<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

દિવાળી નિમીતે ઘરની સફાઇ માટે આવેલા શખ્‍સો ૧૪ લાખ ચોરી ગયા!

પડોશીને ત્‍યાં અગાઉ સફાઇ કરી ગયા હોઇ તેની પાસેથી નંબર લઇ ફોન કરતાં પ્રભુ નામનો શખ્‍સ અને બીજા ત્રણ જણા આવ્‍યા હતાં : સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે શાલીગ્રામ એપાર્ટમેન્‍ટમાં રીયલ એસ્‍ટેટના ધંધાર્થી, કારખાનેદાર હરસુખભાઇ ઠુમ્‍મરના ઘરમાં બનાવઃ શકદારને સકંજામાં લેવા તાલુકા પોલીસની તજવીજ : સફાઇ વચ્‍ચે પ્રભુ અને બીજો શખ્‍સ અમારે ઇમર્જન્‍સી કામ આવતાં જવું પડશે, બીજા બે માણસો મોકલુ છું કહી નીકળી ગયેલા

રાજકોટ તા. ૧૯: દિવાળીનો તહેવાર આવી રહ્યો હોઇ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે રહેતાં કારખાનેધાર અને રીયલ એસ્‍ટેટના ધંધાર્થીએ પોતાના ઘરની સાફ સફાઇ માટે પડોશીને ત્‍યાં સફાઇ કામ કરવા આવેલા પ્રભુ નામના શખ્‍સને ફોન કરી બોલાવતાં આ શખ્‍સ સહિત ચાર જણા ગઇકાલે પાંચ હજારની ફી નક્કી કરી સફાઇ કામ કરવા આવ્‍યા બાદ પ્રભુ અને અજાણ્‍યો શખ્‍સ અમારે બે જણાને ઇમર્જન્‍સી આવી ગઇ છે, અમે બીજા બે માણસોને મોકલીએ છીએ કહીને નીકળી ગયા હતાં. આ વખતે ઘરમાં કારખાનેદારના પત્‍નિ, વૃધ્‍ધ માતા-પિતા જ હતાં. કારખાનેદાર રાતે ઘરે આવ્‍યા ત્‍યારે કબાટમાંથી ૧૪ લાખની રોકડ ગુમ હોઇ તપાસ કરતાં સફાઇ કામે આવેલો પ્રભુ નામનો શખ્‍સ અને અજાણ્‍યો આ રકમ ચોરી કરી ગયાની શંકા ઉપજતાં પોલીસને બણ કરી હતી.

આ બનાવમાં તાલુકા પોલીસે સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે શાલીગ્રામ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. બી-૧૦૦૨માં રહેતાં અને રીયલ એસ્‍ટેટ તેમજ બાંધકામનો વ્‍યવસાય ચલાવવા  સાથે  રાધે પોલીમર્સ, યુનિક પોલીસર્મ નામે બે કારખાના ધરાવતાં હરસુખભાઇ બચુભાઇ ઠુમ્‍મર (ઉ.વ.૫૩)ની ફરિયાદ પરથી શકદાર પ્રભુભાઇ તથા અજાણ્‍યા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હરસુખભાઇ ઠુમ્‍મરે જણાવ્‍યુ છકે હું પરિવાર સાથે રહુ છું. મારી સાથે ૮૫ વર્ષના પિતા બચુભાઇ અને ૮૩ વર્ષના માતા નંદુબેન પણ રહે છે. મારા પત્‍નિનું નામ રાજેશ્રીબેન છે. મારો દિકરો ગાંધીનગર ભણે છે. રીયલ એસ્‍ટેટ અને કારખાનાના વેપારમાંથી ઉપજતાં રોકડા રૂપિયા હું ઘરમાં રાખુ છું, અને જરૂર પડયે ઘરેથી લઇ જાઉ છું. ૧૬/૧૦ના સવારે દસેક વાગ્‍યે હું ઘરે હતો ત્‍યારે મારા પત્‍નિએ વાત કરી હતી કે આપણા પડોશી મિત્તલબેન કેતનભાઇ કથીરીયાએ ગત ૩/૧૦ના રોજ બહારથી માણસો બોલાવી ઘરની સફાઇ કરાવી છે, આપણે પણ એ લોકો પાસે દિવાળીના તહેવાર અંતર્ગત સફાઇ કામ કરાવી લઇએ. જેથી મેં તેને હા પાડી હતી અને પડોશી પાસેથી ફોન નંબર મેળવી માણસો બોલાવી લેવાનું કહ્યું હતું.

બાદમાં હું સાંજે ઘરે આવ્‍યો ત્‍યારે મારા પત્‍નિએ કહેલું કે મિત્તલબેન પાસેથી નંબર લીધા છે અને તેમને ત્‍યાં ઘરનું કામ કરવા આવેલા ભાઇનું નામ પ્રભુભાઇ છે. જેથી મેં ફોન નંબર પર વાત કરતાં તેણે કહેલું કે ૧૮/૧૦ના સવારે અમે ચાર માણસો સફાઇ કામ માટે આવશું અને આ કામની મજૂરીના રૂા. ૫૦૦૦ થશે. જેથી મેં હા કહી હતી. બાદમાં શુક્રવારે સવારે નવ વાગ્‍યે હું મારા કામ પર નીકળી ગયો હતો. ઘરે મારા માતા, પિતા અને પત્‍નિ હાજર હતાં. બપોરે દોઢેક વાગ્‍યે હું ઘરે જમવા આવ્‍યો હતો. આ વખતે સફાઇ કામ કરવા માટે પ્રભુભાઇ સહિતના માણસો આવી ગયા હતાં.

હું જમીને પરત મારા કામે જતો રહ્યો હતો. રાતે ઘરે પહોંચ્‍યો ત્‍યારે ચારેય લોકો કામ પુરુ કરી જતાં રહ્યા હતાં. મારે રૂપિયાની જરૂર હોઇ જેથી મેં મારા રૂમમાં ગયો હતો. અહિ કબાટમાં મેં રોકડા ૧૪ લાખ રાખ્‍યા હતાં. પરંતુ કબાટ ખોલીને જોતાં અંદર આ રોકડ જોવા મળી નહોતી.  જેથી મેં મારા પત્‍નિને આ રકમ વિશે પુછતાં તેણે પોતાને કંઇ ખબર નથી તેમ કહ્યું હતું. ત્‍યારબાદ મેં તેને પુછેલુ કે સફાઇ કામ કરવા ચાર માણસો આવ્‍યા એના સિવાય કોઇ આવ્‍યું હતું કે કેમ? જેથી મારા પત્‍નિએ કહ્યું હતું કે ચાર માણસો સફાઇ કામ માટે આવેલા હતાં તેમાંથી પ્રભુભાઇ અને બીજો એક શખ્‍સ સાંજે સવા ચારેક વાગ્‍યે બહાર ગયા હતાં અને દસેક મિનીટ બાદ પાછા આવી ગયા હતાં.

 એ પછી પ્રભુભાઇએ કહેલુ કે અમારે બે માણસોને ઇમર્જન્‍સી કામ આવી ગયું હોઇ બે માણસોને બહાર જવું પડશે. અમારી જગ્‍યાએ બીજા માણસો મોકલુ છું. પ્રભુભાઇ અને અજાણ્‍યો શખ્‍સ જતા રહ્યા પછી બીજા બે માણસો આવ્‍યા હતાં અને ચારેયે બાદમાં ઘરનું કામ પુરુ કર્યુ હતું. નક્કી થયા મુજબ મેં તેમને ૫ હજાર આપ્‍યા હતાં. આ જોતાં સફાઇ કામ માટે આવેલો પ્રભુ અને સાથેનો શખ્‍સ આ ૧૪ લાખની રોકડ ચોરી ગયાની પુરી શંકા હોઇ ફરિયાદ કરી હતી. પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ એચ. એમ. મહારાજે ગુનો નોંધતાં પીએસઆઇ બી. આર. ભરવાડ, હરપાલસિંહ જાડેજા અને ડી. સ્‍ટાફની ટીમે શકમંદની શોધખોળ શરૂ કરી દીધી છે. તે રાજકોટ નજીકના ગામ તરફ હોવાનું લોકેશન મળતાં પોલીસની ટીમ દોડી ગઇ હતી. તે હાથમાં આવી જવાની શક્‍યતા પોલીસે જણાવી હતી.

(3:13 PM IST)