<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

કોટેચા ચોક - રૈયા ટેલીફોન એકસચેન્‍જે નવા સર્કલ બનશે : કામ શરૂ

શહેરની ટ્રાફિક સમસ્‍યા હળવી કરવાની સાથે ચોકનું બ્‍યુટીફિકેશન જાળવી રાખવા મનપા દ્વારા કવાયત : બેડી - કટારીયા ચોકના સર્કલ રદ્દ

શહેરની ટ્રાફિક સમસ્‍યા હળવી કરવા મ્‍યુનિ. કોર્પોરેશનના ટ્રાફિક ટ્રાન્‍સપોર્ટ વિભાગ દ્વારા વિવિધ વિસ્‍તારના મુખ્‍યમાર્ગો પરના સર્કલોનો સર્વે હાથ ધરી નવ સર્કલો ટુંકા કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અન્‍વયે કોટેચા ચોક તથા ૧૫૦ ફુટ રીંગ રોડ પરના રૈયા ટેલીફોન એક્ષચેન્‍જ પાસેના સર્કલો નવા કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. (તસ્‍વીર : અશોક બગથરિયા)

રાજકોટ તા. ૧૭ : શહેરમાં ટ્રાફિક સમસ્‍યા દિવસે દિવસે વિકરાળ સ્‍વરૂપ ધારણ કરી રહી છે. શહેરના મુખ્‍ય ૭ર સર્કલ ઉપર ટ્રાફિક નિયંત્રણ કાબુ બહાર જતું હોવાનું અને ટ્રાફિકજામના દ્રશ્‍યો અવાર નવાર સર્જાઈ રહ્યા છે. જેમાં ટ્રાફિક સર્કલ ઉપર કરવામાં આવેલા બાગ બગીચાઓ તેમજ એજન્‍સીઓ દ્વારા સર્કલને ડેવલોપ કરવામાં આવ્‍યું હોય જેમાં રોડનો મોટોભાગ કપાઈ જતો હોય હવે મહાનગરપાલિકાએ અનેક સર્કલો નાના કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત એજન્‍સીને સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી. પ્રથમ તબક્કે ૧૫ સર્કલનો સર્વે કરાયો હતો.

જ્‍યારે મુખ્‍ય ૮ સર્કલોનો સર્વે પુરો થતા હવે આસર્કલોની નવીડિઝાઈન તૈયાર કરી સર્કલ નાના અને સેડ મોટા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે મુજબ કોટેચા ચોક તથા રૈયા ટેલીફોન એકસચેન્‍જના સર્કલનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્‍યું છે.

શહેરમાં અનેક સર્કલો ઉપર બ્‍યુટીફીકેશન કરવાના કારણે રોડનો મોટોભાગ તેમાં રોકાઈ જાય છે. પરિણામે વાહન ચાલકોને પુરતા પ્રમાણમાં જગ્‍યા મળતી ન હોવાથી અવાર નવાર ટ્રાફિકજામ થતાં હોય છે. જેના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા પણ ટ્રાફિક નિયમન કરવામાં મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે. પરિણામે શહેર ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકના સંયુક્‍ત ઉપક્રમે મીટિંગ યોજાઈ હતી. જેમાં ડેવલોપ કરવામાં આવેલા સર્કલોની નવેસરથી ડિઝાઈન તૈયાર કરી રોડ વધુને વધુ ખુલ્લો રહે અને ટ્રાફિકમાં સરળતા રહે તેવી ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે જેથી ટ્રાફિક સમસ્‍યા મહદ અંશે હલ થઈ શકે

ત્રણેય ઝોનના ૭૨ સર્કલોનું લીસ્‍ટ તૈયાર કરવામાં આવ્‍યું હતું. એજન્‍સી દ્વારા સીસીટીવી કેમેરાના આધારે કમાન્‍ડ એન્‍ડ કન્‍ટ્રોલ ખાતે વાહનોની અવર-જવર તેમજ વાહનોની સંખ્‍યા અને ક્‍યા કારણોસર ટ્રાફિક થાય છે.

તે સહિતનો અભ્‍યાસ કરવામાં આવ્‍યો હતો. પ્રારંભીક ધોરણે કોટેચા ચોક સહિતના ૮ સર્કલોનો સર્વે પૂર્ણ થતા હવે આ સર્કલ ઉપર જૂની ડિઝાઈન રદ કરી નવી ડિઝાઈન પ્રમાણે બ્‍યુટીફીકેશન પણ જળવાઈ રહે અને ટ્રાફિક સમસ્‍યા પણ હલ થાય તે મુજબની નવી ડિઝાઈન તૈયાર કરાઇ છે.

જયારે બાકી રહેલા સર્કલોનું પણ રિપોર્ટના આધારે આગામી દિવસોમાં હાલમાં રિપોર્ટ આવેલ છે તે મુજબ સર્કલોનું નવેસરથી ડેવલોપીંગ કામ કરવામાં આવશે. તેમજ જે તે એજન્‍સીને આ સર્કલ આપવામાં આવ્‍યું હોય તેમણે નવી ડિઝાઈન તૈયાર કરવાની સુચના આપવામાં આવી હતી. અને ડિઝાઈન તે મુજબના સર્કલ તૈયાર કરવામાં આવશે. જ્‍યારે બેડી ચોક, કટારીયા ચોક સહિતના ૨ ચોક રદ્દ કરેલ છે.(૨૧.૧૯)

ક્‍યા કયા સર્કલમાં

થશે ફેરફાર

સોરઠીયા વાડી સર્કલ

સ્‍વામિનારાયણ ચોક

મોકાજી સર્કલ

જિલ્લા પંચાયત ચોક

કિસાનપરા ચોક

મોટી ટાંકી ચોક

વગડ ચોક

કોટેચા ચોક

આ સર્કલ રદ્દ થશે

બેડી ચોક

કટારીયા ચોક

(3:13 PM IST)