશે. કાલે પ્રથમ દિવસે કલા વિભાગમાં હસ્‍તકલા હોબી, સર્જનાત્‍મક કામગીરી તથા તત્‍કાલ છબીકલા સ્‍પર્ધાઓ યોજાશે. કાલે પ્રથમ દિવસે સાંસ્‍કૃતિક  વિભાગમાં પ્રાચિન રાસ, દુહા છંદ, વેસ્‍ટર્ન ગ્રુપ સોંગ, હાલરડા તથા સમૂહ લોકવાદ્ય સંગીત સ્‍પર્ધાઓ યોજાશે.

આ વર્ષે સૌપ્રથમવાર કુલપતિશ્રી પ્રોફે.  કમલસિંહ ડોડીયા દ્વારા વિદ્યાર્થીનીઓના પ્રશ્નોના નિવારણ માટે ‘મહિલા કમિટી' ની રચના કરવામાં આવી. ૫૨ મા યુવક મહોત્‍સવને સફળ બનાવવા કુલપતિના માર્ગદર્શન હેઠળ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશભાઈ રાબા, કે.કે. બાવડા, ઉમેશભાઈ માઢક, મૌનિકભાઈ ગઢવી તથા તમામ કમિટીના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે

(3:54 PM IST)