<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

કોઇ કેન્દ્રિય કર્મચારી લાંચ માંગે તો તરત અમારો સંપર્ક કરો : CBI-ACB ૨૪ કલાક ફરિયાદો લ્યે છે

ચેમ્બરના ઉપક્રમે CBI-ACB ગાંધીનગરના સહયોગથી 'એન્ટી કરપ્શન' અંગે યોજાયો કાર્યક્રમ : CBI-ACB ગાંધીનગરના ડે.સુપ્રિ. રામપ્રસાદ તથા પીઆઇ નિરજ મલિક ખાસ હાજર રહયા

રાજકોટ, તા.૧૭ : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા CBI-ACB ગાંધીનગર બ્રાન્ચના સંયુકત ઉપક્રમે 'એન્ટીકરપ્શન એકટીવીટીઝ' અંગે પબ્લીક અવરનેશ કાર્યક્રમનું રાજકોટ ચેમ્બરના કોન્ફરન્સ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં CBI-ACB ગાંધીનગર બ્રાન્ચના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસશ્રી રામ પ્રસાદ તથા પોલીસ ઈન્સ્પેકટરશ્રી નિરજ મલિક ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૃઆતમાં મા.મંત્રી નૌતમભાઈ બારસિયાએ સૌને આવકારી ભ્રષ્ટાચાર સામે કેવી રીતે લડવું અને તે માટે કેવી રીતે કાર્યવાહી કરવી તેની સંપુર્ણ માહિતી માટે આ પ્રોગ્રામ ખુબ જ ઉપયોગી બની રહેશે.

પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવએ પ્રાસંગીક ઉદબોધન કરતા જણાવેલ કે, CBI-ACB ગાંધીનગર બ્રાન્ચના અધિકારીઓ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આનંદની લાગણી વ્યકત કરી. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વેપાર-ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીઓના યોગ્ય નિરાકરણ લાવવા માટે હંમેશા અગ્રેસર રહી મહત્વની ભુમિકા ભજવે છે. ત્યારે વેપાર-ઉદ્યોગકારો સાથે છેતરપીંડી થાય કે અધિકારીઓ પરેશાન કરે તો તેનો ઉકેલ લાવવા અમે સુંપુર્ણ સહયોગ આપીશું. વધુમાં લોકોના મનમાં ડર છે કે લાંચ આપવી કે ન આપવી અને તેમાંથી કેવી રીતે બચી શકાય તે માટે અધિકારીશ્રીઓ દ્વારા સંપુર્ણ માહિતી પુરી પાડવામાં આવશે. આવનારા દિવસોમાં ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં આપણે સૌ સહભાગી બનીએ તેવી સૌને અપીલ કરેલ.

ત્યારબાદ CBI-ACB ગાંધીનગર બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટરશ્રી નિરજ મલિકએ  આ પ્રોગ્રામનું આયોજન કરવા બદલ આભાર વ્યકત કરતા જણાવેલ કે, છેલ્લા બે મહિનાથી ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાતમાં સર્વે કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકોને ખ્યાલ નથી કે CBI-ACB કેવી રીતે કાર્ય કરી રહ્યું છે તેની લોકોમાં અવરનેશ લાવવી ખુબ જ જરૃરી છે. ઘણીવાર એવું બને છે કે બ્રાન્ચના નકલી અધિકારીઓ બની ફોન કરીને લોકો સાથે ફ્રોડ થઈ રહ્યો છે. ત્યારે CBI-ACBની ગુજરાતમાં માત્ર ગાંધીનગર ખાતે જ બ્રાન્ચ છે એટલે કોમ્યુનીકેશન કરતા પહેલા તકેદારી રાખવી જોઈએ. CBI-ACB માત્ર કેન્દ્રીય કર્મચારીઓના કેસ હેન્ડલ કરે છે. વધુમાં જે કોઈ કેન્દ્રીય કર્મચારી લાંચ માંગે તો તુરંત જ અમારો સંપર્ક કરો અને તે માટે અમો ૨૪ કલાક ફરીયાદો લઈ રહ્યા છીએ. ખાસ કરીને નામજોગ ફરીયાદ કરવી, ખોટી અથવા નામ વગરની ફરીયાદો ધ્યાને લેવાશે નહી. જે ફરીયાદ આવશે તે ડાયરેકટ હેડ બ્રાન્ચમાં જશે અને તે ગુપ્ત રાખવામાં આવશે અને ત્યાંથી અધિકારીની નિમણુંક કરી ફરીયાદીનો સંપર્ક કરી ટ્રેપ ગોઠવીને ધરપકડ કરશે. તેમજ ૬૦ કે ૯૦ દિવસ સુધી જેલવાસ ભોગવી અધિકારી છુટો થશે તો તેને તે જગ્યાએ પોસ્ટીંગ અપાશે નહી તેમજ ફરીયાદીના અટકેલા કામ પણ પુરા કરાવી દેવામાં આવશે. વર્ષ ૨૦૧૮ પછી સરકારશ્રી દ્વારા નિયમમાં ફેરફાર કરવામાં આવેલ છે કે જો તમે પણ લાંચ આપો છો તો તમારી ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ જો ૭ દિવસની અંદર CBI-ACBને જાણ કરવામાં આવે તો તેમને સાક્ષી ગણીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ અધિકારીઓની આવક કરતા અપ્રમાણસર મિલ્કત હોય, અનુચિત નાણાંકીય લાભ માટે તેની સત્તાવાર સ્થિતીનો દુરપયોગ વિગેરે માટે અમોને ફરીયાદ કરી શકશો. તે માટે લોકોને વોટસએપ ફોનનં. ૯૯૭૮૯૪૨૫૦૧, ૦૭૯-૨૩૨૩૪૩૦૧ તેમજ ઈમેઈલઃ [email protected] પર ફરીયાદ કરી શકાશે, લેખિતમાં અરજી મોકલવા માટે CBI ACB, સેકટર-૧૦/એ, ચ-૩, સર્કલ પાસે, કર્મયોગી ભવનની સામે, ગાંધીનગર-૩૮૨૦૧૦ પર મોકલી શકાશે. ત્યારબાદ ઉપસ્થિત સભ્યોશ્રીઓ દ્વારા પુછાયેલા પ્રશ્નો અંગે CBI-ACB ના અધિકારીશ્રીઓ દ્વારા સંતોષકારક પ્રત્યુતર આપવામાં આવ્યા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને સભ્યશ્રીઓનો રાજકોટ ચેમ્બરના મા. મંત્રીશ્રી નૌતમભાઈ બારસીયાએ આભાર વ્યકત કરેલ. તેમ રાજકોટ ચેમ્બરની  યાદીમાં જણાવેલ છે.

(2:29 PM IST)