<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડના આરોપી પૂર્વ ટી.પી.ઓ. મનસુખ સાગઠિયાની

અપ્રમાણસર મિલ્‍કતના કેસમાં ચાર્જશીટ બાદની જામીન અરજી રદ : ૧૨ વર્ષના ટુંકાગાળામાં ૨૪ કરોડની અપ્રમાણસર મિલ્‍કતને ગંભીરતાથી લેતી કોર્ટ : જામીન અપાશે તો સાક્ષી ફોડવા - વિદેશ ભાગી જવાની શક્‍યતા છે : સ્‍પે. પી.પી. એસ.કે.વોરાની દલીલો કોર્ટે સ્‍વીકારી

રાજકોટ તા. ૧૭ : રા.મ્‍યુ. કોર્પો. માં વર્ષ-૨૦૨૪ માં ટાઉન પ્‍લાનીંગ ઓફીસર તરીકે ફરજ બજાવતા મનસુખ ધનજીભાઈ સાગઠીયાની ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડમાં જણાયેલ સંડોવણી બાદ ૨૪ કરોડ ની અપ્રમાણસર મિલ્‍કત વાળા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળના કેસમાં રાજકોટની ખાસ અદાલતના જજ શ્રી વી.એ.રાણાએ ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરેલ છે.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, તા. ૨૮/૦૫/૨૦૨૪ ના રોજ ટી.આર.પી. ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડ અંગે નોંધાયેલ કેસમાં પોલીસ તપાસ દરમ્‍યાન ટી.પી.ઓ. શ્રી એમ.ડી.સાગઠીયા અને ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ જીવાભાઈ ઠેબાની સંડોવણી અને ગેરરીતીઓ જણાઈ આવેલ હતી. આથી પોલીસ તપાસ દરમ્‍યાન તેઓ પાસેથી તેમની કાયદેસરની આવક કરતા અનેક ગણી અપ્રમાણસરની મિલ્‍કતો મળી આવેલ હતી. આ હકીકતની જાણ એ.સી.બી. પોલીસ સ્‍ટેશનને ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા વિરુધ્‍ધ ૨૪ કરોડની અપ્રમાણસર મિલ્‍કત ધારણ કરવા અંગેના ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ હતો. આ ગુનાની તપાસ દરમ્‍યાન મનસુખ સાગઠીયાની ૧૨ વર્ષની કુલ આવક બાદ કરતા રૂ. ૨૪ કરોડ ની અપ્રમાણસર મિલ્‍કત જેમાં ૧૩ કરોડ રૂપિયા રોકડા અને ૧૫ કરોડના દાગીના મળી આવેલ હતા. આ રીતે તેમની કાયદેસરની આવક બાદ કરતા રૂ. ૨૪ કરોડ અપ્રમાણસર મિલ્‍કત તરીકે જણાઈ આવેલ હતું.

આરોપી સાગઠીયા વિરૂધ્‍ધના આ કેસમાં ચાર્જશીટ બાદ જામીન અરજી વખતે આરોપી તરફે રજુઆત કરવામાં આવેલ હતી કે અમુક મિલ્‍કતો આરોપીને ૨૦૦૦ ની સાલની હતી, તેમજ પોલીસ તપાસ પુર્ણ થઈ ગયેલ હોવાથી આરોપી સાગઠીયાને જયુડીશ્‍યલ કસ્‍ટડીમાં રાખવાની કોઈ જરૂરિયાત નથી.

શ્રી સરકાર તરફે સ્‍પે. પબ્‍લિક પ્રોસીકયુટર શ્રી એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, કાયદાની જોગવાઈ મુજબ કોઈપણ સરકારી અધિકારી પોતાના કે પોતાના પરીવારજનના નામે મિલ્‍કત ખરીદે ત્‍યારે આવી ખરીદી અંગે સરકારશ્રી ને જાણ કરવાની રહે છે. આરોપીએ આવી મિલ્‍કત ખરીદાયેલા હોવા અંગે સરકારશ્રી ને જણાવેલ હોય તેમ આરોપીને કોઈ બચાવ નથી. આ ઉપરાંત જે જગ્‍યાએથી રોકડ રકમ અને સોનાના દાગીના મળી આવેલ તે ઓફીસ મનસુખ સાગઠીયાના ભાઈ દિલીપ સાગઠીયાની છે પરંતુ દિલીપ સાગઠીયા આ મિલ્‍કતો પોતાની હોવાનું જણાવતા નથી. તેથી આ તમામ દાગીના અને રોકડ રકમ આરોપી મનસુખ સાગઠીયાની હોવાનું અનિવાર્યપણે જણાય છે. ખાસ કરીને દલીલ કરવામાં આવેલ કે અગ્નિ કાંડ થયા બાદ આરોપી સાગઠીયાએ પોતાનો બચાવ ઉભો કરવા મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં ખોટા ઠરાવો અને ખોટી મિનિટસ બનાવેલ હતી. આવી ફોર્જરી અંગેને અલગથી ફોજદારી કેસ મનસુખ સાગઠીયા વિરૂધ્‍ધ નોંધાયેલ છે.

આરોપીની આ પ્રકારની ચાલ ચલગત હોય ત્‍યારે હાલના કેસમાં જામીન આપવામાં આવે તો આ કેસમાં પણ આરોપી પોતાના માટે ખોટા બચાવો ઉભા કરે અને સાક્ષીઓને ફોડે તેવી પુરેપુરી શક્‍યતા રહેલી છે. આ ઉપરાંત આરોપી સામે જયારે આટલા બધા કેસો હોય ત્‍યારે તેઓ જામીન મળ્‍યેથી દેશ છોડી નાશી જાય તેવી પણ પ્રોસીક્‍યુશનને દૂઢ શંકા છે. આ તમામ કારણોસર આરોપી સાગઠીયાની જામીન અરજી રદ કરવી જોઈએ. આ કેસમાં સરકાર તરફે સ્‍પે. પબ્‍લિક પ્રોસીક્‍યુટર શ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા

(12:26 PM IST)