<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

રાજકોટ યાર્ડમાં મગફળીની ૪૫ હજાર અને કપાસની ૨૧ હજાર મણની જંગી આવકો

મગફળીની આવકો વધતા ભાવમાં ૧૦૦ રૃા.નું ગાબડુ : કપાસના ભાવો સ્થિર : મગફળી ભરેલા વાહનોની મારવાડી યુનિ. સુધી કતારો લાગી

રાજકોટ તા. ૧૭  : રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મગફળી અને કપાસની જંગી આવકો થઇ હતી. મગફળી ભરેલા ૫૫૦થી વધુ વાહનોની બેડી યાર્ડથી મારવાડી યુનિ. સુધી લાંબી કતારો લાગી હતી.

રાજકોટ યાર્ડમાં આજે મગફળીની ૪૫ હજાર ગુણીની આવકો થઇ હતી. મગફળી ઝીણી એક મણના ભાવ ૯૮૦ થી ૧૩૧૦ રૃા. તથા મગફળી જાડીના ૧૦૫૦ થી ૧૨૨૦ રૃા.ના ભાવે સોદા પડયા હતા. મગફળીની આવકો વધતા મગફળીના ભાવમાં મણે ૧૦૦ રૃા.નું ગાબડુ પડયાનું વેપારી સૂત્રોએ જણાવ્યું હતું. અગાઉ મગફળીના ભાવ ૯૫૦ થી ૧૩૫૦ રૃપિયા હતા.

રાજકોટ યાર્ડમાં ગતરાત્રીથી જ મગફળી ભરેલા ૫૫૦થી વધુ વાહનોની બેડી યાર્ડથી મારવાડી યુનિ. સુધી લાંબી કતારો લાગી હતી. કોઇ અવ્યવસ્થા ન સર્જાઇ તે માટે યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, યાર્ડના ડિરેકટરો તથા યાર્ડનો સ્ટાફ ખડેપગે રહ્યો હતો.

મગફળીની સાથે કપાસની ૧૧ હજાર ભારી એટલે કે ૨૧ હજાર મણની આવકો થઇ હતી. કપાસ એક મણના ભાવ ૧૧૩૦થી ૧૬૯૦ રૃા.ના ભાવે સોદા પડયા હતા. કપાસના ભાવો સ્થિર હોવાનું વેપારી સૂત્રોએ જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં વરાપ નીકળતા મગફળી અને કપાસની આવકો હજુ વધશે તેમ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.

(2:35 PM IST)