તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 18th October 2024
રેલનગરના તેજસ કાંજીયા સાથે શેરબજારમાં કમાણીના નામે ૬ાા લાખની છેતરપીંડીઃ દિલ્હીનો ઠગ સકંજામાં
ઇન્સ્ટાગ્રામમાં શેર બજારની પોસ્ટ જોઇ લિંક ખોલતાં જ એક ગ્રુપમાં એડ થઇ ગયોઃ રોકાણ કરતાં જ નફો વોલેટમાં દેખાયોઃ જો કે રૂપિયા વિડ્રો ન થયાં: પીએસઓ દિપકભાઇ પંડીતે ગુનો નોંધ્યોઃ પીઆઇ બી. બી. જાડેજાએ શકમંદની પુછતાછ આદરી અલગ અલગ ૧૪ બેંક ખાતાના ધારકોના પણ આરોપીમાં નામ

રાજકોટ તા. ૧૮: ઓનલાઇન ફ્રોડની ઘટનાઓ રોજબરોજ બની રહી છે. મોટા ભાગના કિસ્સાઓમાં તો એક જ પ્રકારે ઠગાઇ થતી રહી છે. વધુ એક વખત એક યુવાન સાથે શેર બજારમાં રોકાણ કરવાથી લાભ થશે, ઉંચુ વળતર મળશે તેમ કહી સાયબર ગઠીયાઓએ રૂા. ૬.૩૫ લાખની ઠગાઇ આચરી લીધી છે.
આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે રેલનગર લાલબહાદુર શાષાી ટાઉનશીપમાં રહેતાં અને રૈયા ગામમાં ઇગલ એન્ટરપ્રાઇઝ નામે પ્રિન્ટીંગનું કામ કરતાં તેજસ જીજ્ઞેશભાઇ કાંજીયા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી ત્રિપોન નામની વોલેટ આઇડીના ધારક અને અલગ અલગ ૧૪ બેંક ખાતાઓના ધારકો વિરૂધ્ધ ગુનો નોંધી એક આરોપીને દિલ્હીથી સકંજામાં લીધો છે. તેજસ કાંજીયાએ જણાવ્યું છે કે ગત તા. ૧૦ જુલાઈના રોજ મેં ઈન્સ્ટાગ્રામમાં શેર બજારના સ્ટોક સંબંધી પોસ્ટ જોઈ હતી. ત્યારે મારી પાસે તેની કામધંધો ન હતો. જેથી પોસ્ટમાં અપાયેલી માહિતી સારી લાગતાં લિન્ક ઓપન કરી હતી. તે સાથે જ વોટસએપમાં કોઈ અજાણ્યા ગ્રુપમાં એડ થઈ ગયો હતો. શેર બજારમાં રોકાણ કરી રૂપિયા કમાવવા હોઇ આ સ્થિતિમાં સામાવાળાએ મને એવો મેસેજ કર્યો હતો કે અમે તમને અહીંથી જ સ્ટોકનું ડિસ્કાઉન્ટ કરાવી આપીશું, શેર બજારના ભાવ વધારે હશે અને તમને નફો વધારે મળશે. આ ટીપ સારી લાગતાં મને લિન્ક મોકલી હતી. જે ઓપન કરતા મને વોલેટ આઈડી બનાવવા જણાવાયું હતું. જેમાં મારુ નામ, આધારકાર્ડ, પાનકાર્ડનો ફોટો અપલોડ કર્યા બાદ ં એક યુઝર આઈડી અને પાસર્વડ જનરેટ થયા હતા.
આ પ્રક્રિયા કર્યા પછી મને સામાવાળાએ એક સ્ટોક લેવા જણાવ્યું હતું. સાથો-સાથ બેન્ક એકાઉન્ટની ડિટેઈલ મોકલી હતી. જેથી મેં મારા ખાતામાંથી રૂા. ૨૦ હજારના સ્ટોકની ખરીદી કરી હતી. તે સાથે જ મેં બનાવેલા વોલેટ આઈડીમાં સ્ટોક જમા થયો હતો. સારો નફો પણ દેખાડતો હતો. જેને કારણે ટૂંકાગાળામાં મેં વધારે રૂપિયા કમાવવાની લાલચમાં આવી સામાવાળાએ કહ્યું તેમ કર્યુ હતું. એ પછી અલગ-અલગ સ્ટોક જણાવી, અલગ-અલગ બેન્ક એકાઉન્ટની વિગતો મોકલી હતી. જેમાં તેણે રૂપિયા ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું હતું. જેની સામે મેં ખરીદેલા સ્ટોક મારા વોલેટ આઈડીમાં દેખાતા હતા. આ રીતે મેં કુલ રૂા.૬.૩૫ લાખ ટ્રાન્સફર કર્યા હતા. છેલ્લે મારે રૂપિયાની જરૂર પડતાં વોલેટમાંથી નાણાં વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રકમ ઉપડી શકી નહોતી.
આ પછી મેં કસ્ટમર કેર પર સંપર્ક કરતાં મને ટેકસ ભરવાનું કહેવાયું હતું. જે માટે વધુ રૂપિયાની માંગણી કરાઈ હતી. આ વખતે મને મારી સાથે ફ્રોડ થયાનું જણાતાં ઓનલાઈન ફરિયાદ કરી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ આગળ ધપાવી હતી. હેડકોન્સ. દિપકભાઇ પંડીતે ગુનો દાખલ કરતાં પીઆઇ બી. બી. જાડેજા, પ્રદિપભાઇ કોટડ સહિતએ તપાસ આગળ ધપાવી દિલ્હીથી એક ગઠીયાને સકંજામાં લઇ વિશેષ તપાસ શરૂ કરી છે.
(3:13 PM IST)










