News of Friday, 18th October 2024
એકસ્ટ્રા એસ.ટી. બસોમાં વસુલાતા ભાડા વધારે, ઉઘાડી લુંટ સમાનઃ મુસાફર હિતરક્ષક સમિતિ
શાસકોના કાર્યક્રમો માટે બસનો ઉપયોગ થાય તેના કરોડો લેણા નિકળે છે, પહેલા એ વસુલો પછી મુસાફરોના ખીસ્સામાં હાથ નાખજોઃ મુખ્યમંત્રી અને વાહનવ્યવહાર મંત્રીને રજુઆત

રાજકોટ તા.૧૮: ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન મેઘજીભાઈ રાઠોડ, પટેલ નાગજીભાઈ વિરાણી, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, ફુલાબેન ચૌહાણ, સીનીયર સીટીઝન પ્રવીણભાઈ લાખાણીની સંયુક્ત યાદીમાં જણાવેલ છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એ મુસાફરોના હિતને ધ્યાનમાં લઇ અને કામ કરતી નિગમની સેવા સંસ્થા છે આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ મુસાફરોને નહીં નફો નહીં નુકસાનના ધોરણે કામ કરવાનો ઉદ્દેશ્ય છે.
રાજ્યમાં એસટીમાં રોજ ૨૫ લાખ મુસાફરો અવરજવર કરી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી) દ્વારા ડીઝલના ભાવો વધવાને પગલે એસ.ટીમાં ૨૫% જેવો તોતિંગ ભાડા વધારો કરવામાં આવ્યો હતો. જે પગલે એસ.ટી નિગમને ૬૮૭.૪૨ કરોડ વાર્ષિક માતબર રકમ મળવાપાત્ર થઈ હતી ત્યારબાદ ગત લોકસભાની ચૂંટણી પહેલા ડીઝલના ભાવોમાં રૂ.૨ નો ઘટાડો કરવામાં આવ્યો હતો. અને તેમ છતાં એસ.ટી નિગમ દ્વારા કોઈ જાતનો ભાડા ઘટાડો કરવામાં આવ્યો નથી જે પગલે એસ.ટી ને અંદાજે વાર્ષિક ૧૨૦૦ કરોડ રૂપિયા જેવી માતબર રકમ મુસાફરોના ખિસ્સા ખંખેરવામાં થઇ હોવાનો આક્રોશ આ આગેવાનોએ વ્યકત કર્યો છે.
વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્ય માર્ગ દ્વારા નિગમ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં લઈને ૮૩૪૦ વધારાની બસો દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તેને અભિનંદન સાથે આવકારીએ છીએ પરંતુ આ એકસ્ટ્રા બસોમાં ખાનગી બસોની જેમ એસ.ટી તંત્ર દ્વારા પણ મુસાફરો પાસેથી ગરજનો ભાવ હોય એ પ્રકારે ઉઘાડી લુટ ચલાવવામાં આવશે તેનો સખત શબ્દોમાં વિરોધ છે. હાલ ગાંધીનગરનું ભાડું રૂ. ૧૯૪ છે પરંતુ એકસ્ટ્રા બસોમાં રૂ.૨૩૯ એટલે કે રૂ.૪૫ આ પ્રકારે દરેક શહેરોમાં એકસ્ટ્રા બસોમાં અવર-જવર કરનારા મુસાફરો પાસેથી ૨૫ થી ૪૫ રૂપિયા જેવો ભાડા વધારો ઠોકી બેસાડવામાં આવ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીએ એસ.ટીમાં જ્યારે ભાડા વધારો કરવામાં આવ્યો ત્યારે જણાવ્યું હતું કે મુસાફરોને ઓછા મુસાફરી ભાડામાં આધુનિક ઇન્સ્ફાસ્ટ્રક્ચર સાથે સારી સવલતો આપવા રાજ્ય સરકાર એસ.ટી કટિબધ્ધ છે ત્યારે ઓછા ખર્ચે સારી સુવિધા આપવી ઘટે આ પ્રકારે તોતિંગ ભાડા વધારો કરી ત્યારબાદ એકસ્ટ્રા બસોમાં ઉઘાડી લુટ કરી મુસાફરોના ખિસ્સા ખંખેરવાની નીતિની કડક શબ્દોમાં આલોચનાાને પાત્ર છે. આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઇ સંઘવીને ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિએ એકસ્ટ્રા બસોના ભાડા વધારા નું નિર્ણય રદ કરી ફેર-વિચારણા કરી ભાડા વધારાનો બોજ રાજ્યના ૨૫ લાખ મુસાફરો માટે ન લાદવા રજૂઆતો કરવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી અને વડાપ્રધાનના કાર્યક્રમોના ઉપયોગ માટે મુસાફરોને રઝડાવીને જે એસ.ટી.ની બસો રાજકીય રીતે ઉપયોગમાં લેવાય હતી તેના આજની તારીખે અંદાજે ૪૫ કરોડ જેવી રકમ રાજ્ય સરકાર પાસે લેણી નીકળે છે. ત્યારે શાસકો પહેલા તો આ કરોડો રૂપિયાની જે રકમ બાકી તે એસ.ટી નિગમને જમા કરાવે તો એકસ્ટ્રા બસોમાં ભાડા વધારાની આવશ્યકતા રહેતી નથી તેમ અંતમાં ગજેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઈ આસવાણી, એડવોકેટ ઈન્દુભા રાઓલ, મેઘજીભાઈ રાઠોડે જણાવ્યું છે
(2:42 PM IST)










