તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 17th October 2024
કલા - સાહિત્ય - સાંસ્કૃતિક સ્પર્ધામાં કૌશલ્ય ઝળકાવવા વિદ્યાર્થીઓમાં થનગનાટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવનો પ્રારંભ
૮૨ કોલેજોના ૧૮૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો : શિક્ષણ મંત્રી ઋષીકેશ પટેલ - પ્રફુલ પાનસેરીયાનો રાજકોટનો પ્રવાસ અચાનક રદ્દ : શુભેચ્છા પાઠવી

રાજકોટ તા. ૧૭ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૨મો યુવક મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે. કલા - સાહિત્ય અને સાંસ્કૃતિની ૩૩ સ્પર્ધામાં કૌશલ્ય ઝળકાવવા વિદ્યાર્થીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.
આ ત્રિદીવસીય યુવક મહોત્સવમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગમાં કુલ ૩૨ સ્પર્ધાઓ યોજાશે. વિદ્યાર્થીઓમાં યુવક મહોત્સવમાં ભાગ લેવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
યુવક મહોત્સવમાં ‘રાષ્ટ્રભકિતની સાચી ઓળખ'એ વકૃત્વ સ્પર્ધાનો વિષય રહેશે. દરેક સ્પર્ધામાં કુલ ૩ તજજ્ઞો નિર્ણાયક તરીકે સેવા આપશે. આજે પ્રથમ દિવસે સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગ મળીને કુલ ૧૦ સ્પર્ધાઓ યોજાશે. યુવક મહોત્સવમાં પ્રથમ દિવસે ૧૦ સ્પર્ધાઓમાં કુલ ૫૦૭ વિદ્યાર્થીઓ પોતાની કલા રજૂ કરશે અને પ્રથમ દિવસે કુલ ૩૦ તજજ્ઞો નિર્ણાયક તરીકે સેવાઓ આપશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવાનોમાં રહેલી સુશુપ્ત શકિતઓને બહાર લાવવા અને યુવા પ્રતિભાને પ્રોત્સાહિત અને પુરસ્કૃત કરવા તેમજ યુવાનોની શક્તિને પ્રગટાવતી વિવિધ સ્પર્ધાઓમાં હજારો સ્પર્ધકો સામેલ થાય તેવા શુભ હેતુથી પ્રતિવર્ષ યુવક મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૨મો યુવક મહોત્સવ ‘ઉદેતી' (સુર્યોદયની તિથિ) નું આયોજન આગામી તા. ૧૭, ૧૮ અને ૧૯ ઓકટોબર ત્રણ દિવસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે પ્રારંભ થયો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનાર યુવક મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જીલ્લાઓની ૮૨ કોલેજોના કુલ ૧૮૦૩ સ્પર્ધકો કલા, સાંસ્કૃતિક અને સાહિત્ય એમ ત્રણ વિભાગોની જુદી જુદી ૩૩ ઈવેન્ટસ માં સહભાગી થવા માટે થનગની રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરમા યુવક મહોત્સવ ‘ઉદેતી'નું ઉદઘાટન તા. ૧૭ને ગુરૂવારના ૧૨ કલાકે કેબીનેટ કક્ષાના શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાના હસ્તે થવાનું હતું પરંતુ બંને મંત્રીનો કાર્યક્રમ અચાનક રદ્દ થયો છે.
યુવક મહોત્સવને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ, એકઝીકયુટીવ કાઉન્સિલના સભ્યશ્રીઓ, ભવનોના અધ્યક્ષશ્રીઓ, સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ, યુનિવર્સિટીના અધિકારીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા કુલપતિશ્રી પ્રોફે. (ડો.) કમલસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ યુવક મહોત્સવ યોજાયો છે.(૨૧.૮)
(12:39 PM IST)










