<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

સ્‍વચ્‍છતા સૈનિકોને સન્‍માન આપવું એ આપણી સોૈની નેતિક ફરજ છેઃ શ્રીમતિ અંજના પવાર

સફાઇ કર્મચારીઓના રાષ્‍ટ્રીય આયોગના ઉપાધ્‍યક્ષે સિવિલ હોસ્‍પિટલમાં કામદારોના પ્રશ્નોની સમિક્ષા કરી નિવારણ કર્યુ શ્રીમતિ અંજના પવારે સિવિલ પરીસરની મુલાકાત લીધીઃ ઇન્‍ચાર્જ અધિક્ષક ડો. હેતલ કયાડા અને ટીમે વિગતો પુરી પાડી

રાજકોટઃ ભારત સરકારના સફાઈ કર્મચારીઓના રાષ્‍ટ્રીય આયોગના ઉપાધ્‍યક્ષ શ્રીમતિ અંજના પંવારે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે હોસ્‍પિટલના સફાઈ કર્મચારીઓના  પ્રશ્નો અંગે અધિકારીઓ, સફાઈ કર્મચારીઓ, એજન્‍સી સાથે બેઠક યોજી હતી. બાદમાં તેમણે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ પરિસર તેમજ ઈમરજન્‍સી વિભાગની મુલાકાત લીધી હતી. આ સાથે સ્‍થળ પરના સફાઈ કર્મચારીઓ સાથે વાત કરીને તેમને અપાતી સુવિધાઓ તથા સ્‍થિતિની સમીક્ષા કરી હતી. સિવિલ હોસ્‍પિટલ ખાતેની બેઠકમાં શ્રીમતિ પંવારે જણાવ્‍યું હતું કે, સફાઈ કર્મચારીઓનું રાષ્‍ટ્રીય આયોગ તમામ રાજ્‍યોમાં જઈને મેન્‍યુઅલ સ્‍ક્‍વેન્‍જર્સ, સફાઈ કર્મચારીઓ અને તેમના આશ્રિતોના આર્થિક, સામાજિક, શૈક્ષણિક પુનઃવસન તેમજ કલ્‍યાણની સ્‍થિતિની સમીક્ષા કરે છે. સમાજના છેવાડાના ગણાતા લોકોને મુખ્‍ય ધારામાં જોડવાના હેતુથી અધ્‍યયન કરીને સરકારી તંત્રને પગલાં લેવા નિર્દેશ કરે છે. આ સંદર્ભે આ બેઠક યોજવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે, સ્‍વચ્‍છતા સૈનિકોને સન્‍માન આપવું એ આપણી સૌની નૈતિક ફરજ છે. શ્રીમતિ પંવારે હોસ્‍પિટલના સફાઈ કર્મચારીઓના પ્રશ્નો, તેમને અપાતી સુવિધાની સ્‍થિતિ જાણી હતી. તેમણે સફાઈ કર્મચારીઓની ભરતી, હેલ્‍થ ચેકઅપ, ઓળખપત્ર, યુનિફોર્મ, સેલેરી, મેડિકલ સુવિધા, ઈન્‍સ્‍યોરન્‍સ સહિતના પ્રશ્નોની મુદ્દાસર ચર્ચા કરી માહિતી મેળવી હતી. આ તકે તેમણે દરેક સફાઈ કર્મચારીઓનું વર્ષમાં બે વાર આખા શરીરનું મેડિકલ ચેક અપ કરવા, ઓળખપત્રમાં બ્‍લડ ગ્રુપ, પી.એફ., ઈ.એસ.આઈ.સી. નંબર લખવા, યુનિફોર્મ, રેઇન કોટ, સ્‍વેટર,  શૂઝ નિયમિત આપવા વગેરે અંગે નિર્દેશ આપ્‍યા હતા.

તેમણે અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને સફાઈ કામદારોને લગતા પ્રશ્નો અને વર્તમાન સ્‍થિતિની વિગતો જાણી હતી. આ બેઠકમાં રાજકોટના નિવાસી અધિક કલેક્‍ટર ચેતન ગાંધી, સિવિલ હોસ્‍પિટલના એડિશનલ મેડીકલ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ ડો. હેતલ કયાડા, અનુસૂચિત જાતિ કલ્‍યાણ નાયબ નિયામક આનંદબા ખાચર, રાજકોટ સિવિલ હોસ્‍પિટલના હિસાબીઅધિકારી ડો. એમ. સી. ચાવડા, વહિવટી અધિકારી આર. એમ. ચોૈહાણ, મેડિકલ ઓફિસર ડો. દુસરા, ડો. એમ. એસ. રોય, ડો. જે. કે. નથવાણી, હિસાબી લેબર ઓફિસર અંકિત ચંદારાણા, આઉટસોર્સ એજન્‍સીના પ્રતિનિધી અલ્‍પેશભાઇ નાકરાણી, એચઆર મેનેજર તેમજ સફાઈ કર્મચારીઓના વિવિધ યુનિયનના પ્રતિનિધિશ્રીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:43 PM IST)