<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

સામા કાંઠે આવકાર સિલ્‍વરમાં કારીગરે એક વર્ષ સુધી દાગીના ચોર્યાઃ ૬ મિત્રો સાથે મળી ઓગાળીને રૂા.૧.૧૨ કરોડનું ચાંદી વેંચી માર્યુ!

દેવાંગ ગોદડકા રોજ છુટતી વખતે જે હાથમાં આવે એ દાગીના ચોરી લેતો, બહાર જઇ મિત્રો સોનીયો, સતિષ, સાહિલ, કિશન, હાર્દિક, યોગેશને આપતોઃ આ બધા ૫૦ ટચના દાગીના ઓગાળી નાખી તેમાંથી ૧૦૦ ટચનું ચાંદી એકઠુ કરી વેંચી નાખી રોકડી કરી લેતા'તાં : સામા કાંઠે શક્‍તિ સોસાયટીમાં ભઠ્ઠી ચલાવતાં અલ્‍પેશભાઇ ઉર્ફે બાબાભાઇ ડોડીયાએ થોરાળા પોલીસમાં જાણ કરતાં પીઆઇ એન. જી. વાઘેલા, ભરતસિંહ પરમારે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યોઃ વાર્ષિક હિસાબમાં ઘટ આવતાં તપાસ થતાં સીસીટીવી કેમેરાને આધારે ભોપાળુ ખુલ્‍યું: પકડાઇ જતાં ચાંદી પાછુ આપી દેશે કહી સમય માંગ્‍યોઃ પણ છેલ્લે જ્‍યાં ફરિયાદ કરવી હોય ત્‍યાં કરી લેવાનું કહી દીધું!

રાજકોટ તા. ૧૯: શહેરના સોની બજારના વેપારી સાથે બે બંગાળી કારીગર ભાઇઓ અઢી કરોડનું સોનુ ઉસેડી ભાગી ગયાનો ઠગાઇનો કિસ્‍સો હજુ તાજો જ છે ત્‍યાં હવે સામા કાંઠે ચાંદી કામની ભઠ્ઠી ચલાવતાં અને ચાંદીના દાગીના બનાવતાં વેપારી સાથે તેના જ એક કારીગર સહિત ૭ જણાએ રૂા. ૧ કરોડ ૧૨ લાખના ચાંદીના દાગીનાની ચોરી બારોબાર વેંચી  નાંખી ઠગાઇ કર્યાનો કિસ્‍સો થોરાળા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયો છે. જેમાં એક કારીગર છેલ્લા એક વર્ષથી કામેથી છુટતી વખતે જે હાથમાં આવે એ દાગીના ચોરી બહાર ઉભેલા પોતાના મિત્રોને આપી દેતો હતો. આ છ મિત્રો ૫૦ ટચના ચાંદીના દાગીના ભઠ્ઠીમાં ઓગાળી તેમાંથી ૧૦૦ ટચનું ચાંદી કાઢીને વેંચી મારતાં હતાં. કુલ ૩૬૦ કિલો દાગીના ચોર્યા હતાં, તે ઓગાળતાં ૧૬૦ કિલો પ્‍યોર ચાંદી થયું હતું. જેની કિમત એક કરોડથી વધુ થાય છે.

ઠગાઇના આ બનાવમાં થોરાળા પોલીસે સંત કબીર રોડપર શક્‍તિ સોસાયટી-૯/૧૦ના ખુણે ઓમ મકાન ખાતે રહેતાં અને સરદાર સોસાયટી-૧૯માં આવકાર સિલ્‍વર નામે પેઢી ચલાવી ચાંદીકામની ભઠ્ઠી ચલાવતાં અલ્‍પેશભાઇ (બાબાલાલ) ગંગદાસભાઇ ડોડીયા (ઉ.વ.૫૧)ની ફરિયાદ પરથી દેવાંગ દિલીપભાઇ ગોદડકા, સોનીયો બેલદાર, સતિષ જયસુખભાઇ ડોડીયા, સાહિલ રાજેશભાઇ પરમાર, કિશન દિનેશભાઇ પરમાર, હાર્દિક ડોડીયા અને યોગેશ વિરૂધ્‍ધ   ૧ કરોડ ૧૨ લાખની ૧૬૦ કિલો ચાંદી ઓળવી જઇ ઠગાઇ કર્યાનો ગુનો નોંધ્‍યો છે.

અલ્‍પેશભાઇ ડોડીયાએ જણાવ્‍યું છે કે  હું તથા મારા બે ભાઇઓ સવજીભાઇ અને સુખદેવભાઇ મારી સાથે ભાગીદારીમાં પેઢીમાં કામ કરે છે. આવકાર સિલ્‍વર નામી અમારી પેઢી ૨૦૧૦થી ચાલે છે. અમે ચાંદીના દાગીના કારીગરો મારફત બનાવડાવી ગુજરાત અને બહારના રાજ્‍યોમાં ઓર્ડર મુજબ મોકલીએ છીએ. જેમાં મહિલાઓના પગમાં પહેરવાના વિછીયા, મહિલા પુરૂષની હાથમાં પહેરવાની વીંટીઓ, પગમાં પહેરવાના સાંકળા, ગળાના પેન્‍ડન્‍ટ સહિતના દાગીના અમે બનાવીએ છીએ. અમારી પેઢીમાં છ કારીગરો ભુપત બાબુલાલ સંચાણીયા, દિપક કેશુભાઇ દેસાઇ, બલરામ કેશુભાઇ દેસાઇ, સાહિલ વિનોદભાઇ કાપડી, જયપાલભાઇ મહિપતસિંહ ચાવડા અને વિજય ગોવિંદભાઇ રાઠોડ પરમેનેન્‍ટ કામ કરે છે. જ્‍યારે ચેતન નાગજીભાઇ મકવાણા પાંચ છ વર્ષથી અને દેવાંગ દિલીપભાઇ ગોદડકા ત્રણેક વર્ષથી ચાંદીકામની મજુરીએ આવે છે.

અમારી પેઢીમાં ૫૦ ટચના દાગીના બનાવીએ છીએ, એટલે કે કુલ ચાંદીના દાગીનાનો વજન થતો હોય તેમાં ૫૦ ટકા ચાંદી અને ૫૦ ટકા અન્‍ય ધાતુ હોય છે. ચાંદીનો હિસાબ અમે દર વર્ષે એક વાર કરીએ છીએ. જે હિસાબ ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ જતીનભાઇ જાદવ કરે છે. તેમણે ચારેક મહિના પહેલા અમને કહેલુ કે હિસાબમાં ૩૨૦ કિલો દાગીનાની ઘટ આવે છે તમે તપાસ કરો. જેથી મેં અને ભાગીદાર એવા મારા ભાઇઓએ સ્‍ટોક રજીસ્‍ટર ચેક કરતાં જાણવા મળેલુ કે ૩૨૦ કિલો દાગીનાની ઘટ છે.

આ પછી અમે પેઢીમાં કામ કરતાં કારીગરોની પુછતાછ શરૂ કરી હતી કે તમે કોઇએ દાગીનાની હેરફેર કરી હોય તો જણાવી દો. પણ કારીગરોએ ઇન્‍કાર કર્યો હતો. પછી અમે વિશ્વાસુ એવા ભુપતભાઇ અને જયપાલભાઇને બીજા કારીગરો પર ધ્‍યાન રાખવાનું કહ્યું હતું. જેથી આ બંનેએ કહેલુ કે હવેથી અમે બીજા કારીગરો પર નજર રાખશું. બે દિવસ બાદ જયપાલભાઇએ કહેલું કે ચતન મકવાણા દાગીનાની હેરફેર વિશે જાણે છે. તેણે કહ્યું છે કે કારીગર દેવાંગ ગોદડકા કામેથી છુટીને ઘરે જાય ત્‍યારે છુપાવીને દાગીના પોતાની સાથે લેતો જાય છે.

આથી અમે ચેતનને કહેલું કે તું જાણતો હતો તો શા માટે અમને ન કહ્યું. જેથી ચેતને કહેલુ કે છેલ્લે દેવાંગને દાગીના લઇ જતો મેં જોયો ત્‍યારે તેને આવુ શા માટે કરે છે તેમ પુછતાં તેણે કહેલું કે તું કોઇને કહેતો નહિ હું તને પાંચ હજાર આપીશ. મારે રૂપિયાની જરૂર હોઇ જેથી મેં કોઇને વાત કરી નહોતી. તેમજ ચેતને કહેલુ કે છેલ્લે સાતેક દિવસ પહેલા પણ દેવાગ ઓફિસમાંથી દાગીના લઇ ગયો હતો. આ પછી અમે ઓફિસમાં સીસીટીવી કેમેરા ચેક રતાં દેવાંગ ગોદડકા તા. ૩/૬/૨૪ના રોજ ઓફિસમાંથી દાગીના લઇ છુપાવીને જતો દેખાયો હતો. આથી અમે તેને બોલાવી કહેલુ કે તારા પર આટલો વિશ્વાસ રાખ્‍યો છતાં તે કેમ આવુ કર્યુ? અત્‍યાર સુધીમાં કેટલા દાગીના લઇ ગયો છો? તે દાગીનાનું શું કર્યુ? તેમ પુછતાં તેણે કહેલું કે હું એકાદ વર્ષથી દરરોજ તમારી ઓફિસમાંથી જે હાથમાં આવે એ દાગીના લઇ જતો હતો અને બહાર મારા મિત્રો સોનીયો બેલદાર, સતિષ ડોડીયા, સાહિલ પરમા, કિશન પરમાર ઉભા હોઇ તેને આપી દેતો હતો. તેઓ દાગીના ભઠ્ઠીમાં ઓગાળીને ૧૦૦ ટચનું ચાંદી કાઢીને વેંચી નાખતા હતાં અને બાદમાં અમે બધા રૂપિયાનો ભાગ પાડી લેતાં હતાં. દેવાંગે આ ચાંદી ક્‍યાં વેંચાતુ હતું તેની પોતાને ખબર નહિ હોવાનું ક્‍હ્યું હતું.

આ પછી અમે દેવાંગના ચારેય મિત્રો સોનીયો, સતિષ, સાહિલ અને કિશનને બોલાવી પુછતાછ કરતાં કહેલુ કે તેઓ દાગીના ભઠ્ઠીમાં ઓગાળી ચાંદી નીકળે તેને છુટક જે ભાવ મળે તે રીતે વેંચી દેતા હતાં. આ ચાંદી વેંચવામાં અન્‍ય મિત્રો હાર્દિક ડોડીયા અને યોગેશ પણ સામેલ હોવાનું આ ચારેયએ કબુલ્‍યું હતું.

આમ દેવાંગ, તેના મિત્રો સોનીયો, સતિષ, સાહિલ, કિશને મળી એક વર્ષમાં અમારી પેઢીમાંથી ૩૨૦ કિલો ચાંદીના દાગીના ચોરી લીધા હતાં અને ઓગાળીને તેમાંથી ૧૬૦ કિલો જેટલુ પ્‍યોર ચાંદી નીકળ્‍યું તે વેંચી માર્યુ હતું. મેં આ બધાને હવે તમારા વિરૂધ્‍ધ ફરિયાદ કરવાની થશે તેમ કહેતાં દેવાંગ, તેના મિત્રો સોનીયો, સતિષ, સાહિલ, કિશ, હાર્દિક અને યોગેશે કહેલુ કે ફરિયાદ ન કરતાં અમે તમને ૧૬૦ કિલો ચાંદીના જે રૂપિયા થાય છે તે કટકે કટકે આપી દઇશું, અમને એકાદ મહિનાનો સમય આપો. જેથી અમે વિશ્વાસ રાખી સમય આપ્‍યો હતો. પરંતુ સમય પુરો થયા બાદ પણ દેવાંગ અને તેના છ મિત્રોએ ચાંદી કે તેના બદલામાં રૂપિયા અમને આપ્‍યા નથી. છેલ્લે આ બધાએ હવે ચાંદી કે રૂપિયાની વ્‍યવસ્‍થા અમારાથી થઇ શકે તેમ નથી, ફરિયાદ કરવી હોય ત્‍યાં કરી લ્‍યો તેમ કહી દેતાં અંતે અમારે પોલીસને જાણ કરવી પડી હતી.

આ મામલે અગાઉ પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરવામાં આવી હતી. તેની તપાસ બાદ થોરાળા પોલીસ સ્‍ટેશનના પીઆઇ એન. જી. વાઘેલા, ભરતસિંહ પરમાર સહિતે ગુનો નોંધી આરોપીઓને શોધી કાઢવા તપાસ શરૂ કરી છે.

(1:28 PM IST)