<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

કોલ્‍ડ સ્‍ટોરેજમાંથી ૧૧૫૦ કિલો અખાદ્ય ખોરાક ઝડપાયોઃ ઉપલાકાંઠે દરોડા

મનપાની ફુડ શાખા દ્વારા આડા પેડક રોડ સ્‍થિત રવિરાજ રેફ્રીજરેશનમાંથી શિવમ ફ્રુટના મેંગો પલ્‍પ,સીતાફળ પલ્‍પ તથા દ્રાક્ષ અને દાડમના દાણા દુર્ગંધયુકત મળી આવેલઃ નાશ : રૈયા ચોકડીથી પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ તથા મોરબી રોડ જકાતનાકાથી ભગવતીપરા બ્રીજ સુધી ૨૧ ખાણી-પીણીના ધંધાર્થીઓનું ચેકીંગઃ ૭ને લાઇસન્‍સ અંગે સુચના

રાજકોટ,તા. ૧૮: શહેરમાં આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતા, સીની. ફૂડ સેફ્‌ટી ઓફિસર કે.જે. સરવૈયા, ફૂડ સેફ્‌ટી ઓફિસર કે.એમ.રાઠોડ, ફૂડ સેફ્‌ટી ઓફિસર સી.ડી.વાઘેલા તથા ફૂડ વિભાગની ટીમ સાથે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન વલ્લભનગર શેરી નં.-૧, આડો પેડક રોડ, રાજકોટ મુકામે આવેલ ‘રવિરાજ રેફ્રીજરેશન' પેઢીમાં આવેલ કોલ્‍ડ સ્‍ટોરેજની સ્‍થળ તપાસ કરવામાં આવેલ. સદરહુ પેઢીમાં કોલ્‍ડ રૂમમાં વિવિધ બ્રાન્‍ડના આઈસક્રીમ, મિલ્‍ક પ્રોડક્‍ટ, ફ્રૂટ, ફ્રૂટ પલ્‍પ, વગેરનો અલગ અલગ વેપારીઓની માલિકીનો જથ્‍થો સંગ્રહ કરતાં હોવાનું માલૂમ પડેલ. વધુમાં પેઢીના કોલ્‍ડ રૂમની તપાસ કરતાં ‘શિવમ ફ્રૂટ'ના માલિક રમેશભાઈ સિંધવ દ્વારા રાખેલ મીઠાઇના ઉત્‍પાદકો તથા જ્‍યુશ પાર્લરના ધંધાર્થીઓને વેચાણ કરવા માટે સંગ્રહ કરેલ મેંગો પલ્‍પ- ૮૫૦ kg, સીતાફળ પલ્‍પ ૨૫૦ kg, નો જથ્‍થો લેબલ વગરનો, અનહાઈજીનીક રીતે રાખેલ તથા દુર્ગંધયુક્‍ત જોવા મળેલ. જે અખાદ્ય હોવાનું જથ્‍થાના માલિકે સ્‍વીકારેલ. તેમજ અન્‍ય ફ્રૂટ જેવા કે દ્રાક્ષ તથા દાડમના દાણાનો ૫૦kg જથ્‍થો વાસી થયેલ જોવા મળેલ. સદરહુ કુલ મળીને અંદાજીત ૧૧૫૦ કિ.ગ્રા. અખાદ્ય જથ્‍થો (અંદાજિત કિંમત રૂ.૩.૩૦ લાખ નો) માનવ આહાર માટે ફરી વેચાણ/ઉત્‍પાદન માટે ઉપયોગ ન થાય તે હેતુથી સ્‍થળ પર કાર્યવાહી કરી SWM વિભાગના વાહન દ્વારા સ્‍થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને યોગ્‍ય સ્‍ટોરેજ કરવા તથા સ્‍થળ પર હાઇજિનિક કન્‍ડિશન જાળવવા, ખાધ્‍યચીજો પર કાયદા મુજબ લેબલમાં વિગતો દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.

ફુડ વિભાગની ટીમ તથા એફએસડબ્‍લ્‍યુ વાન સાથે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન મોરબી રોડ જકાતનાકાથી ભગવતીપરા બ્રીજ સુધી તથા રૈયા ચોકડીથી પ્રમુખ સ્‍વામી ઓડિટોરીયમ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ ૨૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૭ ધંધાર્થીઓને લાયસન્‍સ બાબતે સુચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાદ્યચીજોના કુલ ૩૪ નમૂનાથી સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.જેમાં શ્રી મેડિકલ, સતનામ આઇસ્‍ક્રીમ, દ્વારકેશ સોડાશોપ, ચામુંડા ચાપડી ઉંઘિયુ, રોયલ ભૂંગળા બટેટા, રેવતી મદ્રાસ કાફે તથા શ્રી ફુડ ઝોનને લાઇસન્‍સ મેળવવા બાબતે સુચના આપવામાં આવેલ.

(3:30 PM IST)