<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

લાખાજીરાજ રોડ ઉપર ફેરીયાઓને બેસવા ન દેવાયા ચમત્‍કારને જ નમસ્‍કાર ! રાઉન્‍ડ ધ કલોક ચેકિંગ

વેપારીઓને પણ પોતાનો માલ દુકાનની બહાર ન રાખવા સુચનાઃ ગુજરી બજાર સુધી દબાણ શાખાની ગાડીઓ સતત દોડતી થઇઃ જો કે બજારમાં આડેધડ પાર્કિંગ યથાવત

મનપા તંત્ર દોડયું: ફેરિયાઓને બેસવા ન દેવાયા : લાખાજીરાજ રોડના વેપારીઓની ગઇકાલથી રજુઆતના પગલે મનપા તંત્ર દ્વારા આજ સવારથી જ બજારમાં દબાણ શાખાની ગાડીઓ દોડતી કરાઇ હતી. છેક ગુજરી બજાર સુધીમાં એક પણ ફેરીયાને બેસવા ન દેવા સતત ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું હતું.

રાજકોટ, તા. ૧૮: શહેરના સૌથી જુના અને હેરીટેજ સહિતના વેપારી વિસ્‍તાર સાંગણવા ચોક, લાખાજીરાજ રોડ, ધર્મેન્‍દ્ર રોડ સહિતની બજારોમાં દુકાનો અને શોરૂમ આગળ ફેરીયાઓના કાયમી દબાણ, ગેરકાયદે પથારા, ર્પાકિંગ અને ફૂટપાથની જગ્‍યા દબાવી દેવા સહિતના વર્ષો જુના અને કાયમી પ્રશ્‍નને લઇ આજે વધુ એક વખત જુદા જુદા વેપારી સંગઠનોએ મોરચો કાઢયો હતો. ધારાસભ્‍ય અને પદાધિકારીઓની આગેવાનીમાં કમિશ્‍નરને આવેદનપત્ર પાઠવી વેપારીઓએ હવે દિવાળીના દિવસોમાં કાયમી ઉકેલ માંગણી કરવામાં આવતા આજે લાખાજીરાજ રોડ ઉપર રાઉન્‍ડ ધ કલોક ચેકીંગ મનપાના દબાણ શાખા દ્વારા કરવામાં આવ્‍યુ હતું .

ગઇ કાલે આવેદનપત્રમાં વેપારી સંગઠનોએ જણાવ્‍યું હતું કે અગાઉના બે કમિશ્‍નરો ને આ દબાણો અંગે રજુઆતો કરતા આવ્‍યા છીએ. પરંતુ મનપા અધિકારીઓ અને પદાધિકારીઓએ ધ્‍યાન આપ્‍યું નથી તે દુઃખદ છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી લાખાજીરાજ રોડ, ધર્મેન્‍દ્ર રોડ, સાંગણવા ચોક, ઘી કાંટા રોડના વેપારીઓ રોડ પર બેસીને સામાન વેંચતા પથારાવાળા અને લારીવાળાઓથી પરેશાન છે.

દિવાળીના દિવસો નજીક છે ત્‍યારે લાખાજીરાજ રોડ પર કાયમી ધોરણે પોલીસ અને મનપાનો બંદોબસ્‍ત મૂકવામાં આવે, આ રોડને નો-ફેરીયા ઝોન જાહેર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

મનપા દ્વારા ગઇ કાલે વેપારી એસોસીએશનોના આવેદનને ધ્‍યાને લઇ તુરંત એકશન શરૂ કરી છે. આજે સવારથી જ કોર્પોરેશનની બે ગાડી લાખાજીરાજ રોડ ખાતે તૈનાત થઇ ગઇ છે. અને રાઉન્‍ડ પણ ચાલુ કરી દઇ ફેરીયાઓને બેસવા દીધા ન હતા. ઉપરાંત વેપારીઓને પણ દબાણ ન કરવા સુચના આપવામાં આવી હતી.

ઉપરાંત દબાણ શાખા દ્વારા છેક ગુજરી બજાર સુધી ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. વેપારીઓને પોતાનો માલ અંદર રાખવા જણાવી દેવામાં આવ્‍યુ છે. સાથે ફેરીયાઓને મુખ્‍ય બજારની નજીક લાખાજીરાજ સ્‍કૂલના ખાલી પ્‍લોટમાં બેસવા દેવા માટે વ્‍યવસ્‍થા કરવામાં આવી રહી છે. આ બધાની વચ્‍ચે બજારમાં રોડ ઉપર આડેધડ પાર્કિંગ જોવા મળ્‍યુ હતું. (૨૨.૨૫)

(3:05 PM IST)