<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

મધુર અવાજથી 'બેબી લતા' બની લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર ગાયિકા 'હેમલતા'

પિતા પં. જયચંદ ભટ્ટ પણ શાસ્ત્રીય સંગીતના મહાન વિદ્વાન હતા : બાળપણમાં હેમલતાજી દુર્ગા પૂજા દરમિયાન આયોજિત સંગીતના કાર્યક્રમોમાં છૂપી રીતે ગાતા હતા :૩ દાયકા સુધી ૩૮થી વધુ ભાષાઓમાં ૫૦૦૦થી વધુ ગીતો ગાયા : નૌશાદ પ્રથમ સંગીત નિર્દેશક હતા જેમણે તેમની સાથે કરાર કર્યો હતો કે હેમલતા મારા માટે ૫ વર્ષ સુધી સતત ગીતો ગાશે : રૃપ રૃપૈયા માટે ઉષા ખન્નાની રચના હેઠળ તેણીનું પ્રથમ ગીત 'તુ ખામોશ મેં પુરજોશ' રેકોર્ડ કર્યું હતું : તેમનું સાચું નામ લતા ભટ્ટ છે પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ તેનું નામ હેમલતા રાખ્યું છે

૮૦ના દાયકાની સુપરહિટ ફિલ્મ 'નદિયા કે પાર'  ઘણી સુપરહિટ રહી હતી. ફિલ્મની વાર્તાની સાથે લોકોને ફિલ્મના ગીતો પણ ખૂબ પસંદ આવ્યા. ગાયિકા હેમલતાએ ૧૯૮૨માં રિલીઝ થયેલી ફિલ્મ 'નદિયા કે પાર' ના તમામ ગીતોમાં પોતાના સુરીલા અવાજથી એક અલગ જ મધુરતા ઉમેરી હતી. લતા મંગેશકર અને આશા ભોંસલે પછી એ હેમલતા જ હતા જેમના ગીતોનો લોકોને હ્રદયમાં વસી જતા હતા. લોકો હેમલતાને બીજી લતા તરીકે બોલાવવા લાગ્યા હતા. તેમના સુરીલા અવાજનો જાદુ લોકોને દિવાના બનાવી રહ્યો હતો અને પછી હેમલતાના જીવનમાં એક ક્ષણ એવી આવી કે જે વ્યકિતને તેણે આખી જીંદગી પોતાની મૂર્તિ ગણાવી હતી તેની સાથે તેના વિવાદના સમાચાર આવવા લાગ્યા. જોકે, પછીથી બહાર આવેલા આ વિવાદનું સત્ય ઘણું આશ્ચર્યજનક હતું. આ સત્ય હેમલતાએ પોતાના ઈન્ટરવ્યુ દરમિયાન જાહેર કર્યું હતું.

ભારતની મહાન કલાકાર 'બેબી લતા'  માંથી 'હેમલતા'  બની હતી. તેમના અનોખા ગીતો તેમને ભારતીય સિનેમાના અન્ય ગાયકોથી અલગ પાડે છે. તેમના ગીતો આજે પણ કાનમાં રસ ઘોળી દે છે. આટલી પ્રતિભા હોવા છતાં તેમને આટલી પ્રસિદ્ઘિ કેમ ન મળી? તેમનું નામ ગુમનામીના પાનામાં શા માટે નોંધાયેલું છે? શા માટે આવા મહાન ગાયક વિશે માત્ર થોડા લોકો જ જાણે છે? શા માટે તેઓનો વધુ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી? આવો જાણીએ.

હેમલતાજીનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૯૫૪ના રોજ હૈદરાબાદમાં મારવાડી બ્રાહ્મ ણ પરિવારમાં થયો હતો. પરંતુ તેનો પરિવાર મૂળ રાજસ્થાનના ચુરુ જિલ્લાના સેહલા ગામનો રહેવાસી છે. તેનું સાચું નામ લતા ભટ્ટ છે પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ તેનું નામ હેમલતા રાખ્યું છે. તેમનું બાળપણ કલકત્તામાં વિતાવ્યું હતું. બોલિવૂડમાં ભારતીય શા સ્ત્રીય રીતે પ્રશિક્ષિત પ્લેબેક સિંગર છે. હેમલતાજીને બાળપણથી જ ગાવાનો શોખ હતો. પરંતુ તેના પિતાએ તેને જરાય પ્રોત્સાહન ન આપ્યું. કારણ કે તેઓ હેમલતાજીને સંગીતના ક્ષેત્રમાં આવવા દેવા ઇચ્છતા નહોતા. તેમનો પરિવાર રૃઢિચુસ્ત સંસ્કૃતિમાં ડૂબેલો હતો અને હેમલતાજી ના સંગીત શીખવાની સંપૂર્ણપણે વિરુદ્ઘ હતો. પરિવારમાં સંગીતમય વાતાવરણ ભરપુર હતું. પિતા પં. જયચંદ ભટ્ટ પણ શા સ્ત્રીય સંગીતના મહાન વિદ્વાન હતા. પણ આ સંગીત દીકરીઓ માટે નહોતું. કદાચ આ તેમના સંઘર્ષનો સૌથી મુશ્કેલ તબક્કો હતો. તેમનો સંઘર્ષ આગળ પણ ચાલુ રહ્યો. બાળપણમાં હેમલતાજી દુર્ગા પૂજા દરમિયાન આયોજિત સંગીતના કાર્યક્રમોમાં છૂપી રીતે ગાતા હતા. તે પરિવારને દુઃખ આપવા માંગતા નહોતા. તે પરિવારની વિરૃદ્ઘ બિલકુલ જવા ઇચ્છતા નહોતા પરંતુ તે પોતાને ગાવાથી રોકી પણ શકતા નહી. નોંધનીય છે કે માત્ર ૧૨ વર્ષની ઉંમરે જ લતાજી, કિશોર કુમાર, હેમંત દા વગેરે જેવા મહાન કલાકારો સાથે સ્ટેજ પર ગાવાનો મોકો મળ્યો. હેમલતાજીને જયારે આ તક મળી ત્યારે તેણીએ સાબિત કરી દીધું કે તેનો જન્મ માત્ર ગાવા માટે જ થયો છે.

લોકો હેમલતાને ખૂબ પસંદ કરતા હતા. આ દિગ્ગજ કલાકારો સાથે ગાતી વખતે તેમના અવાજનો જાદુ એવો હતો કે લોકોએ તેમનું નામ રાખ્યું 'બેબી લતા' પરિણામે હેમલતા બેબી લતા તરીકે પ્રખ્યાત થયા. તેમની પોતાની પ્રતિભા અને સંગીત તરફના ઝુકાવને કારણે તેમને ખ્યાતિ મળી. તેની અસર તેના પરિવાર પર પણ થવા લાગી. હવે તેમના પરિવારે તેમના સંગીત શીખવા અંગે ઉદાર વલણ અપનાવ્યું.

૧૯૬૬ માં તેમનો પરિવાર બોમ્બે ગયો. જયાં તેઓ દક્ષિણ બોમ્બે ભારતના ગિરગામમાં રહેતા હતા. હેમલતાજીને સંગીત નિર્દેશક નૌશાદ અલી તરફથી આમંત્રણ મળ્યું. જેમણે તેણીને ગાવાનું કહ્યું અને તેણીનો અવાજ સાંભળીને તે ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે હેમલતાને વચન આપ્યું હતું કે તે તેને તેની ફિલ્મોમાં ગાવાની તક આપશે. પરંતુ તેમણે તેનો અવાજ પરિપકવ થાય ત્યાં સુધી રાહ જોવાની સલાહ આપી. નૌશાદ પ્રથમ સંગીત નિર્દેશક હતા જેમણે તેમની સાથે કરાર કર્યો હતો કે હેમલતા મારા માટે ૫ વર્ષ સુધી સતત ગીતો ગાશે. આ ઉપરાંત તેઓ હેમલતાજીને સંગીતની તાલીમ પણ આપશે. આ સમાચાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આગની જેમ ફેલાઈ ગયા અને મોટા મોટા સંગીતકારો તેના ઘરે આવવા લાગ્યા. દરેક વ્યકિત પોતાની ફિલ્મમાં બેબી લતાને કાસ્ટ કરવા માંગતી હતી. પરંતુ ૫ વર્ષની લાંબી રાહ અને અહીં તરત જ ફિલ્મોમાં ગાવાની ઓફર મળી. આખરે નૌશાદ સાહેબ સાથેનો તેમનો કરાર તૂટી ગયો અને તેમણે ઉષા ખન્નાની ફિલ્મ રૃપ રૃપૈયામાં તેમનું પહેલું ગીત ગાયું. તે સમયે તેમની ઉંમર માત્ર ૧૪ વર્ષની હતી. જોકે હેમલતાજીને ૧૯૬૭ માં સંગીત નિર્દેશક રોશન તરફથી આમંત્રણ મળ્યું. તે જ અઠવાડિયે, તેણીએ રૃપ રૃપૈયા માટે ઉષા ખન્નાની રચના હેઠળ તેણીનું પ્રથમ ગીત 'તુ ખામોશ મેં પુરજોશ' રેકોર્ડ કર્યું. તેનું પ્રથમ રિલીઝ થયેલ ગીત ફિલ્મ એક ફૂલ એક ભૂલ (૧૯૬૮)નું 'દસ પૈસે મેં રામ લે લો' હતું.

જે દિવસે બેબી લતાએ ઉષા ખન્નાની ફિલ્મ રૃપ રૃપૈયામાં ગાયું હતું, તે જ દિવસે તેણે કલ્યાણજી આનંદજી માટે તેનું બીજું ગીત - મુકેશજી સાથે લે ચલ મેરે જીવન સાથી ગાયું હતું. તે પછી તેણે એસડી બર્મન, લક્ષ્મીકાંત પ્યારેલાલ, સલિલ ચૌધરી, ચિત્રગુપ્ત જેવા ઘણા ગીતકારો સાથે કામ કર્યું. બેબી લતાએ હેમલતાના નામથી ઈન્ડસ્ટ્રીમાં પોતાના પગ જમાવવાનું શરૃ કર્યું. તુ ઇસ તરહા સે મેરી ઝીંદગી મે શામીલ હૈ.. ૧૯૭૬માં રવિન્દ્ર જૈને તેમને ફિલ્મ ફકીરા માટે ગીત ગાવા માટે મજબૂર કર્યા હતા. ગીત - ચલ ચલા ચલ અકેલા ચલ ચલા ચલ... આ ગીતની લોકપ્રિયતા તેની કારકિર્દીમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. તેની કારકિર્દી મોટી લીગમાં ઉતરી. તે જ વર્ષે રવિન્દ્ર જૈને રાજશ્રી બેનર હેઠળ હેમલતાજીના અવાજનો ઉપયોગ ચિતચોર માટે કર્યો હતો. યશુદાસ સાથે ગાયેલું ગીત 'તુ જો મેરે સુર મે' એટલું બધુ હિટ થયું કે આ ગીત માટે હેમલતાજીને ૧૯૭૭નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તે ૫ વખત ફિલ્મફેર માટે નોમિનેટ થયા હતા.

દરમિયાન તેમની તરફ રાજનીતિની પ્રક્રિયા પણ શરૃ થઈ ગઈ. તે એવા સમયે પોતાની ઓળખ બનાવી રહ્યા હતા જયારે સંગીતની દુનિયામાં મોટા નામો સ્થાપિત થયા હતા. આ માટે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ બધું હોવા છતાં હેમલતાજીએ પોતાના અનોખા અવાજની કવોલિટી પર પોતાની જાતને સ્થાપિત કરી હતી. રાજશ્રી પ્રોડકશન સાથે તેમનો ઘણો મોટો સંબંધ હતો. તેમણે ૮૦ અને ૯૦ના દાયકામાં રાજશ્રી પ્રોડકશનની વિવિધ ફિલ્મોમાં ઘણા ગીતો ગાયા હતા. 'કૌન દિશા મેં લેકર ચલા રે બટોહિયા..' આ ગીત તેમના જીવનનું બીજું માઈલસ્ટોન સાબિત થયું. આ પછી આંખિયોં કે ઝરોખેનું બીજું ગીત આવ્યું. 'આંખિયોં કે ઝરોખો સે' વર્ષ ૧૯૭૮નું નંબર વન ગીત બન્યું હતું. આ ગીત માટે તેણીને ફિલ્મફેર માટે નામાંકિત પણ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મો પછી જ હેમલતાને લતાજીના વિકલ્પ તરીકે જોવાનું શરૃ થયું. રવિન્દ્ર જૈન સાથે મળીને તેમણે રામાયણ ચૌપાઇ, કબીર દોહા, સુંદરકાંડ અને વિવિધ ભકિત ગીતો સહિત ભારતીય ગ્રંથો પર આધારિત મોટાભાગની ફિલ્મો માટે વ્યાપકપણે ગાયું. આ સિવાય તેમણે રામાનંદ સાગરની ટીવી સીરિયલ રામાયણ, હમ કથા સુનાતે રામ સકલ ગુણ ધામની.. માટે પોતાનો અવાજ આપ્યો. હેમલતાજી એક સિરિયલમાં પણ એકિટંગ કરતા જોવા મળ્યા હતા. તે એક એપિસોડમાં પરંપરાગત મીરા ભજન 'પાયો જી મેં તો રામ રતન ધન પાયો' ગાતા જોવા મળ્યા હતા.

હેમલતાજી બાળ કલાકાર તરીકે પ્રખ્યાત યોગેશ બાલી સાથે લગ્ન કર્યા હતા. અહીં તમને એક બીજી વાત જણાવી દઈએ કે હેમલતાજી એકટર મિથુન ચક્રવર્તીની પત્ની એકટ્રેસ યોગિતા બાલીની ભાભી છે. હેમલતાજીના લગ્ન યોગીતા બાલીના ભાઈ યોગેશ બાલી સાથે થયા હતા. તેમના પતિ યોગેશ બાલીનું ૨૫ જાન્યુઆરી ૧૯૮૮ના રોજ લીવરની બીમારીને કારણે અવસાન થયું હતું. તેમને આદિત્ય બાલી નામનો પુત્ર છે. હેમલતાજીએ ઘણી ભાષાઓમાં ૫૦૦૦ થી વધુ ગીતો ગાયા છે. તેમણે ૩૮ થી વધુ ભાષાઓમાં ગીતો ગાયા છે. લગભગ ૩ દાયકા સુધી તેણીએ બોલિવૂડને ઘણા અનોખા ગીતો આપ્યા. પાકિસ્તાની ગાયક અતાઉલ્લા ખાન સાથે મળીને તેણે ૩ આલ્બમ માટે ગાયું હતું પરંતુ તેમાંથી બે આલ્બમ રિલીઝ થયા ન હતા. હેમલતાજીએ દાવો કર્યો હતો કે અત્ત્।ાઉલ્લા ખાને તેમના દ્વારા ગાયેલું ગીત અનુ મલિકને આપ્યું હતું. અનુ મલિકે ફિલ્મ હીરો હિન્દુસ્તાની માટે અન્ય ગાયકે ગાયેલું ગીત બનાવ્યું હતું. જો કે હેમલતાજી સાથે આ પહેલા પણ ઘણી વખત આવી ઘટનાઓ બની ચૂકી છે. તેણી આ બધી વસ્તુઓથી ટેવાઈ ગઈ હતી અને પરેશાન પણ હતી. જોકે હેમલતાજીની લાંબી અને સફળ કારકિર્દી રહી છે અને ભારતીય પ્લેબેક સિંગિંગ ઈન્ડસ્ટ્રી હજુ પણ ૭૦ વર્ષના હેમલતાજીને ખૂબ જ માન આપે છે. સંગીતના વાતાવરણમાં વધારો કરનાર ઉદ્યોગમાં તેમના યોગદાનને કારણે તેણીની પેઢીના આદરણીય અવાજોમાંની એક તરીકે તેણીની ઓળખ બની છે અને કાયમ રહેશે.

હેમલતાજી દ્વારા ગવાયેલ કેટલાક યાદગાર ગીતો...

.   બડે બડાઇ ના કરે બડે ના બોલે બોલ રહીમાન હીરા કબ કહે લાખ ટકા મેરા મોલ રહીમા.

.   કઇ દિન સે મુજે કોઇ સપનો મે આવાઝ દેતા થા, અચ્છા તો વહ તુમ હો તુમ હો તુમ હો.

.   લે ચલ મેરે જીવન સાથી (મુકેશ સાથે ડ્યુએટ)

.   કૌન દિશા મે લે કર ચલા હૈ બટોહિયા

.   અખીંયો કે ઝરોખો સે, તુને દેખા જો સાંવરે..

.   હમ કથા સુનાતે રામ સકલ ગુણ ધામ કી..

.   માં મુઝે આને દે..

.   લે ચલ મેરે જીવન સાથી

.   જબ દિપ જલે આના, જબ શામ ઢલે આના

.   તુ ઇસ તરહા સે મેરી ઝિંદગી મે શામીલ હૈ

.   તુ જો મેરે સુર મે

.   તારે કિતને નીલ ગગન પે તારે

.   લે ચલ મેરે જીવન સાથી

.   સાત સહેલીયા

.   હમ ખ્વાબ કો બદલ દેંગે

.   મેઘા ઓ રે મેઘા

.   એક દિન તુમ બહુત બડે બનોગે

.   બબુઆ ઓ બબુઆ

એકમાત્ર ભારતીય ગાયિકા જેમણે અમેરિકા જેવા દેશમાં મ્યુઝિક એકેડમી શરૃ કરી..

અનેક વાદવિવાદો વચ્ચે હેમલતાજીએ ૧૯૯૯માં ફિલ્મી દુનિયાને બાય-બાય કહ્યું. બોલિવૂડને વિદાય આપ્યા બાદ તે મેકિસકો ગયા હતા. ત્યાં તેમણે પોતાની સંગીત સંસ્થા દ્વારા લોકોને સંગીત શીખવવાનું શરૃ કર્યું. ૨૦૧૫માં તેનું  સ્ત્રી ભ્રૂણહત્યા પર આધારિત ગીત 'મા મુઝે આને દે' ચર્ચામાં હતું. તે એકમાત્ર ભારતીય ફિલ્મ પ્લેબેક સિંગર છે જેણે અમેરિકા જેવા દેશમાં મ્યુઝિક એકેડમી શરૃ કરી છે. તેમની એકેડેમી ભારતીય શા સ્ત્રીય અને લોક સંગીતનો પ્રચાર અને પ્રસારણ તેમજ હોલીવુડ, લોસ એન્જલસથી સમગ્ર વિશ્વમાં સંગીત ફેલાવી રહી છે. જોકે થોડો સમય અમેરિકા રહ્યા બાદ તેઓ ફરી ભારત આવી ગયા હતા અને હવે ભારતમાં જ રહે છે.

 

 

લતા મંગેશકર સાથે શું હતો વિવાદ..?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જયારે હેમલતાજીનું કરિયર ચરમસીમા પર હતું ત્યારે એવા અહેવાલો આવ્યા હતા કે લતા મંગેશકર સાથે તેની ટક્કર ચાલી રહી છે. એવા અહેવાલો આવ્યા કે હેમલતાજીનો માર્ગ મુશ્કેલ બનાવવા માટે લતા મંગેશકરે તેમની કારકિર્દીમાં આગળ ન વધી શકે તે માટે રાજકારણ દ્વારા ઘણા ગીતો દ્વારા તેમનું સ્થાન લીધું. એક માધ્યમને આપેલા ઈન્ટરવ્યુમાં આ અંગે જવાબ આપતા હેમલતાજીએ આ તમામ અહેવાલોને ફગાવી દીધા હતા. અને કહ્યું હતું કે લતા મંગેશકર તેમના જીવનમાં માતા સરસ્વતી સમાન છે. તેમની સાથે કામ કરવું એક લહાવો રહ્યો છે. તેમણે હંમેશા મને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા. આવા સમાચારો તેમના મનોબળને ખતમ કરતા નથી પરંતુ તેમાં વધુ વધારો કરે છે. બંને વચ્ચે એવી કોઈ વાત ન હતી જે મીડિયામાં કહેવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે લતા મંગેશકર અને આશા તાઈ જેવું બીજું કોઈ ન હોઈ શકે. લતા-આશા દીદીની સામે ઊભા રહેવું સહેલું નથી. હેમલતાજીએ જણાવ્યું હતું કે તે કરિયરની શરૃઆતમાં લતા મંગેશકરને ફોલો કરતી હતી. તેણી તેની મૂર્તિ હતી. કદાચ આ જ કારણ હતું કે લોકો તેને લતા મંગેશકરની નકલ કહેવા લાગ્યા. બાદમાં તેના પિતાએ તેને પોતાની ઓળખ બનવાની સલાહ આપી અને કહ્યું કે અનુકરણ ન કરો નહીં તો તું આગળ વધી શકશે નહીં. તેઓ કહે છે, હું તો લતાજીને માઇ કહેતી. કોઇ માતા સાથે વિવાદ હોય શકે?

હેમલતાજીના ગીતોના હજારો રેકોર્ડ સળગાવી દેવાયા..!

કેટલાક લોકોને તેમની સફળતા ગમતી ન હતી. થોડી રાજનીતિ હતી કે શું થયું તે કહેવું બહુ મુશ્કેલ છે. ફિલ્મ અખિયોં કે ઝરોખો સે રવીન્દ્ર જૈનના સંગીત સાથે બનાવવામાં આવી હતી. જેના તમામ ગીતો હેમલતાજીએ રેકોર્ડ કર્યા હતા. આ ગીતો ખૂબ જ અદભુત બની ગયા હતા પણ ગીતો બજારમાં રિલીઝ થવા દેવાતા નહોતા. આ ગીતો લોકો માટે ઉપલબ્ધ નહોતા. જેની ટાઈટલ સુધી પહોંચી શકી ન હતી. આ ગીતની લોકપ્રિયતા અખિયોં કે ઝારકો ગીત કરતાં અલગ છે. પરંતુ આ ગીતો બજારમાં ઉપલબ્ધ નથી. એવું પણ કહેવાય છે કે તેમના હજારો ગીતોના રેકોર્ડ્સ નાશ પામ્યા હતા. સંપૂર્ણપણે બળીને નાશ કરાયો હતો. હેમલતાજીના ગીતોમાંથી બહુ મુશ્કેલીથી આ ફિલ્મે અખીંયોકે ઝરોખો સે... ગમેતેમ આ ગીત લાવવામાં આવ્યું અને લોકો સુધી પહોંચ્યું. હેમલતાજીનો ગ્રાફ વધુ વધી રહ્યો હતો. તે દરેક વ્યકિતની પ્રિય ગાયિકા બની ગઈ હતી. દરમિયાન રાજ કપૂરે પણ તેનો અવાજ સાંભળ્યો હતો અને વિતરકોને જાહેરાત કરી હતી કે હેમલતાજી તેની આગામી ફિલ્મ હિનામાં તમામ ગીતો ગાશે. પરંતુ ફિલ્મ પર કામ શરૃ થાય તે પહેલા અચાનક એક દિવસ રાજ કપૂર આ દુનિયા છોડી ગયા અને હેમલતા ફિલ્મ હિનાથી અલગ થઈ ગઈ અને તે દિવસોમાં હેમલતાજી મ્યુઝિક ડાયરેકટર આર.ડી બર્મનના મ્યુઝિક શો કરતા. તે ત્યાં ઘણું ગાતા હતા અને દરેક સ્ટેજ શોમાં ભાગ લેતા હતા અને આર.ડી બર્મન તેમને તેની આગામી ફિલ્મ ૧૯૪૨ અ લવ સ્ટોરીમાં કાસ્ટ કરવા માંગતા હતા. જયારે આર.ડી બર્મને આ ફિલ્મ માટે હેમલતાજીનો સંપર્ક કર્યો ત્યારે તેમને કહેવામાં આવ્યું કે હેમલતાજીની તબિયત ખૂબ જ ખરાબ છે અને તેમણે ગીતો ગાવાનું બંધ કરી દીધું છે. હેમલતાજી અને આર.ડી બર્મનને એકબીજાને મળવા દેવાયા ન હતા. આવી અનેક રાજનીતિ તેમના જીવનમાં ઘટી છે.

માત્ર ૧૨ વર્ષની ઉંમરે જ લતાજી, કિશોર કુમાર, હેમંત દા વગેરે જેવા મહાન કલાકારો સાથે સ્ટેજ પર ગાવાનો મોકો મળ્યો

પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(3:02 PM IST)