<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

૮ માસના બાળક આફતાબનું ડેંગ્‍યુ નેગેટિવ થયા બાદ મોતઃ નર્સે એક સાથે ૪ ઇન્‍જેક્‍શન આપી દીધાનો આક્ષેપ

રાધેકૃષ્‍ણ સોસાયટીના બાળકને તાવ આવતાં ખાનગી હોસ્‍પિટલે લઇ જવાયુ, ડેંગ્‍યુનો રિપોર્ટ આવતાં દાખલ કરાયું, રિપોર્ટ નોર્મલ થતાં રજા અપાઇઃ પણ એ પહેલા નર્સે ઇન્‍જેક્‍શન આપી દીધા બાદ તબિયત બગડયાનો પિતાનો આક્ષેપઃ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ

રાજકોટ તા. ૧૯: શહેરની બાબરીયા કોલોની પાસે રાધેકૃષ્‍ણ સોસાયટીમાં રહેતાં મુળ યુપીના ભંગારના ધંધાર્થી યુવાનના ૮ મહિનાના બાળકને બિમારી સબબ ખાનગી હોસ્‍પિટલમાં દેખાડવા લઇ જવાયા બાદ  રિપોર્ટ થતાં ડેંગ્‍યુ આવતાં તેને દાખલ કરાયેલ. બાદમાં રિપોર્ટ નોર્મલ આવતાં હોસ્‍પિટલમાંથી રજા આપવાની હોઇ એ પહેલા ડોક્‍ટરે લખેલા ચાર ઇન્‍જેક્‍શન નર્સ દ્વારા એક જ સાથે આપી દેવામાં આવતાં બાળક ઉંઘમાં જતું રહ્યું હોઇ તેવી હાલત થઇ ગઇ હતી. રજા લઇ ઘરે લઇ જવાયા  બાદ ફરી બાળકની હાલત બગડતાં ફરી હોસ્‍પિટલે લઇ જવાયેલ. પરંતુ તેનું મૃત્‍યુ થયું હતું. બેદરકારીથી મૃત્‍યુનો પરિવારજનોએ આક્ષેપ કરતાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવવામાં આવ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ રાધેકૃષ્‍ણ સોસાયટીમાં રહેતાં આફતાબ અલ્‍તાફભાઇ અંસારી (ઉ. ૮ માસ)ની તબિયત બગડતાં તેને મોહીત બેબીકેર હોસ્‍પિટલમાં દાખલ કરાયું હતું. પરંતુ રાતે મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ મારફત ભક્‍તિનગર પોલીસને જાણ કરવામાં આવતાં હેડકોન્‍સ. કે. જી. ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

મૃત્‍યુ પામનાર બાળક એક બહેનથી નાનુ હતું. પિતા અલ્‍તાફ અંસારી ભંગારનો ધંધો કહે છે તેણે કહ્યું હતું કે દિકરાને ૧૫મીએ તાવ જેવુ થતાં દવા લીધી હતી. પછી આંચકી જેવુ થતાં મોહિત બેબી કેરમાં   દેખાડવા લઇ ગયા હતાં. ત્‍યાં રિપોર્ટ થતાં ડેંગ્‍યુ આવ્‍યો હતો. જેથી ડોક્‍ટરે દાખલ કરવાનું કહેતાં અમે દિકરાને દાખલ કર્યો હતો. ૧૭મીએ ફરી રિપોર્ટ થતાં ડેંગ્‍યુ નેગેટીવ થઇ જતાં ડોક્‍ટરે રજા આપવાની વાત કરી હતી. એ પછી ગઇકાલે રજા આપતી વખતે દવા ઇન્‍જેક્‍શન લખી દેવાયા હતાં. હું ચાર ઇન્‍જેક્‍શન લઇ આવ્‍યો હતો. જે નર્સ દ્વારા અમારા દિકરાને એક સાથે એક પછી એક ચારેય આપી દેવાયા હતાં. તે વખતે મારા પત્‍નિ તબ્‍બસુમબાનુએ એક સાથે ચાર ઇન્‍જેક્‍શન આપવાના છે કે કેમ? તે અંગે નર્સને પુછતાં કોઇ જવાબ દીધો નહોતો.

ત્‍યારબાદ બાળક ઉંઘમાં જતું રહ્યું હોય તેવી હાલત થઇ ગઇ હતી અને અમને રજા અપાતાં અમે ઘરે ગયા હતાં. સાંજે ફરીથી તબિયત બગડી હતી અને ફરી હોસ્‍પિટલમાં લઇ ગયા હતાં. પણ આ વખતે મારા દિકરાનું મોત થઇ ગયું હતું. સારવારમાં બેદરકારી દાખવાઇ હોવાનું અમને લાગતાં અમે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમની માંગણી કરી છે. તેમ વધુમાં અલ્‍તાફભાઇએ કહ્યું હતુ. પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ આવ્‍યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

(11:48 AM IST)